________________
ફરી પૂના તરફ ૦ ૧૬૫
શ્રી વિજયનેમિસૂરિ સાથે
હું પોતે પજુષણના દિવસોમાં મારા નિયત સ્થાને જ રહેતો. ને ઉપાશ્રયમાં ધાર્મિક વ્યાખ્યાનો સાંભળવા કે બીજે નિમિત્તે જવાની પંચાતમાં ન પડતો, પણ શ્રદ્ધાળુ મંગળભાઈને જાણે એથી કાંઈક અસંતોષ રહેતો હોય તેમ લાગ્યું. એક દિવસ તેઓ કહે, તમે વિજયનેમિસૂરીશ્વરનું વ્યાખ્યાન સાંભળવા એક વાર તો ચાલો, આજે ગણધરવાદ ખેંચાવાનો હોઈ મહારાજ્જી પોતે જ વાંચશે ઇત્યાદિ. મને વિજ્યનેમિસૂરીશ્વરનો પરિચય મહેસાણામાં થયેલો. તે વખતે તેમનું વ્યાખ્યાન પણ સાંભળેલું. બીજા શ્રદ્ધાળુ અને અણસમજુ લોકો તેમના વ્યાખ્યાનનો ગમે તે આંક બાંધતા હોય. પણ મને એમનું વ્યાખ્યાન શ્રોતાઓને કશા જ ઉપયોગનું હોય તેવું અસ્થાને અને અઘટિત રીતે પાંડિત્યનું પ્રદર્શન કરનાર એક બરાડાપ્રધાન પ્રવચન માત્ર લાગેલું. તેથી તેમના વ્યાખ્યાનનું જરાપણ આકર્ષણ ન હોવા છતાં મંગળભાઈને અનુસ૨વા ખાતર પાંજરાપોળના ઉપાશ્રયમાં ગયો. શ્રોતાઓની ઠઠ જામેલી. પશુષણનો ધાર્મિક ઉત્સાહ એક એક રજકણમાં ગતિ પ્રેરતો દેખાયો. સૂરીશ્વર પોતે વ્યાખ્યાન વાંચવા બેઠા. એમનું વ્યાખ્યાન સાંભળતાં જ પ્રથમનો અનુભવ તાજો થયો. લોકો અને ભક્તો તો એમ જ માનતા દેખાય કે મહારાજજી બહુ મોટા વિદ્વાન છે ને તેથી જ આટલી સચોટતા તેમજ આટલા ઊંચા સ્વરે બોલી શકે છે. કોઈ શ્રોતાને પૂછો કે તમે કાંઈ સમજ્યા ? તો જવાબમાં એટલું જ કહે કે શાસ્ત્રની ઝીણી વાતો આપણે કેવી રીતે સમજીએ ? તમે શ્રોતાઓને એમ પૂછો કે તો પછી મહારાજી બહુ મોટા વિદ્વાન છે એમ તમે શા આધારે કહો છો ? તો તેઓ નિઃસંકોચપણે એ જ જવાબ આપે કે જો એવા વિદ્વાન ન હોય તો મોટા પૈસાદારો ને આગેવાનો એમને શા માટે માને ? ઇત્યાદિ. થોડુંક વ્યાખ્યાન સાંભળી હું તો પાછો ફર્યો, પણ પજુષણ વીત્યા પછી ફરી એક વાર મંગળભાઈ વિજ્યનેમિસૂરીશ્વર પાસે મને લઈ ગયા. સૂરીશ્વરે મને કહ્યું હવે ક્યાં જવું છે ? મેં પૂનાની વાત કરી ત્યારે તેમણે અહીં જ બેસો. ચકલી ફેરવતાંવેંત નળમાંથી પાણીની ધાર છૂટે છે તેમ અહીં પૈસા વરસશે. ને તમારું રિચર્સ ફિસર્ચનું કામ બધું જ અહીં થઈ શકશે. મારું અણનમ વલણ જોઈ તેમણે એ પ્રશ્નને પડતો મૂક્યો. તેમણે જ્યારે જાણ્યું કે હું પૂના જતાં મુંબઈ પણ ઊતરવાનો છું ત્યારે તેમણે કહ્યું કે તમે પેલા બેચરાને સમજાવજો. નહિ તો બિચારો હાલહવાલ થઈ જશે.
પં. બેચરદાસજીના વ્યાખ્યાનનો ઊહાપોહ
વાત એ હતી કે, તે અરસામાં પંડિત બેચરદાસે દેવદ્રવ્ય’ વિષે એક વ્યાખ્યાન આપેલું, જેણે રૂઢિચુસ્તોમાં ભારે ક્ષોભ ને ઊહાપોહ જન્માવેલો. વિજયનેમિસૂરીશ્વરે જો બેચરદાસ માફી ન માગે તો તેમને સંઘ બહાર મૂકવાની હિલચાલ પણ શરૂ કરેલી. બેચરદાસ અણનમ હતા. તેથી મને ઉક્ત સૂરીશ્વરે તેમને સમજાવવા સૂચવ્યું. તે સાથે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International