________________
૧૪૦ • મારું જીવનવૃત્ત
શ્રી ત્રિકમભાઈ શાહ અને પ્રો. રસિકલાલ પરીખનો પરિચય
પૂનામાં બે મિત્રો બીજા થયા, જેમનું સ્થાન મારા જીવનમાં બહુ ગૌરવાન્વિત છે. તેમાંથી એક ત્રિકમલાલ મહાસુખરામ શાહ, જે તે વખતે ફરગ્યુસન કૉલેજમાં ગણિત લઈ ભણતા ને આગળ જતાં ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપક અને મહામાત્ર થયા. હું તેમની સાથે ત્રણચાર વર્ષ તો સતત રહ્યો છું. એમનો અને મારો કાર્યપ્રદેશ જુદો હોવા છતાં તેમની મીઠાશે મને બહુ હૂંફ આપી છે અને આજે પણ અમારા વચ્ચે એ જ મીઠાશ કાયમ છે.
બીજા મિત્ર થયા તે રસિકલાલ છોટાલાલ પરીખ. તે વખતે તેઓ પૂનામાં સંસ્કૃત લઈ B.A.માં ભણતા. પરિચય થતાં જ અમે એકબીજા પ્રત્યે ખૂબ આકર્ષાયા. બંનેનો વિષય એક અને જિજ્ઞાસા પણ બંનેની ઉત્કટ. તેઓ પ્રોફેસર ગુણે પાસે પ્રવચનસાર શીખતા. જ્યારે એમણે મને વંચાવવાનું કહ્યું ત્યારે મેં તરત જ સ્વીકાર્યું. સટીક પ્રવચનસારના વાચને અમને એના આધ્યાત્મિક વિષય પ્રમાણે પરસ્પર એવા બાંધ્યા કે એ સંબંધ શુદ્ધ આધ્યાત્મિક નહિ હોય તોય તે એ દિશામાં છે એમ કહી શકાય. પૂના છોડ્યા પછી અમદાવાદ જ્યારે જ્યારે જતાં-આવતાં ઊતરું ત્યારે તેઓ મને ત્યાં જ રહેવા લલચાવે ને અનેક ગ્રન્થો વાંચવાની યોજના સામે મૂકે, પણ એ યોગ તો આગળ જતાં, ઈ. સ. ૧૯૨૧માં જ આવ્યો. તેઓ ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપક ને ગુજરાત પુરાતત્ત્વ મંદિરના મંત્રી હતા, હું પણ એ સંસ્થામાં જોડાયો. અમારો અધ્યયન, લેખન ને ચિંતન વિષયક એટલો બધો સહચાર વધ્યો કે હું તેને મારા જીવનની ધન્ય ઘડી લેખું છું. તેઓ આજે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના આશ્રય તળે ચાલતા ભોળાભાઈ જેસિંગભાઈ ઇન્સ્ટિટ્યૂટ કે જેમાં ઉચ્ચ અભ્યાસ ને સંશોધનનું કાર્ય થાય છે તેના ડિરેક્ટર છે અને હજી પણ મને તેઓ ત્યાં જ આવવા લોભાવી રહ્યા છે. તેમનું ઘર એ મારું ઘર બની ગયું છે. પૂનાના સમાગમે તેમની મિત્રતાનો જે લાભ કરાવ્યો છે તેનું મૂલ્ય આંકવું મારા માટે અઘરું છે અને વિસ્તૃત વર્ણન કરવું તો તેથીયે વધારે અઘરું છે. તેમનાં માતા ચંચળબહેન મને બહુ શ્રદ્ધાથી જોતાં ને ભાઈ જેટલી મમતાથી જ વર્તતાં. તેમણે મારી સગી બહેન ચંચળનું જ સ્થાન લીધું છે એમ મને હંમેશાં લાગેલું. મારું એવું કોઈ લખાણ નહિ હોય કે જે છપાયા પહેલાં રસિકભાઈની નજર નીચે પસાર થયું ન હોય. એમની બહુમુખી પ્રતિભાએ અનેક બાબતોમાં મને નવેસર વિચાર કરતો પણ કર્યો છે. તત્ત્વાર્થનું ગુજરાતી વિવેચન ને ‘સન્મતિનું’ બૃહત્તર સંપાદન રસિકભાઈની મદદથી જ, છે તે સ્થિતિમાં પૂર્ણતા પામ્યાં છે.
પ્રો. ગુણે, ભાંડારકર અને ધર્માનન્દ કોસંબીનો પરિચય
રસિકભાઈ પોતે તો મિત્ર બન્યા, પણ તેમણે મને તેમના અધ્યાપક ગુણે સાથે પણ મેળવ્યો. ગુણે એટલા બધા ભલા, જિજ્ઞાસુ અને નમ્ર હતા કે તેઓ મને પૂનામાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org