________________
પુનઃ કાશીમાં અભ્યાસ અને દૃષ્ટિલાભ • ૮૩ કાઢી. તે પ્રમાણે વ્રજલાલજી વેદાન્ત દર્શન તૈયાર કરે અને મારે ન્યાયદર્શન તૈયાર કરવું એમ ઠર્યું. વ્રજલાલજી રોજ ચારેક માઈલ દૂર સુપ્રસિદ્ધ વેદાન્તી લક્ષ્મણશાસ્ત્રી દ્રાવિડને ત્યાં જઈને વેદાન્ત શીખી આવે. હું ઘેર રહી ન્યાયની સંભવિત તૈયારી કરું ને પછી બંને પરસ્પર આપલે કરીએ જેથી બેવડું કામ થાય. આ ક્રમ અમુક વખત ચાલ્યો. દરમિયાન એક સુયોગ્ય યુવક પંડિત મળી ગયા. એ ભણીને નવા જ તૈયાર થયેલા એટલે કામ શોધતા. અમને જોઈતું મળી ગયું. એ પંડિત આજે બનારસ ક્વીન્સ કૉલેજના મુખ્ય પંડિત છે. તેમનું નામ બાલબોધ મિશ્ર. તેઓ વ્યાકરણ, ન્યાય, સાંખ્યયોગ અને વેદાન્ત આદિ અનેક વિષયોની પરીક્ષા આપી ઉત્તીર્ણ થયેલા. અમને રોજ અમારા સ્થાને ભણાવવા આવે. એમની પાસે અમે પ્રાચીન ન્યાય તથા સાંખ્યયોગનાં ભાષ્યો ભણ્યાં, હું એકલો તેમની પાસે નવીન ન્યાય પણ શીખતો. અમારી દૃષ્ટિ બધાં જ ભારતીય દર્શનોના પ્રાચીન ભાષ્યો શીખવાની અને સ્વતંત્રપણે તે ઉપર વિચાર કરવાની હતી. અમને એમાં રસ પણ પડતો ગયો અને સંપ્રદાય બહાર વિશાળ દષ્ટિએ જોવાની તક પણ મળી. આ રીતે દાર્શનિક અધ્યયન ચાલતું હતું ત્યારે મારી દૃષ્ટિમાં એક બીજો ફેરફાર પણ થઈ રહ્યો હતો. છાપાંઓએ રાષ્ટ્રિય દૃષ્ટિ ઘડી
વ્રજલાલજી પહેલેથી જ ખૂબ છાપાંઓ વાંચે, અને અનેક સભાઓમાં જાય એટલે તેમની રાષ્ટ્રિય દૃષ્ટિ ઘડાઈ ગઈ હતી. તેઓ તિલકના અનન્ય ભક્ત. આ સમય દરમિયાન મુંબઈ હાઈકોર્ટમાં તિલકને લાંબી સજા થયેલી. હિન્દી-મરાઠી છાપાંઓ ખૂબ ગરમાગરમ ચર્ચા કરતા. હું છાપાંના યુગથી બિલકુલ દૂર હતો, પણ વ્રજલાલજીની સોબત એ ચેપ મને પણ લગાડ્યો. છાપાંના ચેપે શાસ્ત્ર બહારના અનેક વિષયો વિષે વિચાર કરતો કર્યો. રોજ છાપાંઓ ઢગલો અમે બંને મિત્રો વાંચીએ. હવે મારું મન કોંગ્રેસ તરફ તેમ જ દેશના પ્રશ્નો તરફ પણ વળ્યું. એને લીધે શાસ્ત્રીય વાચનમાં એક નવી દૃષ્ટિ ઉમેરાઈ. બધા વિષયોનો ઇતિહાસ હોય જ છે અને તે જાણ્યા વિના તે તે વિષયનું જ્ઞાન અધૂરું રહી જાય છે અને વિકૃત પણ બને છે એમ સ્પષ્ટ લાગ્યું. તેથી ઇતિહાસ તરફ પણ ઝૂક્યો. આમ વિ. સં. ૧૯૬૫નો ઉનાળો વીતવા આવ્યો ત્યાં વળી ઘટનાચક્રે પલટો ખાધો. ક્રિયાકાંડ પ્રત્યેનું વલણ
વિજયવલ્લભસૂરિ પંજાબથી ગુજરાત જતાં પાલનપુરમાં રોકાઈ ગયા. તેમની ઇચ્છા એવી કે અમે પાલનપુર ચોમાસામાં જઈએ. અમારું અધ્યયન બંધ ન પડે તે હેતુથી તેમણે અમને અમારા પંડિતને સાથે લઈ આવવા લખ્યું. અમે બધા પંડિત સાથે પાલનપુર ચોમાસું ગાળવા ગયા. અમે ત્યાં કાવ્ય-પ્રકાશ આદિ કેટલાક અગત્યના ગ્રન્થોનો અભ્યાસ કર્યો. હું લલિતવિજયજી જેવા એકાદ-બે સાધુને થોડું થોડું ભણાવતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org