________________
ત્રણ યાદગાર પ્રસંગો - ૧૬૯ વાતચીત ન કરી. મારી અને વિજયધર્મસૂરીશ્વરની આ મુલાકાત છેલ્લી જ નીવડી. ત્યાર બાદ તેઓ લાંબું જીવ્યા નહિ અને મને મળવાની તક જ ન સાંપડી. હું એમનાથી છૂટો પડ્યો ત્યારથી તેમના અને તેમના શિષ્ય-પરિવારના મનમાં મારા પ્રત્યે અણગમો ને રોષ હતાં જ, પણ આ વખતે જ્યારે હું વિજયધર્મસૂરીશ્વરને મળ્યો ત્યારે મારા મન ઉપર એમના મારા વિષેના સંતોષની છાપ પડી. એમના મોટા મને કદાચ એમ માની જ લીધું હશે કે ભલે સુખલાલ જુદો પડ્યો ને રહ્યો છતાં એ જે પ્રવૃત્તિ કરી ને ખેડી રહ્યો છે તે મારા લક્ષ્યને અનુરૂપ જ હોઈ મને સંતોષ આપે તેવી જ છે. ગમે તેમ હોય, પણ મારા એકાંત હિતૈષી અને સહાયક એ સૂરીશ્વરને અણધારી રીતે મળવાની જે છેલ્લી તક મળી તેનું મૂલ્ય મણિબહેનની આર્થિક મદદ કરતાં અનેકગણું વધારે મેં મનમાં આંક્યું છે અને આજ પણ આંકું છું. ખંભાતના એક સગૃહસ્થની સહાયતા
પૂનામાં હતો ત્યારે એક દિવસ ખંભાતથી એક સગૃહસ્થ તરફથી ચારેક હજાર રૂપિયાની હૂંડી આવી. પત્રમાં એ સદ્દગૃહસ્થ લખેલું કે આ તમારી સાહિત્યિક પ્રવૃત્તિમાં ખરચવા ખાતર સન્મિત્ર કપૂરવિજયજીના કહેવાથી મોકલાવું છું. આ મદદ વણમાગ્યે અણધારી રીતે જ આવી તેથી મનમાં ઉત્સાહ અને આનંદનું મોજું ફરી વળે એ સ્વાભાવિક હતું, પણ વણમાગી અને અણધારી આવી રીતે મદદ આવી તેથી મારા મન ઉપર જવાબદારીનો ભારે બોજો આવી પડેલો મેં સ્પષ્ટ અનુભવ્યો. મને થયું કે રકમ નાની હોય કે મોટી, પણ એને મોકલનાર તેમજ મોકલવા પ્રેરણા કરનાર બંનેએ મારા ઉપર આટલો બધો વિશ્વાસ કયા આધારે રાખ્યો હશે? અને જો તેમણે વિશ્વાસ રાખ્યો જ છે તો હવે મારું કર્તવ્યબંધન અનેકગણું વધી જાય છે. એમ તો મને સ્પષ્ટ યાદ છે કે મેં મને મળેલી એક પણ પાઈનો જાણી જોઈ દુરુપયોગ કર્યો જ ન હતો ને મારા પોતાને વાસ્તે ઓછામાં ઓછા ખર્ચે ને વધારેમાં વધારે કાપ કરવાની લગનીથી જ મેં જીવનમાર્ગ સ્વીકારેલો હતો, પણ આ પ્રસંગ મારી સવિશેષ કસોટી કરવા આવ્યો હોય એમ માની મેં એને દિલથી જ વધાવી લીધો. ખંભાતથી આવેલ ને મુંબઈથી મળેલી બધી જ રકમો મેં મારા કે રમણીકલાલને નામે ન રાખતાં અમારા નિત્યના કાર્યસાથી. બાબુ ડાલચંદ્રજી ઝવેરીને નામે બેન્કમાં જમા કરાવી. ને એ બાબુજીને લખી દીધું કે તે તે ગૃહસ્થોને તમે મદદની પહોંચ લખી દો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org