________________
૪૦ • મારું જીવનવૃત્ત
બન્યું એમ કે બહેનની સાસુ વઢવાણથી આવેલાં. બૈરાંઓ મળી એકબીજાનું માથું ઓળે અને વાતો કરે. હું કેટલેક દૂર ખાટ ઉપર જાગતો પડેલો. પેલાં મહેમાન મારાં ભોજાઈને ઉદ્દેશી શિખામણ દેતાં હોય તેમ કહેવા લાગ્યાં કે, દેર એટલે તો દેવ. એની ગાળ એ તો ઘીની નાળ. મનેય મારા દેર આડુંઅવળું સંભળાવે છે; પણ હું તો હસી કાઢું છું. પછી એ મને જ પૂછતા આવે છે. તારો આ દેર તો દેખતો હોત તો પાટું મારી ભોંમાંથી પાણી કાઢત. આંખ ગઈ એ તો કર્મની ગત છે. તું જ ઘરમાં મોટી એટલે તારે જ સહેવું રહ્યું.
ભોજાઈએ કશો જવાબ ન વાળતાં માત્ર ડૂસકાં ભર્યા. મેં દૂર રહ્યાં આ બધું મૂંગે મોઢે સાંભળ્યું, અને એકદમ બ્રહ્મજ્ઞાન થઈ આવ્યું કે દોષ તો મારો જ છે અને છતાં એ મહેમાન બાઈ મને કશું જ ન કહેતાં ઊલટું ભોજાઈને આટલી ગંભીર શિખામણ આપે છે તો એ બાઈ કેવી! અને કેવળ રડીને જ મૂંગો જવાબ આપનાર આ ભોજાઈ કેવી ! બસ. આજ લગી મનમાં ચાલતો વિસંવાદ દૂર થયો અને ત્યારથી ભોજાઈ પ્રત્યેનો અન્યાબ બંધ થયો. બહેનનો સ્નેહ
મોટાં બહેન તો સાસરેથી અવારનવાર આવતાં, પણ આવતાં ત્યારે એ જ રસોઈ બનાવે. પાસે બેસાડી ગરમ ગરમ જમાડે અને કહે કે પહેલી થાળી સવા લાખની, પણ કુમારી નાની બહેન ચંચળ તો ઘેર જ હતી. એ મારાં મોટાં બહેન જેવી ઉગ્ર નહિ, પણ એની મા જેવી તદ્દન શીળા સ્વભાવની અને હસમુખી હતી. મને પાસે બેસી જમાડ્યા વિના એને ચેન પડવું મેં જોયું નથી. મોટાં બહેન વિ. સં. ૧૯૫૭માં ગુજરી ગયાં અને એને જ સ્થાને નાની બહેન ગઈ. પરદેશથી જ્યારે જ્યારે દેશમાં આવું ત્યારે હું ચંચળને મળવા વઢવાણ જાઉં અગર તે લીમલી આવે. તે અતિ ભોળી બહેન લાગણીથી એટલું જ કહે કે ભાઈ, હવે કયાં લગી પરદેશ રહેવું છે? ઘરે અને દેશમાં શું ખોટું છે ? આજે એ બહેન પણ હયાત નથી. મને એક વાતનું દુઃખ રહી ગયું છે કે હું અમદાવાદ હતો છતાંય એની બીમારી વખતે એની પાસે પહોંચી શકેલો નહિ. ઉપાશ્રયમાં જ્ઞાનાર્જન
વિ. સં. ૧૯૫૪ના (ઘણું કરી) શિયાળામાં ગામના શ્રાવકો નવા ઉપાશ્રયને સાધુઓનાં પગલાંથી પવિત્ર બનાવવાના ઉદ્દેશથી રૂગનાથજી મહારાજને વિનંતી કરી લઈ આવ્યા. તેઓ વઢવાણ સ્થાનકવાસી દરિયાપરી ગચ્છના પૂજ્ય હોઈ તે ગચ્છના વડા હતા. તેમની સાથે કેટલાક શિષ્યો હતા. એમાં કેવળજી મહારાજ મુખ્ય હતા અને સૌથી નાના હરખચંદજી મુનિ હતા. એ અત્યારે જીવિત છે. આ સાધુમંડળ મહિનોક રહ્યું હશે. તે દરમિયાન રોજ રાતે કેવળજી મુનિ ધાર્મિક વાતો માંડે અને પોતે તથા બીજાએ બનાવેલ ધર્મપ્રધાન કવિતા ગાય. કંઠ મધુર, કહેણી અને શ્રોતાઓને હસાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org