________________
ઉદેપુર થઈ અમદાવાદ • ૧૨૧ નથી. કર્મપ્રકૃતિએ કર્મશાસ્ત્રના વિષયમાં મારો રસ એટલો બધો પોષ્યો કે હવે હું એની પાછળ જ પડ્યો. આ વિષયનો સૌથી સારામાં સારો ગણાતો હોય તેવો જાણકાર કોણ? એની શોધ કરતો હતો ત્યાં દૈવયોગે શ્રીયુત કુંવરજીભાઈના સમાગમનો પ્રસંગ સાંપડ્યો. શ્રી કુંવરજીભાઈનો અને કાંતનો સંપર્ક
મુંબઈમાં જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું અધિવેશન. સદ્ગત ડો. બાલાભાઈ નાણાવટી પ્રમુખ. હું એ અધિવેશનમાં ગયો ને તે વખતે ત્યાં ભજવાતું ભાષણો અને ઠરાવોનું નાટક નિહાળ્યું. શ્રીયુત કુંવરજીભાઈ મળ્યા ને તેમણે મને કહ્યું કે તમે ભાવનગર આવો. હું તમને આ વિષયમાં બનતી મદદ કરીશ. મેં સાંભળી રાખેલું કે કુંવરજીભાઈ જેવા કર્મશાસ્ત્રના જ્ઞાતા બહુ ઓછા છે. મારી જિજ્ઞાસાએ ભાવનગરની સખત લૂમાં મને ધકેલ્યો. સવાર અને બપોરે દાદાસાહેબવાળી બોર્ડિંગ ભલી ને હું ભલો. ત્રણેક વાગ્યે કુંવરજીભાઈને ત્યાં જાઉં. તેમને આ વિષયનો ભારે શોખ એટલે મેં તૈયાર કરી રાખેલ પ્રશ્નો વિષે ચર્ચા કરીએ. રાતે જૈનધર્મ પ્રસારક સભામાં મળીએ. તેઓ પોતાની સાથે ત્યાંના એક તજજ્ઞ માસ્તરને પણ લાવે. આ ચર્ચાનો આનંદ એટલો મધુર બનતો કે ગરમી ને બાફ તો ક્યાંય ઓગળી જતાં. મારો આ ક્રમ ચાલતો હતો તે દરમિયાન કેટલાક વિદ્યારસિક ને સાહિત્યિક સજ્જનોએ આત્માનંદ જૈનસભામાં મેળાવડો કરી મને તેમાં નોતર્યો. મેળાવડાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ “કાન્ત' મણિશંકર રત્નજી ભટ્ટ) અને મારા વચ્ચે પારસ્પરિક પરિચય કરાવવાનો હતો. પ્રથમ મુલાકાતે જ કાન્તની વિદ્વત્તા ને મધુરતાએ મારું ધ્યાન સવિશેષ ખેંચ્યું. હું ન્યાયશાસ્ત્ર શીખ્યો છું એવી માહિતી ઉપરથી તેમણે મને વિશ્વનાથ-પંચાનની કારિકાવલી મુક્તાવલીમાંથી ‘સ્વતઃ પરતઃ પ્રામાણ્ય ને લગતો એક પ્રશ્ન પૂછ્યો. મારી પાસેથી વિસ્તૃત ઉત્તર સાંભળ્યા. પછી મારા પ્રત્યે તેમનો સવિશેષ આદર બંધાયાનો ભાસ તો મને તે વખતે જ થયો, પણ તેની ખરી પ્રતીતિ તો ત્યાર બાદ સાતેક વર્ષ પછી ફરી અમે બંને ભાવનગરમાં મળ્યા ત્યારે થઈ. આ વખતે દેશ આખામાં ગાંધીજીની આગેવાની નીચે સ્વરાજ્ય ને ખિલાફતની હિલચાલ પુરજોશમાં હતી. ભાવનગરની રાષ્ટ્રીય પ્રવૃત્તિના કાન્ત પ્રાણ હતા. તેમણે એક દિવસ રસ્તામાં મળ્યા ત્યારે મને કહ્યું, “તમે જેનધર્મના રાષ્ટ્રલક્ષી વલણ વિષે આજની સભામાં બોલો.’ હું એ સભામાં મુખ્ય વક્તા હતો. વ્યવહારનિશ્ચય બંને દૃષ્ટિએ જૈનધર્મ કઈ રીતે રાષ્ટ્રનો પોષક થઈ શકે એ વિષે મેં કાંઈક કહેલું, પણ જ્યારે ઉપસંહારમાં મેં ‘કાન્ત’નું પહેલું અને છેલ્લે જ અતિ ટૂંક ભાષણ સાંભળ્યું ત્યારે ઇસ્લામના ઇતિહાસ વિષેના તેમના ઊંડા અને સ્પષ્ટ જ્ઞાને તેમજ તેમની વાકછટાએ મારી ઉપર કદી ન ભૂંસાય એવી છાપ પાડી. મેં તેમની સાથેના પરિચયનું મારું સ્મરણ ‘કાન્તસ્મારકમાળામાં પ્રકાશિત થયેલ એક લેખમાં કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org