________________
કેશરિયાજીની યાત્રાએ • ૧૧૭ સાથે ફરી ફરીને એ બળદ પાસે જતો. એ ખાય છે કે નહિ ? તે પૂછતો. વિચાર આવતો કે આટલું દુખ માણસને હોય તો તેની વાચા, હોય તે કરતાં તેને હજાર ઘણું કરી મૂકે જ્યારે આ મૂક પ્રાણી અનુભવે છે તેનો હજારમો ભાગ પણ જોનારના ધ્યાનમાં નથી ઊતરતો. સમાન દુઃખ હોવા છતાં પ્રકૃતિની કેવી વિચિત્રતા ? આ અને આના જેવા વિચારોમાં બે દિવસ જેમ તેમ પસાર કર્યા ને છેવટે સંઘનો સાથ ત્યાં જ છોડી હું ઉદયપુર ભણી ચાલી નીકળ્યો. બળદની ચિંતાથી યાત્રાનો રસ ફિક્કો પડેલો. ઉદયપુરમાં કોઈ પશુવૈદ્ય કે ડૉક્ટરની તપાસ કરવી હતી. ને પાછા પગરસ્તે ન જતાં ટ્રેનમાં જ જલદી અમદાવાદ પહોંચવાનો ઉદ્દેશ હતો. કેશરિયાજી તીર્થ
કેશરિયા એ જૈનોનું જ તીર્થ છે, પણ તે પોતાની વિશેષતાને કારણે જેન જૈનેતર સૌનું વંદનીય તીર્થ બન્યું છે. બીમારો શાન્ત થવા ને અપુત્રિયાઓ પુત્ર મેળવવા તો આવે જ છે, પણ ચોરી કરવામાં સફળતા મેળવનાર ભીલો સુધ્ધાં ત્યાં ભેટ ચડાવવા આવે છે. આ તો ભગવાન ઋષભદેવની મૂર્તિના મહિમાની વાત થઈ, પણ એ તીર્થમાં
યૂ, ક્રિશ્ચિયન અને પારસી સિવાયની બધી જ જૈનેતર પરંપરાઓનાં દેવ-દેવીઓ પોતપોતાના ભક્તો દ્વારા પૂજા-અર્ચના પામે છે. મુસલમાનોની મસ્જિદને પણ ત્યાં અવકાશ મળ્યો છે. જાણે કે આ તીર્થે ઋગ્વદના દેવ-મંડળને કળિયુગમાં એક સ્થાને આવવા નોતર્યું ન હોય ? બધા સંપ્રદાયો ગમે તે પરિસ્થિતિમાં અહીં સ્થાન પામ્યા હોય, પણ સાંસ્કૃતિક દૃષ્ટિએ વિચાર કરીએ તો એમ લાગે છે કે જૈનપરંપરાની અનેકાન્ત દૃષ્ટિનો એક અંશ જાણે-અજાણે અહીં મૂર્તિમાન થયો છે.
આવી સ્થિતિ હોવા છતાં પણ ત્યાંની ત્રણ વસ્તુઓ બહુ ખટકે એવી છે. એક તો ત્યાં અન્ય હિન્દુ તીર્થોમાં હોય છે તેવી પંડ્યાની સૃષ્ટિ, બીજી વસ્તુ કેસરનો ચડાવો અને ત્રીજી શ્વેતાંબર દિગંબરની તકરાર. પોતાના જે પૂર્વજોને યાત્રીઓ ન જાણતા હોય તેમને સ્વર્ગમાંથી ઉતારી યાદ આપવાનું પંડ્યાનું કામ અજ્ઞાન યાત્રીઓની દૃષ્ટિએ ઉપયોગી માનીએ તોય એકંદર એ પંડ્યાઓ અકર્મણ્યતામાં જ પળાતા અને પોષાતા હોઈ પોતાની જાત અને કોમનો દક્ષિણાની પરાવલંબી જીવિકા દ્વારા નાશ કરી રહ્યા છે અને યાત્રીઓમાં અનેક જાતના વહેમો પોષી તીર્થસ્થાનમાં સંભવિત એવા આધ્યાત્મિક લાભોનો મૂળથી જ ઉચ્છેદ કરે છે. ભગવાન ઋષભદેવની મૂર્તિ એવી પ્રભાવક મનાય છે કે લોકો દૂર દૂરથી તે ઉપર કેસર ચડાવવા આવે છે. જે યાત્રી વધારે ધનિક ને વધારે ઉદાર તે વધારે કેસર ચડાવે. મૂર્તિથી માંડી પાણીની મોરી સુધી બધે જ સ્થળે કીમતી કેસરના ઢગલા. આરોગ્ય આદિનાં અનેક કામોમાં ઉપયોગી થઈ શકે તેવા અને ગરીબ કે મધ્યમ વર્ગના લોકોને સાવ દુર્લભ એવા કેસરની બરબાદી થતી જોઈ તેમજ કેસર ચડાવી તેના બદલામાં મોટા લાભો મેળવવાની લાલચનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org