________________
૮૪ મારું જીવનવૃત્ત પણ. વલ્લભવિજયજી મહારાજે તથા પાલનપુરના સંઘે અમારી સગવડ કરવાની પૂરી કાળજી રાખી હતી. અમે કયારેક તિથિ-પૂર્વે ક્રિયાકાંડમાં ભાગ લઈએ તો મહારાજજી અને શ્રાવકોને એમ લાગતું કે વિદ્વાનો તો આવા જ પાકવા જોઈએ. તે વખતે મારા સંસ્કારોમાં ધરમૂળથી ફેર નહિ પડેલો એટલે શરમભરમથી કે રુચિથી ક્યારેક ક્યારેક ક્રિયાકાંડમાં ભળી જતો, પરંતુ મન ઝપાટાભેર બીજી દિશામાં જ કૂચ કરી રહ્યું હતું ને સમજાતું જતું હતું કે, આ ક્રિયાકાંડો ધર્મનાં માત્ર નિર્જીવ ખોખાં છે. શ્રાવકો અને સાધુઓનાં દેખાવડી વ્યવહારથી અમારી શ્રદ્ધાનાં સ્તર બદલાયે જતાં હતાં; પણ અમે એ બાબતની કશી ચર્ચામાં ઊતર્યા સિવાય અધ્યયનનું ગાડું ચલાવ્યે રાખતા. એક દિવસ અથડામણીનો સામાન્ય પ્રસંગ આવ્યો. ઉપાશ્રયમાં અમુક વિષય ઉપર ભાષણ કરવું એવી મહારાજજીએ સૂચના કરેલી. વ્રજલાલજીએ ભાષણ દરમિયાન તિલકનો ઉલ્લેખ કર્યો. ત્યાં તો ઘરડાબુઠ્ઠા અમલદાર શ્રાવકો ગભરાયા ને એક શ્રાવકે તે વિષે કશું ન બોલવા ઇશારો પણ કર્યો. કાંઈક ચકમક ઝરી ને બધું શાન્ત થયું, પણ હવે મને સમજાયું કે વ્યાપારી અને અમલદારી માનસ કેવું બીકણ હોય છે? આબુનો પ્રવાસ
દિવાળી નજીક આવી. ને થયું કે પાસે આવેલ આબુના વિખ્યાત મંદિરો જોઈ લેવાં જોઈએ. અમે સૌ પહેલવહેલાં જ આબુ ગયા. ચોમાસાના ખળ ખળ વહેતા પ્રવાહો, લીલીછમ સઘન વનરાજી, જુદાં જુદાં દર્શનીય સ્થાનો – એ બધું જિંદગીમાં પહેલવહેલું જ જોવા મળ્યું ?
અમારા મૈથિલ પંડિત પણ પત્ની સહિત આબુ ઉપર અમારી સાથે આવેલા. દેલવાડાથી અચલગઢ જવા બધા નીકળ્યા. આજની પેઠે તે વખતે તે રસ્તો દુરસ્ત ન હતો. બધા ઘોડે ચડડ્યા. પંડિતજીએ ધાર્યું કે સ્ત્રી પણ અચલગઢ જુએ ને ભલે ઘોડે બેસે. વચ્ચે ખૂબ ઢાળ આવતાં ઘોડું દોડ્યું એટલે પંડિતાણીએ લગામ છોડી દઈ હોહો કરવા માંડ્યું. પંડિતજી જેટલા શાસ્ત્રજ્ઞ એટલા જ અવ્યવહારુ એટલે તેમણે પણ પોતાના ઘોડાની લગામ છોડી દઈ જાણે પત્નીને આશ્વાસન આપતા હોય તેમ હોહામાં ભાગ લીધો અને ઊંચે અવાજે વ્રજલાલજી-વ્રજલાલજી એમ કરવા લાગ્યા. સારું થયું કે પડતાં બચી ગયા, પણ વળાવા ભીલોએ જ્યારે જાણ્યું કે આ તો કાશીના મોટા પંડિત છે ત્યારે તેમની કાશી વિષેની શ્રદ્ધા કેટલી રહી હશે તે તો એ જ જાણે; પણ મને તો એમ જરૂર થયું કે કાશી રહું છું છતાં શાસ્ત્રોએ નાની ઉંમરની ઘોડેસ્વારીને ભુલાવી દીધી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org