________________
૯૦ • મારું જીવનવૃત્ત
થયા. હું કોઈ કોઈ વાર તેમની પાસે જઈ આવતો. મિશ્રજી હતા તો પાકા સનાતની, પણ સ્વભાવે અને વિદ્યાવૃત્તિએ એટલા ઉદાર કે વિચાર કરતી વખતે તેમને સંપ્રદાય આડે ન આવતો. મારું જૈનત્વ બીજા બધા પંડિતોને ઓછેવધતે અંશે ખટકયું હશે, પણ મિશ્રજીને એ કદી ખટકેલું નહિ; એટલું જ નહિ, પણ તેઓ હંમેશાં બૌદ્ધશાસ્ત્ર અને તેના ઇતિહાસ વિષે મને પૂછી ઘણું જાણે. હું લખું કે સંપદાન કરું તે ગ્રન્થ સાંભળ્યા વિના સંતોષ ન પામે. હું તેમના પ્રિય વિષય વેદાન્તની ઐતિહાસિક અને તાત્ત્વિક દૃષ્ટિએ સમાલોચના કરું ત્યારે તેઓ તથ્ય સ્વીકારવા ઉપરાંત એ પણ ઉમેરે કે શાસ્ત્રો એ તો બુદ્ધિના ખેલ છે, એને અંતિમ સત્ય માની બુદ્ધિને ગીરો મૂકવી એમાં તો શાસ્ત્રનું જ અપમાન છે. બિસ્તરાના છેલ્લા દિવસોમાં મિશ્રજીએ મને બોલાવી પોતાના પ્રાણથી પણ અધિક સંગૃહીત પુસ્તકો મને સોંપ્યાં ને કહ્યું કે, મારા પછી આની વ્યવસ્થા મારી વિધવા પુત્રવધૂ અને પુત્ર વાચસ્પતિની દૃષ્ટિએ કરજો. એમણે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો હતો તેને સંપૂર્ણપણે વફાદાર રહી તે પુસ્તકોનો યોગ્ય નિકાલ કરી ગુરુશ્રાદ્ધ કર્યાનો મને સંતોષ છે.
બંગાલ, મિથિલા ને બિહારની વૈષ્ણવતા
દરભંગામાં એક વિચિત્ર પ્રકૃતિનો માણસ ભેટ્યો. તેનું બધું કુટુંબ વૈષ્ણવ હતું, પણ આ જુવાન ભાઈએ ક્યાંકથી જાણી લીધું કે તેના પૂર્વજો મૂળે જૈન હતા ને જૂના વખતમાં તેઓ ઉપાધ્યાયનું કામ કરતા. એ નાગવંશનો છે અને નાગવંશ પાર્શ્વનાથનો અનુયાયી હતો એમ તેણે મને કહ્યું. મેં પૂછ્યું કે તારા વડીલો તને જૈન હોવા વિષે ખાતી શી આપે છે ? તેણે કહ્યું કે તેઓ કહે છે કે હમણાં લગી આપણે જૈન જ હતા, પણ બીજા બધા વૈષ્ણવ થયા એટલે લગ્નસંબંધની મુશ્કેલીને કા૨ણે આપણે પણ વૈષ્ણવ થયા. એણે મને કહ્યું કે હું મારા બાપદાદાના જૈન ધર્મને વળગી રહેવા ઇચ્છું છું ને તેથી હજી લગી મેં લગ્ન કર્યું નથી, ઇત્યાદિ. મિથિલાના સનાતનીઓ પાસેથી જાણે જક્કીપણું શીખ્યો હોય તેમ તેણે મને કહ્યું કે, મારે એવા જૈન ગ્રન્થનું અધ્યયન કરવું છે કે જે વડે હું બીજાઓને પરાજિત કરું. આગળ જતાં જ્યારે જૈન ઇતિહાસ વિશે કાંઈક જાણતો થયો ત્યારે એ જક્કી જુવાનની વાતમાં મને ઘણું તથ્ય જણાયું. બંગાલ, મિથિલા અને બિહારની વૈષ્ણવતા મોટે ભાગે બૌદ્ધ અને જૈન પરંપરાનું રૂપાંતર છે. અત્યારે એ પ્રદેશોમાં પરાપૂર્વથી ચાલ્યાં આવતાં જૈન કુટુંબો નથી, પણ ૨૦૦૪૦ વર્ષ પહેલાં એ પ્રદેશોમાં જૈન કુટુંબો ઘણાં હતાં. હજારીબાગ માનભોમ આદિ અનેક જિલ્લાઓમાં જે શ્રાગ-સરાગ લોકો આજે વસે છે તે મૂળે જૈન શ્રાવક જ છે. સમ્મેતશિખરની આસપાસ દૂરદૂર સુધી પાર્શ્વનાથનો ધર્મ અને પ્રભાવ વિસ્તરેલો હતો તેથી જ એ પર્વત પાર્શ્વનાથ હિલ' તરીકે જાણીતો છે. આશ્ચર્ય નહિ કે એવા જ પાર્શ્વનાથના અનુયાયી કેટલાંક કુટુંબો મિથિલામાં પણ વસતાં હોય ને કાળક્રમે વૈષ્ણવ બની ગયાં હોય. પાર્શ્વનાથનું ચિહ્ન સર્પ-નાગ છે. સંભવ છે નાગવંશનો એ સાથે પણ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International