________________
પૂનાના અનુભવો • ૧૩૭ મને એમ લાગ્યું કે આ ધોરણ મારા પૂરતું તો ઠીક છે, પણ બંને સહચારીઓ વાસ્ત એ ઠીક નથી. થોડામાં નભાવવું એ જ અમારી સાદગીનો ઉદ્દેશ છે, નહિ કે ઘી-દૂધની સાથે વેર બાંધવું તે. જ્યારે પૂરા પૈસા આપવા જ પડે છે તો બંને સહચારીઓ દૂધઘી ભલે લે. આ વિચાર પ્રમાણે હવે હું એકલો જ લૂખું ખાનાર રહ્યો.
મેં મારો મુખ્ય કાર્યક્રમ શરૂ કર્યો. એના બે ભાગ હતા. સાંજે એક કલાક ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષે એક કલાસ ચલાવવો ને બાકીના બધા વખતમાં મારે પોતાનું વાચનચિંતન-લેખન કરવું. વિદ્યાર્થીઓ કોઈ એક જ કૉલેજના કે માત્ર આર્ટસ કૉલેજના ન હતા. ખેતીવાડી, ઇન્જિનિયરિંગ આદિ કોલેજોમાં ભણનાર પણ કેટલાક વિદ્યાર્થીઓ હતા. સંસ્કૃત જાણતા હોય એવા તો વિરલ જ હતા. ને એમાંય ધર્મ તથા તત્ત્વજ્ઞાન વિષે કાંઈક માહિતી કે રસ હોય એવા તો ભાગ્યે જ એક-બે હતા. કક્ષાના સંસ્કારના અને રુચિના આ શુંભમેળાને એકસરખી રીતે રસ પડે એવો એક જ વર્ગ કેમ ચલાવવો એ પ્રશ્ન મને એકાદ દિવસ મૂંઝવ્યો; પણ મેં જોયું કે, વિદ્યાર્થીઓ હાજરી તો આપે છે ને કાંઈક આદર પણ ધરાવે છે. આ ઉપરથી મને એક માર્ગ સૂઝી આવ્યો. મેં કહ્યું કે ગમે તે કોલેજનો વિદ્યાર્થી હોય ને જો તે સંસ્કૃત શીખવા માંગતો હશે તો તેને હું જુદો સ્વતંત્ર સમય આપી શીખવીશ. તેમ જ જે વર્ગમાં આવી શકતો ન હોય યા વર્ગના સર્વ સામાન્ય ધોરણ કરતાં વધારે ઊંડાણથી શીખવા ઇચ્છતો હોય યા હું જાણતો હોઉં તે વિષયોમાંથી કોઈ પણ વિષય ઉપર કોઈ પણ પુસ્તક વાંચવા માગતો હોય તોપણ હું ખુશીથી સ્વતંત્ર સમય આપીશ. આને લીધે મારું, તેમ જ વિદ્યાર્થીઓનું ઠીક-ઠીક સમાધાન થયું ને સર્વસામાન્ય એક ધોરણે વર્ગ ચલાવવાનો મારો માર્ગ પણ સાફ થયો. એક ભાઈ ભણતા તો હતા ઇન્જિનિયરિંગ કોલેજમાં, પણ એમને સંસ્કૃત શીખવાનો રસ. બીજા એક સોલાપુરવાસી ભાઈ, જે દિગંબર-પરંપરાના હોઈ પહેલેથી જ જૈન ધર્મ ને તત્ત્વજ્ઞાનને લગતું ઠીક-ઠીક શીખેલા, તેમને માટે સર્વસામાન્ય વર્ગ ઊતરતી કક્ષાનો હતો. તેથી તેઓ સ્વતંત્રપણે અકલંકના રાજવાર્તિક જેવા ગ્રન્થો ભણવા ઇચ્છતા.
મેં સર્વસામાન્ય વર્ગ ચલાવવાનું અમુક ધોરણ તો નક્કી કર્યું, પણ એ ધોરણમાંય પાંચ વિદ્યાર્થીઓને રસ લેતાં કરવાનું કામ ભારે કઠણ લાગ્યું. તેમની કોઈ પણ જાતની પૂર્વતૈયારી નહિ. કોલેજમાં તેમના શીખવાતા વિષયો મારા ક્લાસના વિષયથી સાવ જુદા. ને વધારામાં વિદ્યાર્થીઓનું માનસ તે વખતે ચાલતાં સામાજિક અને રાજકીય આંદોલનોમાંથી વ્યાપેલું. આવી સ્થિતિમાં તત્ત્વજ્ઞાન ને પરલોકસ્પર્શી ધર્મની સૂકી વાતોમાં તેમને રસ ન પડે તો તેમાં એમનો જરાય દોષ કાઢી શકાય નહિ. એટલે મેં વળી પડખું બદલ્યું. તે વખતે મિસિસ એની બિસેન્ટ ને તિલકની હોમરૂલ વિષેની હિલચાલ પૂરવેગમાં હતી. એ જ વિષયનાં છાપાંઓ ને પેમ્ફલેટો હાથમાં પડે. હવામાં એની ગરમી જેવી તેવી ન હતી. વિદ્યાર્થીઓ હોય કે બીજો કોઈ હોય – જ્યાં દેખો ત્યાં – આ જ લડાયક વાતાવરણની ચર્ચા ચાલતી. આ ઉપરથી મને સૂઝયું કે વર્ગમાં ઉમાસ્વાતિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org