________________
સામાજિક નબળાઈઓ • ૩૩ ન હતું. કાંઈક સમજણ આવતી ગઈ તોય જ્યાં લગી જન્મગત સમાજ ન છોડું ત્યાં લગી મારે માટે ઘર અને દેશમાં એવા સંસ્કારોથી છૂટવાનો કોઈ રસ્તો હોય તેમ અત્યારે પણ દેખાતું નથી. આંખો ગયા પછી કેટલાક કુસંસ્કારો તરફ સૂગ વધતી ચાલ્યાનું યાદ છે. શૌચકર્મ પછી બેત્રણ વાર રાખથી હાથ ધોતો ત્યારે મશ્કરીમાં એક વડીલે ટકોર કર્યાનું પણ યાદ છે કે દુર્ગધ સાથે ચામડી કાઢી ન નાંખતો!
- ઘર અને ગામના સમાજમાં તો ચોખ્ખાઈનો બોધપાઠ આપે અને કડકપણે તેનું પાલન કરાવે એવું કોઈ હતું જ નહિ, પરંતુ જ્યારે કાશી ગયો ત્યારે પણ શરૂઆતનાં ત્રણ વર્ષોમાં એ સંસ્કારોમાં ખાસ ફેર પડ્યો નહિ. જે જૈન પાઠશાળામાં હું હતો ત્યાં જૈન સાધુઓનું એકછત્ર રાજ્ય અને વિદ્યાર્થીઓ પણ મોટે ભાગે ગુજરાત-કાઠિયાવાડના જૈન જ. બે-ચાર બ્રાહ્મણ વિદ્યાર્થીઓ પોતાની વારસાગત ચોખ્ખાઈની વધારે કાળજી રાખવા જતા તો કેટલીક વાર જૈન વિદ્યાર્થીઓ તેમ જ સાધુઓ સાથે તેમને અથડામણીમાં પણ આવવું પડતું. ચોખ્ખાઈ બાબતમાં એ બ્રાહ્મણ વિદ્યાર્થીઓનો પક્ષ અને એમની રીતભાત મને ગમતાં અને એ તરફ મારું આકર્ષણ વધતું જતું હતું, પણ ત્યાંની પરિસ્થિતિમાં જુદી રીતે જીવન ઘડવાનું શકય દેખાતું ન હતું. એ પાઠશાળાથી છૂટો પડી હું કાશીમાં જ જુદો એક સુસંસ્કારી બ્રાહ્મણ કુટુંબ સાથે રહેવા લાગ્યો ત્યારે મારી ટેવોમાં પલટો આવ્યો. તે એટલે લગી કે હવે મારાથી એઠું પાણી કે કોઈનાં એઠાં વાસણમાં આણેલ ચોખ્ખું પાણી સુધ્ધાં પી શકાતું નહિ. દેશમાં આવતો અને ઘેર કે બીજે જ્યાં
જ્યાં જતો ત્યાં જુદું પાણી ભરાવી રાખતો અને ઘણી વાર ઈષ્ટ સગવડ ન મળે ત્યાં લગી તરસ્યો પણ રહેતો. એ જ રીતે બીજા ઘણા આહાર-વિહાર-નિહારને લગતાં સંસ્કારોમાં પાછળથી ફેર પડ્યો છે. તેમ છતાં આજે હું છાતી ઉપર હાથ મૂકી એમ કહેવાનો દાવો નથી કરી શકતો કે હું ચોખ્ખાઈની બાબતમાં દક્ષિણીઓની હરોળમાં બેસી શકીશ. મારે ન્યાય ખાતર અહીં એ પણ કહી દેવું જોઈએ કે ચોખ્ખાઈની બાબતમાં આખો જૈન સમાજ પછાત નથી. ઉત્તર પ્રદેશ અને પૂર્વ દેશના જૈનોની ચોખ્ખાઈની પરંપરા કોઈ પણ બીજા સુસંસ્કારી સમાજથી જરા પણ ઊતરે તેવી નથી. અલબત્ત, મુંબઈ-કલકત્તા જેવાં શહેરોમાં આવી વસેલ કે સંસ્કાર પામેલ એવા ગુજરાતકાઠિયાવાડના જૈનોમાં પણ પહેલાં કરતાં ઘણો ફેર પડ્યો છે. છતાં આ સુધારો હજી ધરમૂળથી અને વ્યાપક રીતે થયો નથી. શીતળા અને વહેમો
વિ. સં. ૧૯૫૩નો ઉનાળો આવ્યો. હોળી પછી ક્યારેક હું ધંધામાં પળોટાવા વઢવાણ કેમ્પની દુકાને ગયો. રૂના ધંધાને લગતા જીનપ્રેસનાં કામોમાં બીજા નોકરો સાથે હું કાંઈ ને કાંઈ સોંપેલું કામ કરતો. કયારેક કાલાં ફોલાવું તો ક્યારેક કપાસ લોઢાવવા અને રૂની ગાંસડી બંધાવવા જીનપ્રેસમાં જઉં. તડકો વધે જતો હતો. એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org