________________
૧૯૪ - મારું જીવનવૃત્ત આંદોલનોનાં મોજાં ચોમેર ઊછળતાં અને ગમે તેને ઝપાટામાં લેતાં મેં જોયાં. કોચરબ – પાલડી તરફ ઘણું કરી કુબેર ખોડીદાસના બંગલામાં હું મુનિજી પાસે ઊતર્યો. તેમની અને બીજા મિત્રોની ઇચ્છા એવી હતી કે, હું અમદાવાદ જ રોકાઈ જાઉં, પણ હું મારાં આગ્રામાં પડેલાં અધૂરાં કામને પૂરાં કરવાની ધૂનમાં હતો કે તે વખતે મેં ત્યાં રહેવું ન યોગ્ય ધાર્યું, ન પસંદ કર્યું. શ્રીયુત નંદલાલ મણિલાલ શાહ વગેરેએ છેવટે કહ્યું કે તમે વઉઠાના મેળામાં ચાલો. ત્યાં લાખો આદમી ઊભરાય છે. અમે બધા જવાના છીએ ને સૂતરને તાંતણે સ્વરાજ્યની વાત લોકોને સમજાવવાના છીએ. હું મુનિજી સાથે જ વઉઠા ગયો. વહઠા ધોળકાથી પાંચેક ગાઉ દૂર આવેલું છે. ત્યાં સાબરમતી અને બીજી નદીઓનો સંગમ થાય છે. મોટાં વિસ્તૃત મેદાનો છે. આ પ્રાકૃતિક સૌંદર્યને લીધે ક્યારેક કાર્તિક પૂર્ણિમાના મેળાની યોજના શરૂ થઈ હશે. આ વખતે લાખોગમે માનવમેદની ઊભરાતી હતી. જોકે દર સાલ મેળો તો ખૂબ જામે જ છે. આ સાલ સ્વરાજની હિલચાલ, પુરજોશમાં હોવાથી આવનારને નવું જ આકર્ષણ ઊભું હતું. સ્વરાજ્યવાદીઓને પણ આ મેળામાં કાર્ય કરવાની મોટી અને સારી તક હતી. મેળામાં જુગાર, મદ્યપાન અને અનાચાર ફાટી નીકળે છે તેથી એ બદીને શમાવવાની સ્વરાજ્યવાદીઓ માટે સારી તક હતી. ઠેરઠેર તંબૂ તણાયેલા. હું પણ એક તંબૂમાં જ રહેલો. શ્રીયુત નંદલાલ અને સ્વ. મોહનલાલ પંડ્યા વગેરેએ ખાવાપીવાની પૂરી જોગવાઈ કરી હતી. જગ્યાએ જગ્યાએ ભાષણો થતાં ને સાંભળવા માટે લોકો ટોળે વળતા. કાર્તિક પૂર્ણિમા અને સાવ ખુલ્લાં મેદાનો એટલે ટાઢનો ચમકારો હતો. હું સખત માંદગીમાંથી કેમેય કરી ઊભો થયેલો. બહુ ઓછું ખાઈ શકતો છતાં વઉઠાનાં મેદાનોની સૂકી અને ખુશનુમાં હવાએ કાંઈ એવી અજબ અસર કરી કે, મારી ભૂખ હું ન કહ્યું તે રીતે ઊઘડી. એ બે દિવસોમાં મને બહુ બળ મળ્યું. શ્રીયુત મોહનલાલ પંડચાના આગ્રહથી મેં પણ એક રાતે લોકો સમક્ષ મદ્યપાનની બૂરાઈ વિષે કાંઈક કહેલું. નવા આરોગ્ય લાભથી બળ મળતાં જ આગ્રા જવાનો મારો સંકલ્પ વધારે દૃઢ થયો. હું અમદાવાદ પાછો ફરી તરત જ મિત્રોના આશ્ચર્ય વચ્ચે આગ્રા માટે ઊપડી ગયો. પુનઃ આગ્રા જઈ કાશીમાં સ્થિરતા
આગ્રા આવી મેં મારી પાછળ કેટલું કામ થયું છે એ તપાસ્યું. ભામંડળદેવ સોંપેલું કામ તો બરાબર કરતા જ, પણ પ્રેસની અને તેમની ગતિ બહુ ધીરી હતી. જ્યારે ખર્ચના બોજની ગતિ એકધારી વધ્યે જ જતી હતી. ગુજરાતે, રાષ્ટ્રિય આંદોલનોએ, અને મિત્રોએ મારું ધ્યાન ખેંચ્યું જ હતું. તેથી આ કામની આ પિપીલિકા – ગતિ મને સ્વસ્થ બેસવા દે તેમ હતું જ નહિ. મેં ક્યાંક બીજે જઈ ઝડપથી કામ આપે એવા પ્રેસની શોધનો નિર્ણય કર્યો. કાનપુર આવ્યો. ત્યાં બાબુ સંતોકચંદજીનું પ્રસિદ્ધ જૈન મંદિર પણ જોયું હતું. કાનપુરના અનેક પ્રેસોમાં ફરી વળ્યો, પણ ક્યાંયથી સંતોષપ્રદ જવાબ ન મળ્યો;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org