________________
સામાજિક નબળાઈઓ ૦ ૩૭ નહિ. અવારનવાર તિજોરી ઉઘાડી દાગીના મૂકે કે કાઢે ત્યારે કદી નહિ જોયેલ એવો સોનાના દાગીનાનો અંબાર નજરે પડે. તે જમાનામાં નોટો નહિ એટલે દુકાનથી રૂપિયાની થેલીઓ ઘરે આવે અને ઘરેથી દુકાને જાય. સુખલાલ ઝપાટાબંધ રૂપિયા ગણી તિજોરીમાં ગોઠવે. વચ્ચે વચ્ચે એક-બે પંચોલા (પાંચ રૂપિયા) ખિસ્સામાં નાંખે. તેમની સાથે હું લગભગ રોજ ઘોડાગાડીમાં બેસી ગામની ચોમેર ફરવા જાઉં. ક્યારેક એ ભોગાવાના પટમાં ઘોડો દોડાવે ત્યારે તેમના ગળાનો હાર અને ઘડિયાળ પહેરી મલકાઉં. ઘણી વાર હું પણ ઘોડાને એ પટમાં દોડાવવા જાઉં. ચોમાસામાં ભોગાવામાં પૂર આવે ત્યારે જોવા દોડું કેમ કે મારા માટે પૂર જોવાની તક ત્યાં જ આવતી. સતી રાણકદેવીની દેરી જોયેલી; પણ જ્યારે તે વખતે નવા બંધાયેલ બાળસિંહ ઠાકોરના મહેલને જોયો ત્યારે એની રચના, ચિત્રો, અને બત્તીઓનો ઝગમગાટ જોઈ અવાક્ થઈ ગયેલો. તે વખતે કયાં ખબર હતી કે આ જીવનમાં આ મહેલને ભુલાવી દે એવા બાદશાહી મહેલો અને ઇમારતો હું કચારેક જોવાનો છું અને દુનિયાની સર્વોત્કૃષ્ટ ઇમારતો વિષેનાં પુસ્તકો ખૂબ રસપૂર્વક વાંચવાનો છું. તે વખતે તો એ બાળસિંહનો મહેલ જ લક્ષ્મીવિલાસ પેલેસ, તાજમહેલ કે પિરામિડ’ હતો.
સુખલાલ અને તેમના મોટાભાઈ મોહનલાલ બંને ધીરલલિત નાયક જેવા હતા. નાટક-ચેટક જોવાં, એશઆરામ માણવો અને મુંબઈથી નવું નવું ફર્નિચર લાવવું એમાં બંને ભાઈઓએ એવી હરીફાઈ આદરી કે મારા દેખતાં જ એમણે પૈતૃક સંપત્તિ લગભગ ખલાસ કરી. આ ઉડાઉગીરીના પરિણામે પણ મને રહેણીકરણીના ધોરણ વિષે વિચાર કરવામાં બહુ મદદ કરી છે.
ટ્રેન સફર
પછીના જીવનમાં મુંબઈ-કલકત્તા મેલ જેવી ટ્રેનોમાં કરેલી સફરોને લીધે પહેલાંના જીવનમાં કરેલ મો૨બી ટ્રેન અને ભાવનગર ટ્રેનની સફરોની મજા દબાઈ ગઈ છે ખરી; પણ એ કાળે એ ટ્રેનોમાં જતાં આવતાં દોડતાં ઝાડોનાં દશ્યો જોવામાં તેમ જ માણસ અને પશુનાં નાનાં કદ નિહાળવામાં અને સ્ટેશન ઉપર પેસેન્જરોની દોડાદોડ જોવામાં તેમ જ ગાંઠિયા-પેંડાનો લલચાવનાર અવાજ સાંભળવામાં અને ઘણી વાર એ ચાખવામાં જે મજા પડતી તે તો પછીના જીવનમાં અશક્ય જ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org