________________
સામાજિક અને ધાર્મિક જીવનનો પરિચય - ૪૯ બાંધીએ. ધીરે ધીરે બીજાઓએ જ્યારે જાણ્યું ત્યારે મારા વિષે એવી માન્યતા બંધાઈ કે સુખલાલ મંત્રજ્ઞ છે. હિતવિજય નામના મૂર્તિપૂજક એકલવિહારી સાધુએ મને એક યંત્ર બતાવ્યો. અને કપૂર ચંદનના પાણી વતી એને દોરી એના ઉપર વિજયપહુરનો જપ કરવા કહ્યું અને કહ્યું કે જપ પછી એ યંત્ર ધોઈ તેનું પાણી પીવા કે પાવાથી મોટું વિઘ્ન પણ શમે છે. કોઈ પાસેથી ભક્તામર-કલ્યાણ મંદિર સ્તોત્રમાં મંત્ર અને તેનો જપવિધિ પણ જાણી લીધો. સવા લાખ નમોક્કાર મંત્રના જપનો વિધિ જાણી લઈ એ જપ પણ કર્યો. પદ્માસને બેસી કરવાના કેટલાક જપો પણ શ્રદ્ધાપૂર્વક લાંબા વખત લગી કર્યા
આ ધૂને જે પ્રતિષ્ઠા ઊભી કરી હતી તેની કસોટીના પ્રસંગો પણ આવ્યા. બીજાઓએ એ કસોટીઓમાં નિષ્ફળતા ન જોઈ, પણ મને પોતાને મારી નિષ્ફળતાનું સ્પષ્ટ ભાન થઈ ગયું. ગામમાં એક છોકરીને સર્પદંશ થયેલો. કોઈ બીજા ઝેર ઉતારનારે એ કેસ સાવ અસાધ્ય ગણી મૂકી દીધો ત્યારે મને જાણનાર મિત્રો એ છોકરીને મારી સામે લાવ્યા. હું તિબેટના લામા અને વેદપાઠી બ્રાહ્મણોના ઉત્સાહથી શ્રદ્ધા અને આશાપૂર્વક ઉચ્ચસ્વરે સમંત્ર સ્તોત્રપાઠ કરવા લાગ્યો. આસપાસ વીંટળાયેલ ટોળું તો શ્રદ્ધાવંત હતું જ, પણ જેમ જેમ મારો પાઠ આગળ ચાલતો ગયો તેમ તેમ એ છોકરી વિષવેગથી દબાતી ચાલી. અને અંતે મારે એને છોડી દેવી પડી. છપ્પનના દુષ્કાળમાં પિતાજી બહુ કિંમત આપી એક સરસ તાજી વિયાયેલ ભેંસ લાવ્યા. પાડું મરી ગયું. અને ભેંસ દૂધ આપતી અટકી. દુષ્કાળ, ઘીની મોંઘવારી અને હમણાં જ કરેલ ભેંસનો ખર્ચ – એ કારણે ભેંસનું દૂધ દેતાં બંધ થવું સૌને વસમું લાગે એ સ્વાભાવિક હતું. મેં ઘરના નોકર ઉજમશીને પેલો યંત્ર ધોઈ પાણી આપ્યું. અને કહ્યું કે એ ભેંસને પાઈ દે. અલબત્ત, યંત્રનો સંપૂર્ણ વિધિ હિતવિજય યતિના કહ્યા પ્રમાણે જ કરવામાં આવ્યો હતો. બન્યું એમ કે ભેંસના પેટમાં પાણી ગયું ને થોડી વાર પછી તેણે થોડું દૂધ પણ આપ્યું, પરંતુ એનું એ દૂધ છેલ્લું જ હતું. ત્યારબાદ વધારે કાળજીપૂર્વક જપ કરી, યંત્ર ધોઈ પાણી કેટલીયે વાર પાવામાં આવ્યું, પણ ભેંશબાઈ તો ફક્યાં તે ફસક્યાં જ. આ સિવાય પણ કેટલાક મંત્ર-યંત્રના પ્રયોગો કરેલા, પરંતુ એકંદર મને સમજાયું કે આ બધો ભ્રમ છે. જ્યાં સફળતા દેખાય છે ત્યાં પણ કાકતાલીય ન્યાય” જેવું જ બને છે. અhબેરની માળા પ્રત્યે તલવારોનું જે આકર્ષણ જોયેલું તેનું ભૌતિક કારણ પણ સમજાઈ ગયું અને અક્કલબેરની માળા વિષેનો ભ્રમ પણ ભાંગ્યો. વઢવાણ કેમ્પની મસ્જિદમાં રહેલ એક ફકીર પાસેથી મેળવેલ મુસલમાની મંત્રોના પ્રભાવ વિષેની દઢ શ્રદ્ધા પણ ચાલી ગઈ. અને છેવટે મંત્ર-તંત્ર-યંત્રની આ બધી જાળ અક્કલબેરની માળા અને તે સાથે સંકળાયેલા વહેમો – એ બધું એક જ દિવસે એક જ સાથે છોડી દીધું અને મિત્ર ગુલાબચંદને કહી દીધું કે તારે રાખવું હોય તો રાખ. હું એને કદી અડવાનો નથી. તું જાણે છે કે હવે હું વિદ્યાધ્યયન માટે કાશી જવાની તૈયારી કરી રહ્યો છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org