________________
મહેસાણા અને વિરમગામ પાઠશાળામાં • ૧૦૭ લલિતવિજયજી, જે સૂરિ છે ને જિનવિજયજી, જે ભારતીય વિદ્યાભવનના આચાર્ય છે તે. મને ભણાવવાનો જ એકમાત્ર રસ ને જુવાની એટલે દિવસના ભાગ ઉપરાંત રાતે પણ શીખવતો. રાતે શીખનારમાં મુખ્ય ભગવાનદાસ, જે આજે પંડિત ભગવાનદાસ તરીકે અમદાવાદમાં જાણીતા છે. તે અને તેમના સાથી મિત્ર હીરાચંદ્ર બંને દિવસે ચાલતા કાવ્ય-નાટક-ચંપૂ આદિના પાઠોમાં યથાસંભવ ભાગ લેતા, પણ ભગવાનદાસને તો મુખ્યપણે કાંઈક બીજું જ શીખવું હતું. તેથી એમને વાસ્તે મેં રાત્રે સ્વતંત્ર પૂરો સમય રાખેલો. ભગવાનદાસ કાવ્યપ્રકાશ, રત્નાકરાવતારિકા વગેરે ભણ્યાનું યાદ છે; પણ આ ભણવા-ભણાવવાનો સંબંધ એટલે સુધી આગળ વધ્યો કે આજ લગી તેણે એક ગાઢી અને નિખાલસ મિત્રતાનું રૂપ ધારણ કરેલું છે. હું મહેસાણા રહ્યો તેથી જ ભગવાનદાસ મહેસાણા ભણવા આવી રહેલા. ને અમે બંને સાથે બેસતા, જમતા, ફરતા ને સૂતા. બીજા પણ વિદ્યાર્થીઓ હતા એટલે અમારું ધામ એક વિદ્યાધામ બની રહેતું. સાંજે જમીને ફરવા જઈએ, ને જુવાનીની ચળ આવે તો ક્યારેક ક્યારેક વગર તાલીમ અને વગર અખાડે પણ ગામથી દૂરદૂર વેળમાં હું અને ભગવાનદાસ માત્ર એક જ દૃષ્ટિથી કુસ્તી કરીએ કે કોણ બીજાને ચત્તો કરી શકે છે? મારે કહેવું જોઈએ કે, એમાં હું ન ફાવતો. પ્રેક્ષક વિદ્યાર્થીઓ એથી હસતા, પણ તેથી મારી ઈજ્જત તેમના વચ્ચે ઘટવાને બદલે વધતી – મેં જોયેલી. આ બીના સાધુઓએ જાણી ત્યારે તેમાંથી એકાદ જિનવિજયજી જેવાને અમારી કુસ્તી જોવાનું કુતૂહલ પણ થયેલું. ખરી રીતે એ દિવસો સત્યયુગના હતા એમ કહી શકાય.
ચોમાસું પૂરું થયું. જુદા જુદા સાધુઓના કટુક-મધુર અનુભવો થયા. લલિતવિજયજીની અતિ ભીરુવૃત્તિનું તેમજ જિનવિજયજીની ઉત્કટ વીરવૃત્તિનું ભાન પણ થયું. ચોમાસા પછીનો કાર્યક્રમ શો? એ પ્રશ્ન આવ્યો. પાસે ભણતા અને વિહાર કરતા સાધુઓને મેં કહી દીધું કે હું સાથે ચાલવાનો કે અન્યત્ર જવાનો નથી. અહીં રહી શીખવું હોય તો શીખી શકો, ઈત્યાદિ. મેં, શ્રી જિનવિજયજી ને ભગવાનદાસે મળી નક્કી કર્યું કે આપણે તો મહેસાણા જ રહેવું ને અધ્યયન-ચક્ર ચાલુ રાખવું. અમે શિયાળો મહેસાણે વ્યતીત કર્યો. તે દરમિયાન પ્રભુદાસ પારેખ, જે આજે મહેસાણા પાઠશાળાના અધિષ્ઠાતા છે તે પણ મારી પાસે ભણવા આવી ગયા. આનંદસાગરજી મહારાજ, જે આજે સૂરિ છે તે પોતાના સહોદર ભાઈ ને મુનિ મણિવિજયજી સાથે ત્યાં આવ્યા. તેમણે ત્યાં આવી આગમવચનો શરૂ કરવાનો વિચાર કર્યો ને તેમાં આવવા સાધુઓને સર્વત્ર આમંત્રણ મોકલ્યાં. આનંદસાગરજી અને મણિવિજયજી સાથે આ વખતે મારો પ્રથમ જ પરિચય સધાયો. ને તેનાં મૂળ કાંઈક ઊંડે નંખાયાં. મહેસાણાની યશોવિજયજી પાઠશાળાના સ્થાપક ને સૂત્રધાર શેઠ વેણીચંદ સૂરચંદની એવી પ્રબળ ઈચ્છા હતી કે હું મહેસાણાને કાયમ વાસસ્થાન બનાવું ને યશોવિજય પાઠશાળાનું શિક્ષણતંત્ર હાથમાં લઉં. એ વયોવૃદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org