________________
૧૧૦ મારું જીવનવૃત્ત માણસ આ કોઈ મોટો માણસ હશે એમ સમજી દબાઈ જતો. છેવટે મેં જાતિભેદ વિષેના કેટલાક સંસ્કૃત શ્લોકો એમ ધારીને એની સામે ફેંકયા કે જો આ બ્રાહ્મણ હશે તો તેને સરસ્વતી જીતી લેશે, પણ એમાં સફળતા બહુ ન મળી. ત્યારે એની ગાળો ખાતાં ખાતાં જ એનાથી છૂટા પડ્યા. પોપટલાલ થોડું આગળ ચાલી બેલગાડીની રાહ જોવા લાગ્યા. એટલે મેં અને બીજા સાથી ભાઈએ એમને પડતા મૂકી આગળ પ્રયાણ ચાલુ રાખ્યું. આઠેક માઈલ ચાલ્યા હોઈશું ત્યાં ફરી તૃષાએ દર્શન દીધાં. રાત ગયેલી ને પરબ ક્યાંય મળે નહિ. તૃષા આગળ ચાલતાં રોકે, પણ આગળ ચાલ્યા સિવાય તૃષા શાંતિ માટે બીજો કોઈ રસ્તો જ ન હતો. થોડેક દૂર પહોંચ્યા ત્યાં એક રસ્તે પાણી છાંટવાની મ્યુનિસિપાલિટીની ગાડી પડેલી. એના ઉપર ટાંકી જડેલી હતી. જોયું તો યંકીમાં પાણી બહુ ઊંડે, ચકલીથી નીકળે તેમ હતું નહિ. ટાંકીના મોઢા કરતાં અમારું કદ મોટું એટલે અંદર ઊતરાય તેમ પણ ન હતું. છેવટે બહુ વાંકા વળી એક હાથની હથેળીથી કાંઈક પાણી પીધું ત્યાં તો બીજો રસ્તો સૂજી આવ્યો. ધોતિયાનો છેડો પલાળી તેને નિચોવી અમૃતાનુભવ લીધો અને સામે પડેલ બેચાર પથ્થર ઉપર લાંબા થઈ થોડી વાર આરામ કર્યો. રાતની વધતી જતી પહાડી ઠંડક ને પાણી પીવાથી આવેલ ચેતનાએ આગળ ચાલવા પ્રેર્યો. લગભગ સોળમે માઈલ પહોંચ્યા ત્યાં તો સાવ થાકી લોથ થઈ ગયેલા. આટલી લાંબી પગમુસાફરી જીવનમાં પહેલી જ હતી. નજીકમાં એક ફરતી ઘંટી અને તેની સાથે ગાતી એક બાઈનો અવાજ સંભળાયો. અમે તે ભણી વળ્યા. જોયું તો એ ભીલનું ઝૂંપડું હતું અને ભીલડી દળતી હતી. એ અમારી વાત ન સમજી અને અમે એનું કહેવું ન સમજ્યા, પણ એના આંગણમાં જ જમીન પર ધામા નાંખી સૂઈ ગયા. હું એવો ઘસઘસાટ ઊંઘી ગયો કે જીવજંતુના ચટકા બહુ અસર કરી શકયા નહિ. સવારે નવેક વાગ્યે પરાણે ઊઠ્યો. રાહ જોતા હતા ત્યાં તો બળદગાડી આવી પહોંચી. પેટની પૂરી પૂજા કરી થાક છતાંય બાકી રહેલા બે માઈલ કાપવા આગળ વધ્યા. તે વખતે ત્યાંથી દેલવાડા જવાનો એટલો રસ્તો કાચો હતો. દેલવાડા જૈન ધર્મશાળામાં પડાવ કર્યો. ત્યાંનાં મંદિરો અને અચળગઢનાં મંદિરોમાં દર્શન-પૂજન કરવાનો મારા માટે આ બીજો પ્રસંગ હતો. જ્યારે સાથીઓ માટે પહેલો જ પ્રસંગ હતો. સાનંદ ભ્રમણમાં સપ્તાહ વ્યતીત કરી અમે પાછા ફર્યા, ને અમદાવાદ પહોંચ્યા. પ્રર્વતકશ્રી કાંતિવિજયજી સાથે પાટણમાં
અમદાવાદ પહોંચ્યા પછી હું આગળનો કાર્યક્રમ નક્કી કરવાનો હતો ત્યાં તો અણધાર્યો જ એક પત્ર આવ્યો. એ પત્ર કાલિયાવાડથી આવેલો. હું નવસારી સ્ટેશનથી કાલિયાવાડ ગયો ને પત્ર લખનાર વલ્લભવિજય મહારાજને મળ્યો. એમણે મને કહ્યું કે તમે પાટણ જશો? ત્યાં પ્રવર્તક કાંતિવિજયજી છે. અને એ તમને બહુ ચાહે છે. એમનો સ્વભાવ એવો છે કે તમને તદ્દન પસંદ આવશે. છેવટે તેમને તમે એક વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org