________________
પાઠશાળા ત્યાગ પછીની યાત્રા - ૭૯ વ્યવહારમાં કુશળ. વ્યાપારને કારણે કાશી આવે ત્યારે પાઠશાળામાં પણ આવતા. અમે તેમને ન જાણીએ, પણ તેઓ અમને બંને મિત્રોને સાથે ભણતા જુએ એટલે તેમનું ધ્યાન અમારા તરફ સહેજે ગયું હતું. વળતાં આગ્રા ઊતરવાનું કહી તેમની પાસેથી રજા લીધી. ગાડીમાં બે જ કામ. સારાસારા સ્ટેશને નવીનવી મીઠાઈઓ લઈ ખાવી ને સ્વપ્નસૃષ્ટિમાં વિચરવું.
અમદાવાદ હીરાચંદ કકલને ત્યાં ઊતર્યા. મારે માટે તો અમદાવાદ આગમન પહેલવહેલું જ હતું. હીરાચંદ અને તેમના લઘુબંધુ બાલાભાઈ કાશીમાં મળેલા. મેં મારા જીવનમાં રામલક્ષ્મણના ભ્રાતૃપ્રેમનો જેવો સાક્ષાત્કાર આ બે ભાઈઓમાં કર્યો છે તેઓ અન્યત્ર નથી કર્યો. બંને જાતમહેનતી, વિદ્યારસિક અને ધર્મનિષ્ઠ. અમદાવાદના જૈન સમાજમાં કન્યાકેળવણીને ગતિ આપનાર તેમજ ધાર્મિક શિક્ષણનો પ્રચાર કરનાર હીરાચંદભાઈ હતા. તેઓ અનેકવિધ તપશ્ચર્યા અને ક્રિયાકાંડ આચરતા, પણ અન્ય તપસ્વી અને ક્રિયાકાંડીની પેઠે વિદ્યાવિમુખ ન રહેતા. બંને ભાઈ શિક્ષણ આપવાનું જ કામ કરતા તેથી સ્થિતિ પણ સાધારણ છતાં એમનો અતિથિપ્રેમ એટલો સારો કે આતિથ્યની બાબતમાં તેઓ અમદાવાદી છે એમ ભાગ્યે જ કોઈ કહે. હીરાચંદભાઈ અમને જોઈ રાજીરાજી થઈ ગયા ને ઉત્સાહમાં આવી કહ્યું કે એમાં તે શું? અહીં તો મનસુખભાઈ ભગુભાઈ જેવા શેઠ પડ્યા છે. તમારી અભ્યાસની વાત સાંભળી તેઓ જરૂર રાજી થશે અને મદદ પણ કરશે. શ્રી નેમવિજયજીનો મેળાપ
અમે ત્રણેય શેઠ મનસુખભાઈને મળ્યા. અમારો પરિચય મેળવી બંગલે જ રહેવા અને જમવાનું કહ્યું ને ઉમેર્યું કે તમે બંને ભાવનગર મારી સાથે આવશો ? ત્યાં નેમવિજયજી મહારાજને આચાર્યપદવી આપવાની છે. હું ત્યાં જવાનો છું. તમને બંનેને મહારાજજી સાથે મેળવીશ ને પછી તમારા વિષે બધું થઈ રહેશે. શેઠ મનસુખભાઈ નેમવિજયજી મહારાજને ભગવાન જેવા દેવતા લેખતા ને તેમનો પડ્યો બોલ ઝીલતા. સાધુ પાસે ખાસ કરી નેમવિજયજી મહારાજ પાસે જવાનો અમારા બંનેના મનમાં વિશેષ ઉત્સાહન હતો. અમે એમની મનસ્વી પ્રકૃતિ વિષે થોડુંક સાંભળેલું છતાં શેઠના અનુરોધ ખાતર ભાવનગર જવા હા પાડી ને ઊપડી ગયા. વિદ્યાપ્રિય શ્રીયુત કુંવરજી આણંદજીને ત્યાં ઊતર્યા. કુંવરજીભાઈ અમને બંનેને નેમવિજયજી મહારાજ પાસે લઈ ગયા. ને પરિચય આપ્યો. શું શું ભણ્યા છો ? એવા એમના રુઆબી પ્રશ્નના ઉત્તરમાં અમે ઘટતો નમ્ર જવાબ વાળ્યો. શશીબાબુ ! એમ કહી તેમણે પોતાની પાસે રહેતા નૈયાયિક મૈથિલ પંડિતને બોલાવી કહ્યું કે આને ન્યાય વિષે કાંઈક પૂછો. શશીબાબુના પ્રશ્નોનો મેં ઉત્તર પણ આપ્યો. તે વખતે પાસે દર્શનવિજયજી નામના સાધુ બેઠા હતા. તેઓ મને બાજુના રૂમમાં લઈ જઈ કહેવા લાગ્યા કે તમે અહીં ન રહો ? રહો તો હું ભણાવીશ ઈત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org