________________
૨૨. લેખનકાર્યનો દઢ સંકલ્પ
આગાને પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવેલું છતાં આગ્રા બહાર ગુજરાતમાં ચાર ચોમાસાં પસાર થઈ ગયાં હતાં ને ગુજરાતમાં કયાંય બેસી સાધુ-સાધ્વીઓને તેમજ જિજ્ઞાસુ ગૃહસ્થોને અમારી અસાંપ્રદાયિક યોજના પ્રમાણે શીખવવાની નક્કર ઉદાર અને સ્વતંત્ર ભૂમિકા દેખાતી ન હતી. તેથી ગુજરાતમાં રહી કામ કરવાનો બહુ ઉત્સાહ બાકી રહ્યો ન હતો. બીજી તરફ બાબુ ડાલચંદજી આગ્રામાં રહ્યા-રહ્યા એમ વિચારતા હતા કે, સુખલાલજી ગુજરાતમાં ગયા તે તો ગયા જ. હવે આગ્રામાં પ્રથમ શરૂ કરેલી કોઈ પણ પ્રવૃત્તિ એમના વિના ચાલતી જ નથી તો એમને કોઈ પણ રીતે યુપી તરફ આવવા કહેવું. એમનો પત્ર આવ્યો ને હું આગ્રા ઊપડી ગયો. ગુજરાતમાં હતો તે દરમિયાન મારા પોતાના વિષે બંધાયેલ એક આપ્તજનની અમુક ધારણા સાંભળીને મારું મન નવા જ ચકડોળે ચડ્યું હતું. સન્મિત્ર જેવા ચોખ્ખા દિલના ને મારા પ્રત્યે અનન્ય લાગણી ધરાવનારાએ સહજ ભાવે મારા એક મિત્રને અમારી વિવિધ પ્રવૃત્તિઓ વિકસાવવાની ચર્ચા દરમિયાન કહેલું કે તમે હિન્દીમાં સારું લખી શકો છો એટલે હિન્દી જૈન સાહિત્ય તમે તૈયાર કરી ને સુખલાલજી પોતાની અવસ્થા પ્રમાણે લખવા અસમર્થ છે તો તેઓ ભલે ભણાવવા આદિનું કામ કરે. એમનો આ અભિપ્રાય ત્યાં લગીનું મારું કામ જોતાં તેમજ મારી પરાધીનતાનો વિચાર કરતાં અક્ષરશઃ સાચો હતો, પણ જ્યારે એ મિત્રે મને મારા વિષે સન્મિત્રને અભિપ્રાય કહ્યો ત્યારે મને ચાનક ચડી. મેં મારી એ ઉત્તેજના વિષે કોઈને કદી લેશ પણ જાણ થવા દીધી નહિ ને મનમાં સંકલ્પ કર્યો કે ગમે તેમ થાય તોય મારે લેખનકાર્ય કરવું અને એવું કરવું કે બીજાઓથી ચડે નહિ તોય તે સાવ પછાત તો ન જ રહે. છેવટે આ દિશામાં કેવળ આત્મસંતોષ થાય ત્યાં લગી પૂર્ણ પ્રયત્ન કરવો. આજે આ લખી રહ્યો છું ત્યારે જ મારો એ સંકલ્પ પહેલવહેલો બીજા સમ્મુખે આવે છે. એ દઢ સંકલ્પને લીધે હું વિચારતો હતો કે હવે કયાં રહીને લખવાની સાધના કરવી? છેવટે પૂર્વ સંસ્કારે કાશીની અને તે પણ ગંગાતટ ઉપર આવેલ મારા પહેલા રહેઠાણની જ યાદ આપી. આ વખતે મનમાં એ પણ ભાવ ઊઠેલો કે ઉપાધ્યાય યશોવિજયજીએ પણ એ જ ગંગાતીરવર્તી સ્થાનમાં અમુક સાધના કરી છે તો ત્યાં જ કેમ ન રહેવું? મનમાં એમ નક્કી કર્યું કે લખવાની આત્મસંતોષ પૂરતી સાધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org