________________
૩૦. આગ્રામાં કુટુંબ સંસ્કારની પ્રવૃત્તિ
પૂનાની દિશા ન લેતાં મેં આગ્રાની દિશા લીધી, પૂનામાં છપાવવાનું મુખ્ય કામ સંભવિત ન દેખાયું. ખર્ચ પણ વધે જતો હતો ને આગ્રામાં શરૂ કરેલી પ્રવૃત્તિઓ સાવ બંધ પડી ગઈ હતી તેથી મને ફરી આગ્રા જ જવાનું યોગ્ય લાગ્યું.
- ઈ. સ. ૧૯૧૯ના ડિસેમ્બરની સખત ચઢ હતી. મેં મારી સાથે ઘેરથી બે ભત્રીજીઓ ને એક પાંચેક વર્ષના ભત્રીજાને સાથે લીધાં હતાં. મોટો ભત્રીજો હરજીવન તો પહેલેથી જ મારી સાથે હતો ને મારા કામમાં અનેક રીતે સહાયક પણ થતો. આ વખતે ભત્રીજીઓને સાથે લેવામાં મારી અનેકવિધ નેમ હતી. મારું કુટુંબ છેક જ નાના ગામડામાં ને ત્યાં કન્યાશિક્ષણ કે કન્યાસંસ્કારનું નામ જ નહિ. મારે કુટુંબમાં મારી દૃષ્ટિએ કાંઈ પણ પરિવર્તન કરવું હોય તો તેનો લાંબો, પણ સીધો રસ્તો મને એક જ જણાતો હતો કે, નવી પ્રજાને જુદી રીતે ઘડવી. છોકરીઓને સાથે રાખી કેળવણી આપવાનું કામ મારા માટે વધારે પડતું અઘરું હતું, પણ ઘરની છોકરીઓ હોય તો એ અખતરો મને એટલો બધો જોખમકારક જણાતો નહિ તેથી હું ઘર તરફ જ વળ્યો. રમણીકલાલનાં ધર્મપત્ની તારાબહેન તદન તરુણ ને આગ્રામાં ગુજરાતી તરીકે એકલવાયાં જ પડતાં. ત્યાંની સ્થાનિક બહેનો મળતી હતી, આવતી જતી ને કાંઈક ભણતી પણ ખરી છતાં એ સહવાસ તારાબહેન માટે માત્ર બે-ચાર કલાક પૂરતો જ હતો. ઘરની કન્યાઓ હોય તો મારું જોખમ ઓછું ને તારાબહેનને હૂંફ મળે તેમ જ તેમને પ્રવૃત્તિ માટે કાંઈક ક્ષેત્ર મળે એ વિચાર મારી યોજનાનો આધાર હતો. છેક પાંચ વર્ષના ભત્રીજાને આગ્રા જેવા દૂર પ્રદેશમાં ને હિન્દીભાષી લોકો વચ્ચે લઈ જવાનો મારો ઉદ્દેશ એ હતો કે, જો આ છોકરામાં ઘરના અને ગામડાના પહેલેથી જ અણઘડ સંસ્કારો પડ્યા તો આગળ જતાં તેને સ્થાને નવા સંસ્કારો નાખવાનું કામ વધારે અઘરું બનશે. તેથી મારા ઘરના જ એક છોકરા માટે એ પણ પ્રયોગ કરી જોવો કે, છેક નાનપણથી છોકરાઓને ઘરથી દૂર રાખી શીખવવા ને સંસ્કાર આપવાનું કામ કેટલું અઘરું છે અને કેવું પરિણામકારક નીવડે છે? ઘરનાં બાળકો હોય એટલે બહારના બીજાઓનો ઘોંચપરોણો પણ નહિ. મારી આ દૃષ્ટિ મેં મારાં ભાઈઓ કે ભોજાઈઓને વિસ્તારથી સમજાવી ન હતી. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org