________________
૯. યાત્રા અને મૂર્તિપૂજા
સમેતશિખરની યાત્રા
કાર્તિક પૂનમ આવી અને મહારાજજીના મંડળે સમેતશિખર નિમિત્તે પ્રસ્થાન કર્યું. પહેલો પડાવ જૈનતીર્થ સિંહપુરીના રમ્યસ્થળમાં થયો કે જે સારનાથ પાસે આવેલું છે. સાધુઓ, નોકરો, વિદ્યાર્થીઓ અને બળદગાડીવાળાઓ વગેરે પચાસેક જણ હશે. હું સાથે આવેલ એટલે મહારાજજી મારા પ્રત્યે બહુ પ્રસન્ન હતા. મારું મન અધ્યયનની દષ્ટિએ કાશી ભણી હતું, જ્યારે તન વિહારમાં સાથે હતું. મહારાજજી જેવા ચકોર માણસ મારું મન કળ્યા વિના રહી જ કેમ શકે? તેમણે મારો ઉત્સાહ ટકાવવા અને મને રાજી રાખવા હદ બહાર કાળજી સેવેલી એમ યાદ છે. માતા નીકળી ગયા પછી નવી આવેલ ચામડીવાળા અતિકોમળ પગ લાંબું ચાલી શકે નહિ અને ચાલવા જતાં લોહી નીકળે એવી જાણ થતાં મારા માટે રોજ નવા પડાવ સુધી એક એક્કો ભાડે કરવામાં આવે ને રોજ રૂપિયો ખરચાય. બેચાર દિવસ જતાં જ એ ખાસ સગવડ મને ખટકી. મેં નક્કી કર્યું કે કાં તો ચાલવું અને જ્યારે ચાલવું શક્ય ન હોય ત્યારે બળદગાડીમાં બેસવું. આ નિશ્ચયે મને ધીરેધીરે સમેતશિખર પહોંચ્યા ત્યાં સુધીમાં બાર માઈલ જેટલું ચાલતો કર્યો. જોકે ઘણું કરી આ યાત્રાના આગલે વર્ષે હું તો ન ચાલતાં બળદગાડીમાં જ બેઠેલો. ત્યારબાદ હું હંમેશાં એમ માનતો આવ્યો છું કે ચાલવાની પડેલી એ ટેવ પણ તે વખતે કરેલ વિહારના અનેક લાભો પૈકી એક લાભ જ હતો. એ ટેવે જ જીવન લંબાવવામાં, આરોગ્ય સાચવવામાં અને કેટલાંય બૌદ્ધિક સૂક્ષ્મ કામ કરવામાં ભારે મદદ આપી છે. અધ્યયનનું સાતત્ય તૂટી જવાથી મન ઉપર વિષાદની જે આછી છાયા રહેતી તે પ્રવાસમાં આવતાં નવાં નવાં સ્થળો તેમજ નવસમાગમોથી આનંદ અને પ્રસન્નતામાં ફેરવાઈ જતી. કમને કરેલા એ પ્રવાસના લાભોનો જ્યારે જ્યારે વિચાર આવ્યો છે ત્યારે એમ જ લાગ્યું છે કે તેટલો વખત પુસ્તકીય ભણતર બંધ રહ્યું, પણ પ્રવાસની તક મળી તે જિંદગીનો સુવર્ણ અવસર હતો. જો તે વખતે હું પ્રવાસમાં સાથે ગયો ન હોત તો આ જિંદગીમાં મને કદી બિહાર અને મગધના સજળ તેમજ રમ્ય પ્રદેશોનો પરિચય ન થાત તેમજ બુદ્ધ-મહાવીરના પરિભ્રમણથી પવિત્ર થયેલ એ સરળ-સ્વાભાવિક જનપદને જાતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org