________________
૮૦ • મારું જીવનવૃત્ત મેં કહ્યું કે અમે તો કાશી જ ભણવાના છીએ. નેમવિજયજી મહારાજે પોતાની ટેવ પ્રમાણે બીજા એક શિષ્ય જશવિજયજીને બોલાવી કહ્યું કે સુખલાલ સિદ્ધહૈમ ભણેલ છે તો કાંઈક પૂછ. જશવિજયજી અને મારા વચ્ચે સંસ્કૃતમાં જ ચર્ચા ચાલી. પાસે બેઠેલા શ્રાવકોને નવાઈ લાગતી. નેમવિજયજી મહારાજને બોલાવી કહ્યું કે આ પ્રાકૃત ભણેલા છે. પૂછો તો ખરા ? મણિવિજયજીએ બહુ નમ્ર વ્યવહારથી થોડુંક પૂછ્યું ને ખુશી પ્રગટ કરી. આ વખતે ત્યાં પંન્યાસ ગંભીરવિજયજી મહારાજને આચાર્ય પદવી આપવાની હતી. અમારી બંનેની હાજરીએ સાધુસમુદાયમાં એક અદ્દભુત કુતૂહલ ને લાલચનું વાતાવરણ ઊભું કર્યું હોય તેવો અમને ભાસ થયો. પ્રથમ મુલાકાતે જ પરીક્ષા લેવાની મહારાજજીની શેખીએ અમારો તેમના પ્રત્યેનો આદર ઓછો કર્યો. અમને થયું કે આ માણસ આપણા ઉપર પોતાના શિષ્યોનું અને પોતાનું વર્ચસ સ્થાપવા માંગે છે? નેમવિજય મહારાજને
ક્યાં ખબર હતી કે આ બંને સાવ બેપરવા છે ? કુંવરજીભાઈને ત્યાં શેઠ મનસુખભાઈ જમીને બેઠા હતા. અનેક સગૃહસ્થો તેમની આસપાસ વીંટળાયેલા. સંપત્તિએ મનસુખભાઈ ને ત્યાં દેવ બનાવી દીધા હતા. કુંવરજીભાઈએ શેઠને અમારા વિષે છેલ્લો જવાબ આપવા કહ્યું તો શેઠે કહ્યું કે તમે બંને નેમવિજયજી મહારાજ પાસે રહો તો હું બધો પ્રબંધ કરીશ, મહારાજજી પાસે પંડિત તો છે જ અને તે કાશીના પંડિત કરતાં
ક્યાં ઊતરતો છે! ઈત્યાદિ. અમે એક પણ ક્ષણ થોભ્યા સિવાય જવાબ આપ્યો કે કોઈ સાધુ પાસે રહેવું નથી. શેઠે કહ્યું કે તો પછી તમે અમદાવાદ મારે બંગલે રહો ને હું ત્યાં બધો પ્રબંધ કરીશ. એનો પણ ઉત્તર એટલી જ ત્વરાથી અમે આપી દીધો કે કાશી બહાર રહી ભણવાની અમારી વૃત્તિ નથી. બસ બધું પત્યું. સૌ સૌને રસ્તે પડ્યા. હવે માત્ર મંત્રીઓને મળવાનું અમારે માટે બાકી હતું, પણ અમને માલુમ પડી ગયું કે મંત્રીઓ આપણે વાતે સહાનુભૂતિ ઉપરાંત કાંઈ વધારે કરી શકે તેમ નથી. ગુજરાત છોડવાનો વિચાર કરીએ જ છીએ ત્યાં અચાનક એક રજિસ્ટરી પત્ર મળ્યો. એ પત્ર રખડતાં રખડતાં ભાવનગર આવેલો. વ્રજલાલજી ગુજરાનવાલામાં
આ પત્ર પંજાબ ગુજરાનવાલાના સંઘે ઉપાધ્યાય વીરવિજયજીના કહેવાથી લખેલો. એમાં વ્રજલાલજીને પત્ર મળતાંવેંત ગુજરાનવાલા આવવા લખેલું. બહુ જરૂરી કામ છે, એક પણ ક્ષણ ન થોભો, ઉપાધ્યાયજી લખાવે છે ઈત્યાદિ મતલબનું લખાણ હતું. અમે સાશ્વર્ય વિચારમાં પડ્યા. છેવટે હું ઘેર રહી ગયો અને વ્રજલાલજી પંજાબ માટે મારાથી છૂટા પડ્યા. સંકેત એવો કર્યો કે જ્યારે વ્રજલાલજી સૂચવે ત્યારે મારે આગ્રા પહોંચવું. અમે ધારતા કે આપણું ચક્ર આપણે જ ફેરવીએ છીએ, પણ હવે કાંઈક એવું લાગ્યું કે આપણું ચક્ર તો કોઈ અજ્ઞાત દૈવ જ ફેરવી રહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org