________________
૩૪ • મારું જીવનવૃત્ત
વાર ખરે બપો૨ે ભોગાવાને સામે કિનારે શૌચ માટે જતો હતો ત્યારે આંખે ઝાંખપનું ભાન થયું. બધું ધોળું ધોળું લાગે. બીજે દિવસે સ્ટેશને ફઈને લેવા ગયો તો તે સામે ઊભાં હોવા છતાં તેમને તત્કાળ ઓળખી શક્યો નહિ. કાકાએ પોસ્ટમાં નાંખવા આપેલ એક પત્રનું ઠેકાણું આંખ ખેંચી ખેંચીને વાંચેલું એમ યાદ છે. આ ઉ૫૨થી મને લાગ્યું કે આંખે ગરમી ચડી હશે. એટલે તે રોજ સાંજે લીમલી પાછા જતા બાપુ સાથે ઘેરથી મોતીના સુરમાની શીશી મંગાવી. સુરમો એકાદ દિવસ આંજ્યો કે ન આંજ્યો તો તાવ ચડ્યો. ખબર પડતાં કાકાએ સાંજે મને ઘોડાગાડીમાં સાથે જ ઘે૨ આવવા લઈ લીધો. ઘેર પહોંચ્યો ત્યારે રાતના આઠેક વાગ્યા હશે. તે જ વખતે કુટુંબમાંના એક ડોશીમાએ જોઈને કહ્યું કે કદાચ છોકરાને માતા નીકળે. સવારે દાણા દેખાયા. ગામમાં પણ માતાના સખત વા હતા. મારી પેઠે બીજાઓને પણ સખત માતા નીકળેલાં. એમાં એકાદ બે મૃત્યુ પણ થયાં હશે. મારાં માતા લાંબાં ચાલ્યાં. માતા દરમિયાન આંખે સ્પષ્ટ દેખાયું હોય તેમ યાદ નથી. હાથ, પગ અને માથામાં તો એવી સ્થિતિ આવેલી કે એની આખી ખોળો ઊખડી ગયેલી. આંખમાં માતાનું જોર અસાધારણ હતું. એક આંખ એટલી બધી ફૂલી કે તેનો સોજો નાકના ટેરવા સુધી પહોંચ્યો અને અસહ્ય દરદને અંતે તેમાંથી ડોળો બહાર નીકળી ગયો. વૈદ્યો અને ડૉક્ટરો જોઈ છક થઈ ગયા. પ્રસિદ્ધ ઝંડુ ભટ્ટના નાના ભાઈ પોપટ વૈધે આવીને કાંઈક ઠંડક માટે અને ડોળો પાછો બેસે તે માટે કાંઈક દવા આપેલી, પણ યાદ છે ત્યાં લગી એનાથી કાંઈ ફેર પડેલો નહિ. કાંઈક આરામ તો તે વખતે આવેલા એક ધોલેરાના વૈશ્ય વૈદ્યની દવાથી થયેલો, પણ એ આંખ તો ગઈ તે ગઈ જ. બીજી આંખે દેખાતું નહિ, પણ સંપૂર્ણ રીતે માતા નમ્યા પછી દેખી શકવાની આશા ગઈ ન હતી. છેવટે એ આશા પણ મોળી પડી. હવે અંધાપાનો કલિયુગ બેસી ગયો હતો. એને નિવારવા માટે સૌ કુટુંબીઓએ ફાવે તેમ માનતાઓ માનવી શરૂ કરી. બીજાઓએ કહ્યાં તેટલાં અને ધ્યાનમાં આવ્યાં તેટલાં બધાં જ નાનાં મોટાં દેવદેવીઓને માનતાથી મનાવી મારી વહારે ધાઈ આવવાનું આહ્વાન શરૂ કર્યું. વૈદ્યો અને ડૉક્ટરોની દવાઓ પણ શરૂ થઈ. તે વખતે આંખના પ્રસિદ્ધ ડૉક્ટર તરીકે ત્રિભુવનદાસ જાણીતા હતા અને જૂનાગઢમાં રહેતા. એમણે કહેવરાવ્યું કે વઢવાણ કેમ્પના ડૉક્ટર ઠાકોરદાસને બતાવી તે અભિપ્રાય આપે તો જૂનાગઢ આવો. ઠાકોરદાસનો અભિપ્રાય અનુકૂળ ન પડ્યો એટલે જૂનાગઢ જવાનું માંડી વાળ્યું, પણ વઢવાણ કેમ્પમાં રહી દવાઓ કરાવવી શરૂ કરી. માનેલી માનતાઓ દેવ-દેવીઓ ચાખી ગયાં કે પૂજારીઓ તે તો તે જ જાણે; પણ કોઈ વહારે આવ્યું નહિ એટલું નક્કી. આશા અનેક મિથ્યા ફાંફાં પણ મરાવતી. એક વાઘરીએ કહ્યું કે એક આંખ તી સુધારવાની જ. મોટાભાઈએ એના માંગ્યા પ્રમાણે પૈસા આપ્યા એટલે એ કાંઈક જંગલમાંથી લઈ આવ્યો. મને લાગે છે કે કદાચ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org