________________
લેખનકાર્યનો દઢ સંકલ્પ • ૧૩૧ પરંતુ મારી સ્થિતિ નોખી હતી. મહેસાણા અને પાટણમાં હરસનાં જે દર્શન થતાં હતા તે હવે વધારે થવા લાગ્યાં. લોહી વધારે પડે ને નબળો થઈ જાઉં, પણ સાદગીના પ્રયોગની ગાંડી ધૂન એવી હતી કે તેણે મને ભળતા જ તત્ત્વજ્ઞાન તરફ વાળ્યો. હું ઈલાજ કરવાને બદલે તેમજ પોષક ખોરાકથી ઘટેલ લોહીની પૂર્તિ કરવાને બદલે એમ મન મનાવવા લાગ્યો કે જેટલુંક લોહી વધારે હશે તે જ ઘટવાનું છે, એથી વધારે ઘટવાનું નથી. મારી આ સમજણ સાચી છે એમ હું નહોતો સમજતો. હું જાણતો હતો કે ધૂનને લીધે આ માત્ર મારું મન મનામણું છે. તોપણ હજી એ જ ભ્રમમાં તણાયે જતો હતો. ને જુવાનીનું બળ ઘટાચે જતો હતો. સાથીઓની શ્રદ્ધા આ પ્રયોગમાં મોળી ન પડે એવી ધારણાએ મારા ઉપર કબજો જમાવ્યો હતો ને તે જ મને ધૂની બનાવી રહી હતી. કબજિયાત હોય ત્યારે જ હરસ વધારે દૂઝે છે એ નિયમ અનુભવમાં આવ્યો. એટલે કબજિયાત વળવાનો ઇલાજ શોધતાં ચણા મદદે આવ્યા. કાચા પાકા બંને પ્રકારના ચણા ખાવાનો અભ્યાસ તો નાની ઉંમરથી જ હતો. પેટ ઉપર થતું એનું પરિણામ પણ જ્ઞાત હતું. એટલે મેં સહેલો ઇલાજ ચણાનો શોધ્યો. રાતે સૂતા પહેલાં પાકા શેર ચણા શેકાવીએ. ને અમે પાંચ તથા માજી ને પેલો કૂતરો - સાતેય મળી સમાપ્ત કરીએ. આ ગરમ ચણા રાતે ખાવાની અસર કેટલીક વાર ઉદરશુદ્ધિની દૃષ્ટિએ ઠીક થતી તો કેટલીક વાર વિપરીત પરિણામ પણ આવતું, પરંતુ દૂધની ગ્યા ચણાએ લીધેલી ને ગરમ ગરમ ચણાનો સ્વાદ પણ અજબ એટલે તે કાશી છોડી ત્યાં સુધી સહેજે છૂટ્યાં નહિ. કૂતરાને પણ ગરમ ગરમ ચણા ખાવાનો એવો અભ્યાસ પડેલો કે અમે ઘણી વાર પરીક્ષા ખાતર ખાતા હોઈએ ત્યારે એને ન નાંખીએ તો તે ભસાભસ કરી મૂકે ને બંધનથી છૂટી આવવાનો પ્રયત્ન કરે. જ્યારે મેં કાશી છોડ્યું ત્યારે પણ પાછળથી . કૂતરાનો ચણાનો પડેલો અભ્યાસ ચાલુ રહે તે માટે ઘટતી વ્યવસ્થા કરી હતી. હિન્દી લેખનનો અભ્યાસ
ઉપર પ્રમાણે સાદગી અને જાતમહેનતનું તંત્ર ઠીક ચાલતું, પણ જ્યારે મને એ તંત્રનો પ્રાણ તો લેખનની સાધનાનો ઉદ્દેશ જ હતો. જે વિષયના સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થોનો અનુવાદ કરવા હું ઇચ્છતો તે અનુવાદ્ય વિષયની તૈયારી તો મારી ઠીક ઠીક હતી, પણ જે ભાષામાં મારે અનુવાદ કરવાનો હતો તે હિન્દી ભાષાની તેમજ લખાણની કચાશ હવે મને જણાવા લાગી. મેં કાશીને યુ.પી.નાં બીજાં શહેરોમાં દશ જેટલાં વર્ષ તો ગાળેલાં જ. હિન્દી બોલવા અને સમજવાની શક્તિમાં કચાશ ન હતી, પણ કચાશ હતી તે તો હિન્દી ભાષાની શુદ્ધિની ને પદ્ધતિસર લખાણ કરવાની. આ કમી સમજાઈ કે તરત જ તેને દૂર કરવાની તૈયારી શરૂ કરી. સારાં સારાં હિન્દી વ્યાકરણો એકત્ર કર્યા. નામાંકિત લેખકો દ્વારા થયેલા સંસ્કૃત અને અંગ્રેજી ગ્રન્થોના હિન્દી ગદ્ય-પદ્ય અનુવાદો મેળવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org