________________
પ૪ - મારું જીવનવૃત્ત નારાજ થયા અને કહ્યું કે તું એટલે દૂર જા તો લોકો એમ જ કહે આ તો માથેથી ભાર ઉતાર્યો. અમારે બીજાને મોટું શું બતાવવું? વળી ભણવું જ હોય તો તારી ઇચ્છા પ્રમાણે આટલામાં કયાંય નજીક પંડિત હોય ત્યાં ગોઠવણ કરીએ, ઈત્યાદિ. છેવટે મારો મક્કમ નિર્ણય જાણી તેઓ પોતે વીરમગામ સુધી સાથે આવવા તૈયાર થયા. તેમના મનમાં ઊંડે ઊંડે એ વિચાર તો હતો જ કે છેવટે વીરમગામ સુધી જઈ ત્યાંથી એક અગર બીજી રીતે સમજાવી આને પાછો લાવીશ અને આનો ઊભરો યુક્તિ-પ્રયુક્તિથી શમાવી દઈશ. અને બંને વઢવાણ કેમ્પ સ્ટેશનથી તે વખતે ચાલતી બ્રોડગેજ બી. બી. એન્ડ સી. આઈ. ટ્રેનમાં બેઠા. મારા માટે વિરમગામની દિશા અને બ્રોડગેઇજ ટ્રેન બંને પહેલ-વહેલાં હતાં. ટ્રેનમાં આડીઅવળી વાત કાઢી ભાઈ સમજાવે, પણ હું તો બધિર જ થઈ ગયેલો.
વીરમગામ ફઈની દીકરી પાર્વતીબહેન ઝવેરીને ત્યાં ઊતર્યા. પાર્વતીબહેન ઉમરે મોટાં, વિધવા તેમજ શાસનપ્રિય એટલે તેમણે તો પહેલાં મોટાભાઈ ઉપર વરાળ કાઢી અને પછી મારા ઉપર. મને નરમ પાડવા મોટાભાઈને ભાવતું મળી ગયું. મેં કહ્યું કે સેક્રેટરીઓને મળીએ પછી જોઈ લઈશું. મોટા સેક્રેટરી રત્નચન્દ્ર, જે વીરમગામની હાઈસ્કૂલના હેડમાસ્તર, ઉમરે વૃદ્ધ, કાને કાંઈક બહેરા અને સ્વભાવે સરળ તેમજ ધાર્મિક હતા. નાના સેક્રેટરી છોટાલાલ ત્રિકમદાસ પારેખ, જે તે વખતે ડિસ્ટ્રિક્ટ પ્લીડરનો અભ્યાસ કરતા અને ઉંમરે લગભગ મારા જેવડા. એ બુદ્ધિશાળી, સ્વભાવે કાંઈક તેજ, પણ સ્પષ્ટભાષી. છોટાભાઈ અત્યારે અમદાવાદમાં રહે છે અને વકીલાત કરે છે. આ બને સેક્રેટરીઓને ઓફિસમાં મળ્યા. તેઓ પણ મારી સ્થિતિ જોઈ નવાઈ પામ્યા અને કહ્યું કે અહીં ઑફિસમાં તો કાશીથી મહારાજજીનો સુખલાલ વિષે કોઈ પત્ર નથી. તેમજ
ત્યાં જવા માટે બીજા જે વિદ્યાર્થીઓ આવવાના હતા તે પણ હજી આવ્યા નથી, ઈત્યાદિ. બંને સેક્રેટરીઓએ અંગ્રેજીમાં કાંઈક વાતચીત કરી. એ મ્લેચ્છ ભાષાથી હજી લગી હું ભ્રષ્ટ થયો ન હતો, પણ ભ્રષ્ટ થયેલ મારા મોટાભાઈએ વાતચીતનો મર્મ જાણી લીધો. મર્મમાં છોટાલાલભાઈની દલીલ એ હતી કે ધર્મવિજય મહારાજ સુખલાલની અપંગ સ્થિતિ જાણ્યા છતાં કાશી કેમ બોલાવતા હશે? અને ત્યાં એ ભણશે કેવી રીતે? તેમજ એની મુશ્કેલી કોણ નિવારશે, ઈત્યાદિ. છેવટે સેક્રેટરીઓએ કહ્યું કે અમે કાશી પત્ર લખીએ છીએ. જે જવાબ આવશે તે તમને જણાવીશું. ઈચ્છા હોય તો ત્યાં લગી વિરમગામ રહો અગર ઘેર જઈ શકો. મોટાભાઈને વળી વધારે ભાવતું મળી ગયું. મને કહે – જો ! સેક્રેટરીઓ મોકલવા ઇચ્છતા નથી. અંગ્રેજીમાં એમની એ જ મતલબની વાત હતી. હવે ભાઈને અનુકૂળ થઈ મેં કહ્યું કે ત્યારે આપણે પાછા ફરીએ. હું કેમ્પમાં રહી જવાબની રાહ જોઈશ. જો ના આવી તો ઘર છે જ, ઈત્યાદિ. મનમાં એમ નક્કી કર્યું કે આઠ-દશ દિવસમાં જો અનુકૂળ જવાબ ન આવે તો જ કેમ્પથી પાછા ઘેર જવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org