________________
૪૮ • મારું જીવનવૃત્ત કહેવું જોઈએ કે સ્વચ્છંદનું તત્ત્વ પ્રમાણમાં સાધ્વીઓ કરતાં સાધુઓમાં જ વિશેષ જોવા મળેલું. સાધુ-સમાજની અક્ષમ્ય નબળાઈઓનો વતનમાં થયેલ પરિચય કાશી ગયા પછી બંધ પડવાને બદલે ઊલટો આગલાં વર્ષોમાં વધારે વિસ્તર્યો. જો આવો નિકટનો યથાર્થ પરિચય થયો ન હોત તો બૌદ્ધ અને જૈન શ્રમણ સંઘના હજારો વર્ષના ઇતિહાસના આવતા અસ્વાભાવિક અને અટપટા જીવનપ્રસંગોનો ખુલાસો આગળ જતાં હું અસંદિગ્ધપણે મેળવી શક્યો તે ભાગ્યે જ મેળવી શકત. સાધુ-બાવા અને સંન્યાસીઓની ત્યાગી સંસ્થા વિષે મારા જે અભિપ્રાયો બંધાયા છે તેમાં ઉપરના પરિચયનો ફાળો ઓછો નથી. મંત્ર - તંત્ર આદિમાં રસ અને નિષ્ફળતા
ઉપર સૂચવેલ છ વર્ષો દરમિયાન મને એક બીજી ધૂન પણ લાગેલી, જેનો ઉલ્લેખ પાછળથી બંધાયેલ મારા સિદ્ધાંતની દૃષ્ટિએ તેમજ વહેમી લોકોના હિતની દૃષ્ટિએ અહીં કરવો આવશ્યક છે. મંત્ર, તંત્ર અને યંત્રના મહિમાનું રાજ્ય સાર્વત્રિક છે. એની અસર મારામાં વારસાગત જ હશે. સાધુ-સાધ્વીઓના નિકટ સહવાસે અને અંગત અજ્ઞાને એ અસરને પોષી. કોઈ વિદ્વાન કે સંભાવિત સાધુ આવે ત્યારે ઊડે ઊડે એવી લાલચ ઉદ્ભવે કે એને રાજી કરી એની પાસેથી એવું કાંઈક તત્ત્વ જાણી લેવું. દુર્ભાગ્યે તેવા સાધુઓએ પણ સાચી સમજ આપી તે લાલચ દબાવવાને બદલે તેને ઉત્તેજન જ આપ્યું. કેટલાક સાધુઓએ મંત્ર, તો કેટલાયે યંત્ર અને તંત્ર પણ શીખવ્યાં. એની વિધિઓ આ ફળાફળથી પણ જાણતો કર્યો. આગળ જતાં ઊલટું સાધુ-સાધ્વીઓ પણ એ વિષયમાં મને નિષ્ણાત માનવા લાગ્યા. ગામમાં અને મિત્રોમાં પણ એ બાબતમાં કાંઈક પ્રતિષ્ઠા વધી. મંત્ર-યંત્ર અને તંત્રના ઉતારાઓ પણ એકઠા કર્યા હતા. એના પ્રયોગ અને એની સાધનામાં નિકટ સાથ મારા અંગત મિત્ર ગુલાબચંદનો હતો.
સાચા અક્કલબેરની માળા હોય અને તેનાથી જપ કરીએ તો અમુક ફળ મળે જ એવી દૃઢ માન્યતાને લીધે અક્કલબેરની શોધ કરી. એક ચારણ મિત્રે કોઈ ફકીર પાસેથી તેવી માળા લાવી તો આપી, પણ તેને ખરીદ્યા પહેલાં કોઈ ન જાણે તેવી રીતે સાચા-ખોટાની પરીક્ષા કરવાનું કામ અમે જાણતા ન હતા. તેથી મંત્રવાદી તરીકે અતિપ્રસિદ્ધ એવા એક વયોવૃદ્ધ સાયલા સંપ્રદાયના મેઘરાજજી મહારાજ પાસે અમે બંને પહોંચ્યા. તેમણે બતાવ્યા પ્રમાણે પરીક્ષા કરી. બે હાથમાં બે ઉઘાડી તલવારો ઊભી પકડી રાખવી. વચ્ચે માળા જમીન ઉપર મૂકવી. જો અક્કલબેર સાચો હોય તો બંને બાજુથી તલવારો ધીરે ધીરે નમતાં અક્કલબેરને અડે. મૂઠ ગમે તેટલી બંને મજબૂત પકડી હોય છતાં અક્કલબેર તલવારને આકર્ષે. આ પ્રયોગ સાવ ગુપ્તપણે મેં અને મારા મિત્રે કર્યો અને સફળ થયો એટલે માળા સાત રૂપિયામાં ખરીદી તેમજ એક સુંદર ડબ્બીમાં ચંદન કેસર આદિના સુગંધી બિછાનામાં તેને સુવાડી. રોજ અમે બંને અથવા છેવટે એકાદ નાહી ધોઈ એ માળાથી અમુક જપ કરીએ અને વિવિધ સિદ્ધિઓની આશા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org