________________
સામાજિક અને ધાર્મિક જીવનનો પરિચય • ૪૭ બ્રાહ્મણોમાં પણ પરંપરાગત યાચકવૃત્તિમાં માની લીધેલી પ્રતિષ્ઠાને કારણે દીનતા જોઈ શકતો. ક્યાંય નિમંત્રણ મળે કે દક્ષિણાની આશા હોય ત્યારે તેઓની પડાપડી જોવી એ તે વખતે વિનોદનો વિષય થઈ પડતો. સર્વથા નિરક્ષર એવા ખેડૂતો અને વસવાયામાં તેમની જાતમહેનતને લીધે આવતા ઘણા સુસંસ્કારો પણ મારા જોવામાં આવ્યા છે. અસ્પૃશ્ય ગણાતી કોમો તરફનો સવર્ણ લોકોનો તોછડાઈ ભરેલો વ્યવહાર તો તે વખતે તેમના જન્મસિદ્ધ હક્ક જેવો જ લેખાતો. આ નિરીક્ષણે મને ભારતવ્યાપી ચાતુર્વણ્યના વિવિધ પ્રશ્નોને સ્પર્શતો હજારો વર્ષનો ઇતિહાસ ઉકેલવામાં સીધું માર્ગદર્શન કર્યું છે, તેમજ અસ્પૃશ્યતાનું ઝેર દૂર કરવાની સ્વામી દયાનંદની સીધી પ્રવૃત્તિ અને તેના મૂળને ધરમૂળથી ઉખાડી નાંખવાની ગાંધીજીની દૃષ્ટિ અને હિલચાલમાં સંપૂર્ણપણે રસ લેતો થવામાં મને મદદ કરી છે.
નાની-મોટી તકરારોમાં અને કોર્ટે ચડવાના વ્યસનમાં રચ્યા-પચ્યા હોવા છતાં અને અત્યારની સાક્ષરતાથી સાવ મુક્ત હોવા છતાં પણ તે સમયના ગ્રામ્ય લોકોમાં દિલને હચમચાવી મૂકે એવું મેં એક વારસાગત સુંદર તત્ત્વ જોયેલું છે, જેને હું કદી ભૂલી શકતો નથી. તે તત્ત્વ એટલે અંદરોઅંદરની લાગણીભરી સહાનુભૂતિ. કોઈને ત્યાં માંદગીનો પ્રસંગ આવે અગર સખત વરસાદ કે એલીને કારણે કોઈના મકાન બેસી જાય કે એવો બીજો કોઈ કપરો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે નાતજાતના ભેદ વિના વિરોધીઓ સુધ્ધાં પણ તેના દુઃખમાં ભાગ લેવા એકઠા થતા. આવી સહાનુભૂતિ એ સામાજિક જીવનના ચિરકાલીન સુસંગઠનનું જ પરિણામ હોઈ શકે એ વસ્તુ આગળ જતાં મને વધારે સ્પષ્ટપણે સમજાઈ. વિકૃત થયેલ અને પડી ભાંગેલ એ સંગઠન આજે મોટા પાયા ઉપર સમજણપૂર્વકનો ઉદ્ધાર માંગી રહ્યું છે. આ મુદ્દો આજે જેટલો સરળતાથી સમજાય છે, તેટલો તે કાળે લોકોના ધ્યાનમાં આવ્યો ન હતો. જૈન સાધુસંઘનો સંપર્ક
વિ. સં. ૧૯૫૪થી ૧૯૫૯ સુધીનાં વર્ષો દરમિયાન મારું વિશ્રાંતિધામ કે સાધનાધામ ઉપાશ્રય જ બની ગયું હતું. ભાગ્યે જ એવા દિવસો આવતા કે જ્યારે કોઈ ને કોઈ સાધુ-સાધ્વી ન હોય. કચ્છ, હાલાર, ગુજરાત અને મારવાડ - બધેથી સાધુ-સાધ્વીઓ વિચરતાં-વિચરતાં આવતાં. સરભરા અને સગવડ સારી એટલે તેઓ ગામડું છતાં કાંઈક વધારે રહેવા લલચાય. કેટલાક તો મહિનો મહિનો પણ રહે. સાધ્વીઓ હોય ત્યારે તો ઉપાશ્રય દિવસ પૂરતું જ મારું ધામ હોય, પણ સાધુઓ હોય ત્યારે તો દિવસ અને રાત એ જ ધામ રહેતું. સાધુ-સાધ્વીઓના આ નિકટ સહવાસને લીધે તેમના ગુણ-દોષોનું અધ્યયન કરવાની પૂરતી તક મળી. અભણ હોય, ધ્યેયની કોઈ દિશા જાણતા ન હોય છતાં કેટલાક બહુ સરળ અને ગુણગ્રાહી જોવામાં આવતાં. જ્યારે ભણેલા અને પ્રતિષ્ઠિત ગણાતા બીજા સાવ દંભી અને ભ્રષ્ટાચારી પણ જણાતા. અહીં એટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org