________________
૧૩૨ • મારું જીવનવૃત્ત નવા જમાનાની લેખનશૈલીનું પ્રતિબિંબ પાડતાં કેટલાંક પત્ર-પત્રિકાઓ મંગાવવા લાગ્યો ને થોડાંક તેવાં ઉપન્યાસો પણ લાવ્યો. વ્યાકરણના વાચન દ્વારા ભાષાની શુદ્ધિઅશુદ્ધિનો વિવેક કરવો ઈષ્ટ હતો. અનુવાદો દ્વારા અનુવાદની શૈલી તેમજ તેના સૌષ્ઠવ વિષેના સંસ્કારો મેળવવા ઈષ્ટ હતા, અને પત્ર-પત્રિકા આદિ દ્વારા ભાષાની રૂઢિઓ તેમજ સરળ વાક્યશૈલી વિષે જાણકારી મેળવવી ઇષ્ટ હતી. આ ઉદેશ માટે ઠીક ઠીક વાંચતો. સાથે જ હિન્દીમાં લખાણનો અભ્યાસ પણ કરતો અને લખાણના વિષયને અંગે પુષ્કળ ચિંતન મનન પણ કરતો. આ રીતે વિવિધ પ્રવૃત્તિમાં રોજના આઠ-નવ કલાક તો જતા જ. એકાંત અને શાન્ત ગુફાની યાદ આપે એવી ગંગાતટ ઉપર આવેલી એક રૂમનું બારણું બંધ કરી બેસતો ને ઉપરનો વ્યાયોગ ચલાવતો, પણ પહેલાં ઉપાધ્યાય યશોવિજયજીનો જ્ઞાનસાર' ગ્રન્થ હાથમાં લીધેલો. એનો અષ્ટકોવાર અનુવાદ શરૂ કર્યો. સવારે લખું તે બપોરે પુનર્વાચનમાં ન ગમે. બપોરે સુધારું કે ફરી લખું તે વળી બીજે દિવસે પસંદ ન આવે. તેને ફેંકી દઈ ફરી લખું ને વળી તે ઉપર નવા વિચારો ને નવી શૈલી સૂઝે એટલે તે પણ જળશરણ થાય. આમ અનેકવાર બ્રહ્મની સૃષ્ટિ બનતી, રૂંધાતી, બગડતી અને ફેંકાતી, છેવટે જ્ઞાનસારનાં સોળથી વધારે અષ્ટકોનો કાંઈક સંતોષપ્રદ સવિવેચન અનુવાદ થયો ત્યારે કાંઈક નિરાંત વળી. એના ગુજરાતી અને મરાઠી અનુવાદ કરતાં સરખામણીમાં મારો હિન્દી અનુવાદક ઠીક થયો છે એવી એક લેખકમિત્રે ખાતરી આપી ત્યારે એ કામ છોડી હું મુખ્ય ધ્યેય તરફ વળ્યો. મિત્ર વ્રજલાલજીએ કરેલો પ્રથમ કર્મગ્રન્થનો હિન્દી અનુવાદ ભાષાની દૃષ્ટિએ મારા હિન્દી અનુવાદ કરતાં મને કંઈક સારો લાગ્યો એટલે મેં એ અનુવાદ પાછળ સમય ગાળવો મૂકી દઈ આગલા કર્મગ્રન્થોના અનુવાદ, વિવેચનમાં સમય આપ્યો. ચાર કર્મગ્રન્થો હિન્દીમાં તૈયાર થઈ ગયા ને હું લખી શકીશ એવી આત્મપ્રતીતિ પણ થઈ. અહીં મારે કહી દેવું જોઈએ કે આ છ મહિનાની સાધના દરમિયાન બેએક વાર નિષ્ફળતા અને નિરાશાના આઘાતોએ તેમજ અતિ શ્રમના ભારે મને એકાંતમાં અશ્રુપાત પણ કરાવેલો, પરંતુ જ્યારે મને કાંઈક સફળતાનો આત્મસંતોષ થયો ત્યારે એનો બદલો મળી ગયો છે એમ મને લાગ્યું. તૈયાર થયેલું મેટર આગ્રા છાપવા મોકલી દીધું. કઠણ ને જટિલ ગણાતા પાંચમા કર્મગ્રન્થના અનુવાદનું કામ હાથમાં લીધું. જેમ જેમ કામ કરતો જતો તેમ તેમ વક્તવ્યને પ્રગટ કરવાની નવી નવી અને સરળ રીતો પણ સૂઝતી જતી હતી. જ્યારે વધારે સારી રીત સૂઝે ત્યારે ગમે તેટલા શ્રમે તૈયાર થયેલું પહેલાંનું કામ રદ કરવામાં મને લેશપણ સંકોચ કે ક્ષોભ ન થતો. ઊલટું સારી શૈલી સૂક્યાનો આનંદ થતો. તેથી ઘણી વાર એક જ ગાથા અને એક જ સંદર્ભ ઉપર નાનાવિધ વિવેચનવાળી નોટો ભર્યો જતો. આમ છઆઠ મહિના વીત્યા ત્યાં તો નવી જ દિશા સામે આવી.
For Private & Personal Use Only
Jain Education International.
www.jainelibrary.org