________________
સહજવૃત્તિઓ અને ટેવો • ૨૫ ભણતી વખતે માસ્તર શીખવે તેમાં અગર પાછળથી પાઠ તૈયાર કરવામાં બેદરકારી રાખ્યાનું યાદ નથી. નિશાળ બહારના ગ્રામ્ય જીવનમાં પણ નવું નવું જાણવાની જિજ્ઞાસાને સાચી કે ખોટી રીતે સંતોષવાની તકો સાંપડતી. ચારણભાટો આવે અને ચોરે બેસી જાતજાતની કળામય રીતે વાતો માંડે. શ્રાવણ અને અધિક માસમાં બ્રાહ્મણ-પુરાણી રામાયણ કે મહાભારત ચોરે બેસી વાંચે. અવાર-નવાર અમુક જાણકાર ઠાકરડાઓ કે આગન્તુક બાવા સંન્યાસીઓ તુલસી-રામાયણ વાંચે. ઠાકોર દ્વારા અને ચોરો ઘરની પાસે જ એટલે ત્યાં જઈ એ બધું સાંભળવા ખેંચાતો. જૈન સાધુ-સાધ્વીઓ ચોમાસા સિવાયના દિવસોમાં આવે. અને પાંચ-પંદર દિવસ રોકાય. તેઓ સવારે, બપોરે અને રાત્રે શાસ્ત્ર વાંચે, રાસાઓ ગાય અને ધર્મકથાઓ કરે. સમજણ પડે કે ન પડે છતાં એ સાંભળવા લલચાતો. આ ઉપરાંત ગામ બહાર ધર્મશાળામાં સ્ત્રી-પુરુષોનાં સંમિલિત સમુદાય વડે ગવાતાં કબીરપંથી ભજનો પણ ક્યારેક ક્યારેક લલચાવતાં. કોઈ પણ નાના મોટાં જાહેર પુસ્તકાલયની કે ખાનગી પુસ્તકોની સગવડ ન હોવા છતાં ઉપરના પ્રસંગોમાંથી કાંઈક જિજ્ઞાસા સંતોષાતી.
જિજ્ઞાસા સંતોષવાનો અને રસવૃત્તિ પોષવાનો એક બહુ સરલ તથા સુંદર માર્ગ પણ તે જમાનામાં ગામડાંઓમાં બહુ પ્રેરક અને પ્રચલિત હતો. તે માર્ગ કન્યાઓ અને સ્ત્રીઓના ગરબા તેમ જ ગાણાંઓનો. જાણીતી શેરીએ શેરીએ તરુણ કન્યાઓ અને સ્ત્રીઓ ટોળે વળે. એમાં કેટલીક મેઘાણીના મેઘસ્વરે ગવરાવે અને બીજી ગોળ ફૂદડી ફરતી તેમજ તાલ લેતી લેતી ઝીલે. ગોપીઓની આ રાસલીલામાં ક્યારેક ધૃષ્ટ પુરુષોત્તમ ભળે ત્યારે સ્ત્રીઓમાં નાસાનાસ અને ભાગાભાગનું રમૂજી દયે ઉપસ્થિત થાય. ગરબાઓ અને ગાણાંઓના વિવિધ રાગો, એનું વસ્તુ અને એની તાલબદ્ધતાનું તે વખતે જરા પણ શાસ્ત્રીય જ્ઞાન ન હતું, છતાં આ બધું નેત્ર અને મનને બહુ આલાદક લાગતું. તેમ જ એમાંનું વક્તવ્ય સમજવા મન કાંઈક મથતું પણ ખરું. તેર-ચૌદ વર્ષની ઉંમર લગી આ રીતે જિજ્ઞાસા કાંઈક સંતોષાઈ અને તેથી વધારેય અંશે તો ઉત્તેજાઈ. અંગ્રેજી ભણતરનું આકર્ષણ
મોટાભાઈ વઢવાણ શહેરમાં અંગ્રેજી હાઈસ્કૂલમાં ભણતા. રજામાં આવે ત્યારે તેઓનું ગામડામાં દુર્લભ એવું ચામડાના પટ્ટાનું મોહક દફતર જોવા મળે. રંગ રંગના હોલ્ડરો અને પેન્સિલો હોય. ગામઠી નિશાળમાં નહિ જોયેલી આકર્ષક પાકા પૂંઠાની, લીસા કાગળ ઉપર છપાયેલી ચોપડીઓ હોય. ભાઈનો ડ્રેસ પણ મન ખેંચે. એ બૂટ, એ કોટ, એ ટોપી ગામડામાં સુલભ અને પ્રચલિત નહિ. સુલભ હોય તોય એવો વેશ પહેરીને ચાલતાં શરમાઈ જવું પડે અને ઘર બહાર નીકળવાની ધૃષ્ટતા થઈ શકે જ | નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org