________________
૫૮ મારું જીવનવૃત્ત બંને ભાઈઓ મારી સંભાળ લેવામાં અને જરૂરિયાતને પહોંચી વળવામાં ઘર જેવા સિદ્ધ થયા. મારી સાથે આવેલ પ્રાંતિજવાળા નાનાલાલ તો જાણે મારું જન્માંતરનું ઋણ પતાવવા જ આવ્યા હોય એમ સિદ્ધ થયું. તેઓ આવતાંવેંત બીમાર પડ્યા અને પંદરેક દિવસમાં ઘેર પાછા ગયા. પાછળથી સાંભળ્યું કે તેઓ ગુજરી પણ ગયા. હું રહેતો તે રૂમની લગોલગ સામેની જ રૂમમાં મઢડાવાળા શિવજી દેવશી તેમના બે કચ્છી સહચારી સાથે રહેતા. જે માત્ર થોડા વખત માટે જ કાશીમાં અધ્યયન કરવા આવેલા. તેમનો ટીખળી વિદૂષક સ્વભાવ બહુ રમૂજ આપતો તો ક્યારેક ચિંતનમાં વિબ પણ કરતો. તેમની ઉત્સાહી તેમજ નાટકીય વકતૃતા જ્યારે પહેલવહેલી સાંભળી ત્યારે તેમની તરફ હું આકર્ષાયો. કાશીના અતિતાપથી ભઠ્ઠી જેવા બની જતા કેવળ પથ્થરનાં મકાનોમાં રહેવાનો જીવનમાં પહેલો જ પ્રસંગ હતો, પણ ઇષ્ટ સોબત, બીજી સગવડ તેમજ ભાવાની સાંપડેલ તકને લીધે તે તાપ અને ગરમી સહેજે પચી ગયાં. પાઠશાળામાં વિદ્યારંભ
હું પહોંચ્યો તે દિવસે ઘણું કરી પંચમી હતી. પંચમીને જૈનલોકો જ્ઞાનતિથિ લખે છે એટલે તે જ દિવસે મારો વિદ્યારંભ શરૂ થયો. અમીવિજયજી નામના મુનિએ મને હેમચન્દ્રકૃત અભિધાન ચિંતામણિના પ્રથમ શ્લોક ઉચ્ચારાવ્યાનું યાદ છે. આ તો મંગળારંભ હતો, પણ નિયમિત રીતે પહેલાં ભણવું એ પ્રશ્ન આવતાં જ અમીવિજ્યજીએ મને કહ્યું કે તમે તો હેમચન્દ્રકૃત સિદ્ધહેમ નામક વ્યાકરણ બૃહદ્રવૃત્તિ સાથે ભણો. મેં તે વ્યાકરણનું નામ તે જ વખતે પહેલવહેલું સાંભળ્યું. સિદ્ધાંતકૌમુદીનું નામ અને તેનું ગૌરવ દેશમાં જ સાંભળેલું અને તે પણ સાંભળેલું કે સિદ્ધાંતકૌમુદીનું અધ્યયન કાશી જેટલું સરસ બીજે ક્યાંય થતું નથી. તેથી હું એને જ ભણાવતાં સંસ્કાર લઈ કાશી આવેલો. સંકોચાતાં સંકોચાતાં મારો વિચાર મેં કહ્યો, પણ મક્કમ સ્વભાવવાળા. અમીવિજયજીએ કહ્યું કે સુખલાલ કૌમુદીમાં શું એવું છે કે જેનો તમને મોહ છે! હૈમ વ્યાકરણ તો સર્વાંગીણ છે અને તમારા જેવા આંખે ન દેખનાર જ એને અથેતિ પૂર્ણ કરી શકશે. એમનો કહેવાનો ભાવ એ હતો કે હૈમ વ્યાકરણનું પ્રમાણ બહુ મોટું છે, પણ તે છપાયેલ ન હોઈ લખેલ પાનાં ઉપરથી જ તમારે શીખવાનું છે એટલે એક સાથે ઘણાં પાનાં જોઈ કદનો ભય તમને નહિ થાય. થોડાં થોડાં પાનાં પાસે રાખવાં એટલે બોજો પણ નહિ લાગે. એમણે મને મીઠાશથી જ કહ્યું કે તમારા જેવા જેન વ્યાકરણ નહિ ભણે તો પછી બ્રાહ્મણો ભણવા આવવાના છે ? વળી, એ પણ કહ્યું કે તમારે છ હજાર પ્રમાણ લઘુવૃત્તિ ન શીખતાં ૧૮ હજાર પ્રમાણ બ્રહવૃત્તિ જ શીખવી. મેં એમનું કથન સ્વીકારી લીધું. પાઠશાળા સ્થપાઈ ત્યારથી જ તેમાં લઘુવૃત્તિ સહિત હૈમા વ્યાકરણનું અધ્યયન શરૂ થઈ ગયું હતું. થોડાક અપવાદો સિવાય બધા જ વિદ્યાર્થીઓ લઘુવૃત્તિ ભણનાર હતા. બૃહદ્રવૃત્તિ શીખનાર હું એક જ હતો અને ઉંમરે પણ બીજા વિદ્યાર્થીઓ કરતાં મોટો એટલે પાઠશાળાના જગતમાં મોભો પણ ઠીક જામ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org