________________
૨૪ • મારું જીવનવૃત્ત પછી પણ ઘણી વાર જાણીતા ઘોડા ઉપર બેસી કોઈના દોર્યા વિના ચલાવ્યે જવાનું યાદ છે.
ઘોડા દોડાવવાની રસવૃત્તિ વધારે વિસ્તરી. ઘરે લેણામાં ઢોરાંઓ આવતાં – એમાં ઘણી વાર વાછડાં, બળદ અને ગાયો પણ હોય. સારાં, પુષ્ટ અને દેખાવડાં હોય એવાં વાછડા-બળદ અને ગાયોને પાણી પાવા જવામાં રસ ન આવતો તેટલો તે નિમિત્તે તેમને દોડાવવામાં અને તેમના ઉપર ચાબખા ચલાવવામાં રસ આવતો. તેમ છતાં ઘોડાબળદના એકા કે ગાડી ચલાવવાની હથોટી ન લીધી. વાંકો રસ્તો આવે કે ઊંચી-નીચી જમીન આવે અગર સામેથી કોઈ વાહન આવે ત્યારે લગામ કે રાશ ઉપર કાબૂ રાખી શક્તો નહિ. આ ઘોડાની સવારીએ ઊંટ પર બેસતો કર્યો. આગળ જતાં તે ઉપયોગી સિદ્ધ થયું. મોસમમાં રોકડ લેવા વઢવાણ જવું હોય ત્યારે પિતાજી મને મોકલવા લાગ્યા. પહેલાં તો એ ઊંચું પ્રાણી માળ જેવું લાગ્યું, પણ પછી કાંઈક ફાવી ગયું. ઊંટની છેલ્લી સવારી અને છેલ્લો ત્યાગ ઊંટની પ્રિય પિતૃભૂમિ મારવાડમાં જ થયો.
ઈ. સ. ૧૯૨૮ના ચોમાસામાં જાલોર (જોધપુર)થી પાછા ફરતાં નસીબે ઊંટ આવ્યું. હું અને મારા સાથી શંભુપ્રસાદ બેઠા તો ખરા; પણ ઉષ્ટ્રરાજનું પ્રલોભન તો બીજું જ હતું. લીંબડા અને પીપરની લીલીછમ કૂંપળ દેખે ને ઊંટ તે ભણી વળે. શંભુપ્રસાદ કાબૂ રાખી શકે નહિ અને ઉષ્ટ્રમહારાજ ઘણી વાર અમારી લેશ પણ પરવા કર્યા સિવાય સીધા ઝાડ નીચેથી જ પસાર થાય, ઝાડની ડાળીઓથી બે-ચાર વાર મોઢું અને છાતી ઘસાયાં. ઝાડ આવે છે. નીચા વળજો એવી સૂચના શંભુપ્રસાદ આપે તે પહેલાં તો તટસ્થ દેવ ઝાડ નીચેથી પસાર થઈ જાય. આ ભયસ્થાન જોઈ તત્કાળ નક્કી કર્યું કે ચાલીને જઈશ, પણ ઊંટ પર નહિ બેસું. ઊંટના માલિકે ઘણું સમજાવ્યો, પણ તે વખતે ઊંટ છોડ્યું તે હજી લગી છોડ્યું જ છે. જિજ્ઞાસા
નિશાળની ચોપડીઓમાં હાથીનું ચિત્ર જોયેલું, પણ હાથી જોવાની તક તો લીમલીમાં હતી જ નહિ. એક વાર એ અજબ પ્રાણી ગામના પાદરમાંથી જાય છે એવા સમાચાર મળતાં જ અમે દૂર દૂર સુધી એને જોવા પાછળ ગયેલા. એનું કદ, એની ચાલ, એની સૂંઢ, એના દાંત અને સતત ક્રિયાશીલ કાનો એ બધું ભારે આકર્ષક હતું; પણ અમારી ચાલ એને પહોંચી વળે તેમ ન હતી એટલે કાંઈક અધૂરે દર્શને જ પાછા ફર્યા, પરંતુ ધરાઈ-ધરાઈને હાથી જોવાની તક તો વિ. સં. ૧૯૫૨ના ઘણું કરી માગશર માસમાં વાંકાનેર જાનમાં ગયો ત્યારે જ મળી. દરબારગઢમાં હાથી આવે, ઊભો રહે, મહાવતના ઇશારાથી સલામ કરે એ સુંદર દર્શન મારા માટે પહેલું અને છેલ્લું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org