________________
૨૬ • મારું જીવનવૃત્ત
આ વસ્તુઓ અંગ્રેજી ભણતર તરફ આકર્ષતી હતી ખરી; પણ ખરું આકર્ષણ તો ઊંડે ઊંડે બીજું જ હતું. અંગ્રેજીના ચારેય કક્કા લખતાં વાંચતાં આવડે એની ભારે ભૂખ. એમાં લખાયેલ ચોપડીઓ ભાઈ વાંચે તેવી રીતે વાંચવા અને સમજવાનું મન. ચારેક અંગ્રેજી ચોપડી ભણેલ એક કશળસિંહ નામના ગરાસિયાએ કયારેક તૂટીફૂટી અંગ્રેજીમાં એક સાહેબ સાથે બે-ચાર વાક્યોમાં વાત કરેલી જોયેલી તેની છાપ મન ઉપર પડેલી. તેમ જ મૂળી કોરટે ચાલતા અમારા કોઈ ફોજદારી કેસમાં બંને પક્ષના બેરિસ્ટરો એવી ઝપાટાબંધ અંગ્રેજી બોલે છે કે જેથી બિચારો મગનલાલ ન્યાયાધીશ પણ ગભરાય છે – આવી વડીલોના મુખથી સંભળાતી વાતોની અસર – આ બધું મને અંગ્રેજી ભણવા તરફ લલચાવી રહ્યું હતું અને મન કૂદકા મારી રહ્યું હતું કે નિશાળ પૂરી થશે કે વઢવાણ જઈ અંગ્રેજી ભણીશ. આ મનોરથ મારા મનમાં પુષ્ટ થતો જતો હતો, પણ બીજી બાજુ એની વિરુદ્ધ કૌટુંબિક માનસ સર્જાઈ રહ્યું હતું. વાત એવી હતી કે મોટાભાઈ મેટ્રિકમાં નાપાસ થયેલ. એમનું શહેરી ખર્ચાળું જીવન, ધૂળી નિશાળ બહાર નહિ ગયેલ પિતાજીને, વધારે પડતું લાગ્યું હશે. પિતાજી એકલા અને ધંધો પુષ્કળ. કામમાં ભાગ પડાવનાર અંગત કોઈ નહિ, અને મોટાભાઈ તો પિતાજીના ધંધાલાયક તે વખતે હતા જ નહિ. તેમ જ તેમનો સ્વભાવ પિતાજીને બહુ અનુસરવાનો ન હતો એટલે પિતાજીનું મન સહેજે મારી તરફ વળ્યું. એમને પ્રતીતિ થઈ કે સુખલાલ મને મદદગાર થશે. એમની આ વાતની પુષ્ટિ કાકાઓ અને બાપુએ પણ કરી, કારણ કે તે બધાનું કામ હું હોંશે હોંશે કરતો અને મારા મોટાભાઈ તો એમનાથી દૂર રહેતા.
સાતમી ચોપડીમાં પાસ થયો કે મેં પિતાજી પાસે અંગ્રેજી ભણવાની વાત કાઢી; પણ તેમણે અને બીજા બધાએ મને કાંઈક સમજાવીને અને કાંઈક દબાણથી કહી દીધું કે તારા બાપાને બીજું કોણ સહાયક છે? મોટાભાઈ લીલું નહિ કરે અને અંગ્રેજી વિના
ક્યાં કામ અટકે છે ? અમે બધા ક્યાં અંગ્રેજી ભણ્યા છીએ ! ઈત્યાદિ. ભણવાનું મન છતાં ત્યાર બાદ મેં શરમ-ભરમાંથી અને વડીલો પ્રત્યેની પ્રચલિત આમન્યાથી કદી એ વિષે વાત કાઢી જ નહિ અને એ જિજ્ઞાસા ત્યાં જ ગૂંગળાઈ.
નામું, આઢ, જીન અને પ્રેસને લગતાં શરૂઆતનાં કામો સ્વતંત્રપણે કરવા લાગ્યો. અઘરાં તેમ જ આગળનાં કામો અનુભવી અને વડીલોના સહકારથી કરતો. મોટાભાઈના લગ્ન તો પ્રથમ જ થઈ ગયેલાં. મોટીબહેનનાં લગ્ન વિ. સં. ૧૯૫રના માહ સુદિ પાંચમે થયાં. તે વખતે મારાં લગ્ન પણ પતાવી નાંખવાની પિતાજીની અને પિતામહીની ઇચ્છા. સસરા કબૂલ થયા હોત તો, પૂરી જ થઈ હોત અને હું તેમ જ એ કન્યા કાચી ઉંમરે સુવર્ણ જાળમાં જકડાયાં પણ હોત, પરંતુ ભાવિ જુદું જ નિર્માયું હતું એટલે એ વાત તે વખતે લંબાઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org