________________
૪૬ ૦ મારું જીવનવૃત્ત
કુટુંબોના કૌરવપાંડવીય કલહે તેમની પ્રતિષ્ઠા અને જાહોજલાલી ઘણા અંશે છિન્નભિન્ન કરી. કુટુંબકલહના અનુભવની આ છાપે મને આગળ જતાં હિન્દુ અને મુસલમાન રાજ્યોના વિનિપાતનો ઇતિહાસ સમજવામાં તેમજ કુરુપાંચાલના યુદ્ધની કથા સમજવામાં બહુ મદદ આપી.
જાતીય પ્રશ્નોમાં રસ
જાતીય પ્રશ્નોની વિવિધ ચર્ચા વડે વાચકોમાં ૨સપ્રેરતાં છાપાં અને નોવેલનો યુગ તે વખતે ગામડામાં આવ્યો ન હતો. તેમ છતાં ગામડાવાસીઓ એ રસ માણતા નહિ એમ તો નહિ જ. જાતીય સંબંધોને લગતી સ્થાનિક ઘટનાઓની અગર આસપાસનાં ગામોની એવી ઘટનાઓની ચર્ચાઓ તે વખતે ગ્રામ્યજનોને છાપાંનો અને નોવેલનો ખોરાક પૂરો પાડતી. એવી ચર્ચાઓના રસથી તે વખતે બુદ્ધિપૂર્વક અલિપ્ત રહ્યો હોઉં એમ યાદ નથી. આ જાતના સંસ્કારને લીધે મને આગળ જતાં એ શાસ્ત્રીય તત્ત્વ સમજવામાં જરાય વાર ન લાગી કે ધર્મ કરતાં અર્થની અને અર્થ કરતાં કામની કથા વિશેષ રસ પ્રેરે છે. તેમજ યુદ્ધવાર્તાનો રસ તો તેથીયે પણ ચડી જાય છે. એ પણ તથ્ય ઇતિહાસસિદ્ધ છે કે યુદ્ધ કેવળ અર્થ તેમજ કામના પ્રદેશને જ નહિ પણ ધર્મના પ્રદેશ સુધ્ધાંનેય એકસરખી રીતે આવરે છે.
એક કાકાની ચાલચલગત વધારે પડતી શિથિલ હતી. તે કયાં જાય છે, શું કરે છે વગેરે છિદ્રો જોવાનું ગુપ્તચર કૃત્ય નાના હતા ત્યારથી બીજા કાકા અમને સોંપતા, પણ ઉંમરે પહોંચ્યો ત્યારે ચરદૃષ્ટિના વિકાસથી મેં એ પણ જાણ્યું કે આ કાકાઓ પણ ઓછેવધતે અંશે એવી જ વૃત્તિના છે. ઘરના બે-ચાર નોકરોની નવરાશે ભરાતી પરિષદમાં ભાગ લઉં ત્યારે એવી અલકમલકની વાતો સાંભળવામાં આવે અને તેની સમાલોચનામાં પણ થોડો વખત પસાર થાય. આ અનુભવે હેમચંદ્રના કાવ્યાનુશાસનમાંનું એ કથન સરળતાથી સમજાવી દીધું કે બધા રસોમાં શૃંગારનું સ્થાન પહેલું છે, તેનું કારણ તેની સર્વજંતુસાધારણતા છે.
વણિક આદિ જાતિઓનું વર્તન
ગામના વાણિયાઓમાં તે વખતે પરદેશ જવાની સાહસિકતા આવી ન હતી. વ્યાપા૨નું ક્ષેત્ર નાનું અને વ્યાપારીઓ વધારે એટલે બહારથી એકસંપીની બધી શિષ્ટતા હોવા છતાં તે બધામાં અંદરોઅંદર અદેખાઈ અને સ્વાર્થમૂલક તરખટોનું પ્રાધાન્ય જોવામાં આવતું. ગરાસિયાઓ રજપૂત-સ્વભાવ પ્રમાણે ભોળા ખરા, પણ તેમનું ભોળપણ અજ્ઞાનમૂલક હતું. ચોરે બેસી ગપ્પાં મારવાં, એદી અફીણિયાપણામાં કરજ વધાર્યે જવું અને ઠકરાઈના કલ્પિત મોભાને સાચવવા ગરાસ વેચતા જઈ તમાચો મારી મોઢું લાલ રાખવું – એ વિશેષતામાં તેમનો કદાવર બાંધો, રુઆબદાર ચાલ અને શૌર્યવૃત્તિ એ બધું નકામું બની ગયું હતું. ગરાસ અને યજમાનવૃત્તિને કારણે સુખી હોય એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org