________________
૮. કાશી પાઠશાળા
કાશીની પ્રથમ યાત્રાના અનુભવો
કેમ્પમાં હતો ત્યાં તો લગભગ આઠેક દિવસમાં વીરમગામથી તાર આવ્યો કે સુખલાલને મોકલો. હું વીરમગામ આવ્યો ત્યાં કાશી ભણવા જનાર બીજા એક વિદ્યાર્થી પણ આવી ગયેલ હતા. અમારે બંનેએ સાથે જવું એમ પણ નક્કી થયું. સાથે ચાલનાર વિદ્યાર્થી પ્રાંતિજની શાળાના શિક્ષક હતા. એમનું નામ નાનાલાલ અને સ્વભાવે ગરીબડા તેમજ બીકણ. તેઓ પણ મારી પેઠે કદી ઘર બહાર દૂર ગયેલા નહિ. સાહસ કે નવો રસ્તો કાઢવાની સૂઝ નાનાલાલમાં ઓછી, પણ તે દેખતા. મારામાં એવી કંઈક શક્તિ ખરી, પણ હું અણદેખતો. તેમ છતાં સાંખ્ય પરંપરાના પ્રકૃતિ-પુરુષ સંબંધી અંધગુન્યાયે' અમારું પ્રવાસ ચક્ર ટ્રેનના ચક્ર સાથે જ ગતિમાન થયું. મોટાભાઈ અને બીજા સ્નેહીઓ ગળગળા થઈ પાછા ક્યું. મને તો એકેય આંસુ આવ્યું નહિ. નવા • નવા મનોરથો અને ભયો મનમાં ઉદ્દભવવા લાગ્યા. અમે બંનેએ એકબીજાનો પરિચય સાધ્યો, પણ કોણ જાણે પહેલેથી જ નાનાલાલનો ઉત્સાહ મને બહુ મોળો દેખાયો. સાથે મીઠાઈના ભાતાની પૂરતી સગવડ હતી. પ્રવાસમાં જરૂરી એવી માહિતી મેળવવાનું કોઈ સાધન પાસે ન હતું. ન તો અમે જાણતા કે રેલવે-ગાઈડ હોય છે અને તે ઉપયોગી થઈ પડે છે, કે ન કોઈએ એ વિષે કશી જાણ કરી.
ગાડી અને મનોરથો આગળ વધ્યે જતાં હતાં. સમય વારાફરતી નવી-નવી મીઠાઈઓ ખાવામાં અને નવાં-નવાં સ્ટેશનોનાં નામ જાણવામાં પસાર થતો હતો. પેટ હવે વધારે વખત મીઠાઈ અને પાણીને અંદર સમાવી શકે તેમ હતું નહિ; અને ડબ્બામાં હાજત માટેનું કશું સાધન પણ ન હતું. ગાડી ઊભી રહી ઊપડી જાય ત્યારે જ નક્કી કરી શકતા કે અરે ! આટલા વખતમાં તો આપણે ગાડીમાંથી નીચે ઊતરીને પણ લઘુશંકા કરી પાછા ચડી શક્યા હોત. પાલનપુર અને આબુ જેવાં સ્ટેશનો પસાર થઈ ગયાં, પણ ગાડી ઊપડી જશે એ ભયથી અમે નીચે ઊતરી શક્યા નહિ. મારવાડમાં મોરી બેડા સ્ટેશન સુધીમાં સહનશીલતાની છેલ્લી હદ આવી ગઈ. અમે બંને એમ નક્કી કરીને ઊતરી ગયા કે ગાડી જાય તો છો જાય, બીજી પકડીશું. એમ યાદ છે કે વધારે પડતા દબાણને લીધે બંધ પડેલો પેશાબ ઘણી વારે ઊતર્યો. બીજી ગાડી ક્યારે આવશે એ રાહ જોતાં ત્યાં બેઠા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org