________________
૧૬૪ - મારું જીવનવૃત્ત આતિથ્યપ્રિય મંગળભાઈ પહેલેથી જ મારા પરિચિત હતા, પણ વિજયવલ્લભસુરિની ભલામણે મારા પ્રત્યે તેમનું વધારે ધ્યાન ખેંચ્યું હોય એમ તે વખતના તેમના સમગ્ર ઉદાર વ્યવહારથી હું જોઈ શક્યો. ગાંધીજી અમદાવાદ આવ્યા ત્યારથી મારા માટે એક એવો નિયમ જ બની ગયો હતો કે અમદાવાદ આવું ત્યારે તેઓના આશ્રમમાં જાઉં જ. આ વખતે સાબરમતીનો આશ્રમ બની રહ્યો હતો. હું મારા પરિચિત ચીમનલાલ નરસિંહ શાહને અંબાલાલ ત્રિભુવન બંનેનો સંયુક્ત અતિથિ બની રાત્રે આશ્રમમાં રહ્યો. મન પૂના તરફ હતું, પણ તનને પગ આગળ વધવા દે તેમ લાગ્યું નહિ. છેવટે મંગળભાઈ ને બીજા મિત્રોના કહેવાથી મેં પગે ઓપરેશન કરાવી કાંટાને તો કઢાવ્યો. બેએક દિવસમાં અમદાવાદથી ચાલ્યા જવું એવી મારી ઊતાવળ કામ ન આવી. ડો. જીવરાજ ઘેલાભાઈ વગેરેની સલાહ પડી કે જો રૂઝ આવ્યા પહેલાં તમે ભાગાભાગ કરશો તો આગળ જતાં પગ સડશે ને વધારે કપાવવો પડશે. છેવટે હું મંગળભાઈને ત્યાં જ દોશીવાડા ઝવેરી પોળમાં એક અલાયદા મકાનમાં રહી ગયો ને રમણીકલાલ વગેરેને પૂના તરફ રવાના કરી દીધા. ડો. જીવરાજ ઘેલાભાઈ તથા કેશવલાલ પ્રેમચંદનો પરિચય
જીવરાજ ડોક્ટર સ્થાનકવાસી હતા ને તેઓ આગમોને પ્રસિદ્ધ કરવા-કરાવવામાં વધારે રસ લેતા. કેશવલાલ પ્રેમચંદ વકીલ શ્વેતાંબર હતા ને દરેક જાતનું જૈન સાહિત્ય બને તેટલું વધારે પ્રસિદ્ધમાં આવે એ માટે તેઓ બધું જ બનતું કરી છૂટતા. આ કારણે પણ ડૉક્ટર અને વકીલ બંને વચ્ચે કાંઈક વધારે સખ્ય બંધાયું હોય તો ના નહિ. ગમે તેમ હોય પણ એ બંને મિત્રો પાછા મંગળભાઈના એકસરખા સ્નેહી ને સંમાન્ય. તેથી
આ બધાની સારવારનો મને તો પૂરો લાભ મળ્યો. પૂના જવામાં ત્રણેક સપ્તાહ મોડો પડ્યો, પણ અમદાવાદ શહેરમાં રહી ત્યાંના પજુસણના ધાર્મિક અને આડંબરી દિવસો વિષે જોવા જાણવાની અણધારી તક આરામખુરશીમાં બેઠાં બેઠાં પ્રાપ્ત થઈ. જીવરાજભાઈ રોજ આવે ને જાતે જ ડ્રેસિંગ કરી જાય. મંગળભાઈ જલદી રૂઝ આવે ને બળ વધે તે માટે ખાનપાનની ખૂબ સંભાળ રાખે. કેશવલાલભાઈ આવી સાહિત્ય વિષે જ ચર્ચા ને વાતચીત કરે. આમ કાંટાની કેદમાં અણધાર્યા દૈવી આશીર્વાદ ઊતર્યા જેવી સ્થિતિ અનુભવી. આરામખુરસીનો આરામ તો હતો જ, પણ માનસિક આરામની બીજી પણ અનુકૂળતા ખૂબ મળી.
- પ્રોફેસર આથવલે રોજ સખત વરસાદમાં પલળતા વિદ્યા પ્રેમના માર્યા હેમચંદનું પ્રાકૃત વ્યાકરણ વાંચવા આવતા. પં. ભગવાનદાસ તો મિત્ર રહ્યા એટલે હાજર હોય જ. શહેરનો મધ્યભાગ ને વાચાળ આતિથ્યપ્રિય ઝવેરીનું ઘર એટલે કેટલાય વ્યાપારી, દરબારી ને કેળવાયેલ માણસો અવારનવાર આવે ને મળવાનું બને. આમ ઓપરેશનની જેલ મારે માટે તો એટલા દિવસ મહેલ જ બની ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org