________________
૧૯૮ - મારું જીવનવૃત્ત વખતચંદ અને બીજાં પણ મારાં સગાં-સ્નેહીઓ હતાં. હું કલકત્તા અપર ચિત્તપુર રોડ ઉપર ઊતર્યો. કલકત્તામાં બાબુ બદરીદાસજીનું કામય મંદિર પ્રસિદ્ધ છે. ત્યાં પણ જઈ આવ્યો. દરમ્યાન પૂનાવાળો સંઘ આવી પહોંચ્યો.
કલકત્તાના આગેવાન જેનોની એક સભા ગોઠવાયેલી, તેમાં ખાસ ભાષણ મુનિશ્રી જિનવિજયજીનું થયેલું. તેમણે પોતાની લાક્ષણિક ઐતિહાસિક દૃષ્ટિ રજૂ કરતાં અત્યારે માત્ર વ્યાપારી કોમ તરીકે પ્રસિદ્ધ જૈન સમાજના ભૂતકાળમાં જે ક્ષત્રિયોચિત ઐતિહાસિક પરાક્રમો ઈતિહાસના પાને નોંધાયેલાં છે તેના કેટલાક દાખલાઓ આપ્યા તે શ્રોતાવર્ગને બહુ રુચિકર પણ સિદ્ધ થયા. હું કાંઈક શિક્ષણ વિષે બોલેલો એ જ યાદ આવે છે, પણ આ વખતે મને મારા પૂર્વપરિચિત ત્રણ સજ્જનોનો ખાસ મેળાપ થયો એને લીધે મારી કલકત્તાની યાત્રા નિષ્ફળ નથી ગઈ એમ મને લાગ્યું. કલકત્તામાં લાભચંદનો ભેટો અને તેની કથા
પંજાબના જાતે શીખ કે જાટ અને આર્યસમાજના સંસ્કારોમાં ઊછેરલ એક લાભચંદ નામના જુવાન હતા, જે પહેલાં કાશી યશોવિજયજી જૈન પાઠશાળામાં થોડુંક રહેલા. શરીરે ખૂબ પુષ્ટ કસરતી, બળવાન અને સાહસી, તેમને એ પાઠશાળામાં રહેનાર વિજયધર્મસૂરીશ્વરે અગડંબગડે સમજાવી દીક્ષા લેવા સમજાવ્યા. લાભચંદ પોતે તદ્દન સમાજસુધારક અને લૌકિક વૃત્તિવાળો હોવા છતાં કાંઈક વિશ્વાસ અને નવા પ્રવાહમાં જુવાનીવશ ઓછા વિચારે વહી જનાર પણ ખરો. એટલે તે પણ દીક્ષાની જાળમાં ફસાયો. કાશીમાં દીક્ષા આપવા જતાં યશોવિજયજી પાઠશાળા બદનામ થાય તેમ હતું. જે લોકોએ પોતાનાં બાળકોને પાઠશાળામાં વિશ્વાસપૂર્વક ભણવા મૂકેલાં તેઓ જો એમ જાણે કે રક્ષક વાડ જ ભક્ષક બની રહી છે તો તેઓ પોતાનાં બાળકોને પાછાં બોલાવી લે ને પાઠશાળા પડી ભાંગે; તેથી પાઠશાળાના તંત્રવાહક મુનીશ્વરે લાભચંદને ગુજરાતમાં મોકલી દીધો ને ત્યાં જ ગોધાવીમાં રહેલ પોતાના એક શિષ્ય દ્વારા મુંડાવી પણ નાખ્યો. હવે એ મુક્ત અને સ્વતંત્ર પ્રકૃતિનો આર્યસમાજના પ્રચારક અને ઉત્સાહી સંસ્કારવાળો પંજાબી મલ્લ જેવો જુવાન જૈન સાધુના સાંકડા અને મર્યાદિત તેમજ જટિલ વર્તુળમાં જકડાયો. જાણે કે એક મુક્ત પંખી અગર વનવિહારી સિંહ પાંજરામાં પુરાયો હોય. એણે અમદાવાદમાં પણ ઉપાશ્રયનું સાધુજીવન અનુભવ્યું. એને લાગ્યું કે હું કાશીમાં રહી સ્વતંત્રપણે અધ્યયન કરતો તે તો સાધુઅવસ્થામાં નથી જ થતું, પણ વધારામાં અનેક અનેક જાતનાં નિરર્થક બંધનો મેં વગર વિચાર્યું સ્વીકાર્યા છે. એનું નૈતિક જીવન તદ્દન ચોખું, પણ એને સાંપ્રદાયિક સંકુચિતતા તેમજ કૃત્રિમ બંધનો ન ફાવ્યાં. તેણે થોડાક મહિના કેમે કરી વિતાવ્યા, પણ છેવટે તેણે એ સાધુવેશનું બંધન ફગાવી દીધું ને સીધો કાશીમાં જ ચાલ્યો આવ્યો. તે સૌથી પહેલાં પોતાને દીક્ષાની પ્રેરણા આપનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org