________________
૩. સહજવૃત્તિઓ અને ટેવો
સહજ વૃત્તિઓ અને ટેવોથી જ જીવન બને છે તેમ જ ઘડાય છે. કાંઈક વધારે સમજણ અને પક્વ અવસ્થા વખતે મારા જીવને જે જે વલણ લીધાં છે તે દેખીતી રીતે કિશોર, કુમાર અને તરુણ અવસ્થાથી ગમે તેટલાં જુદાં પડતાં હોય છતાં અત્યારે વિચાર કરું છું ત્યારે એ બધાં વલણોની અંદર સહજ વૃત્તિઓ અને ટેવોનો ઘણે અંશે સંવાદ જ દેખાય છે. વૃત્તિઓ અને ટેવો
પૂર્વસંસ્કારજન્ય જન્મસિદ્ધ કે વારસાગત સંસ્કારો સહજ વૃત્તિમાં આવે અને પાછળથી કુટુંબ, સમાજ, શાળાશિક્ષણ, સમાગમ અને સાહિત્યમાંથી સંસ્કારો મળે છે તે ટેવમાં આવે. સહજ વૃત્તિઓ અને ટેવોનું એવું રંગબેરંગી તેમજ જટિલ મિશ્રણ થઈ જાય છે કે તે બે વચ્ચેની સીમા, સરળતાથી બાંધી શકાતી નથી. ટેવોનું ચક્ર અજબ રીતે નિરંતર ફર્યા કરે છે. ઘણી કુટેવો સુટેવનું સ્થાન લે છે તો ઘણી સુટેવો કુટેવમાં ફેરવાઈ જાય છે. વળી કુટેવ અને સુટેવની વ્યાખ્યા અનેક રીતે સાપેક્ષ હોવાથી કેટલેક પ્રસંગે અને કેટલીક બાબતોમાં અમુક ટેવને કુટેવ કહેવી કે સુટેવ કહેવી એ પણ સાપેક્ષ બની જાય છે. આમ હોવા છતાં પોતાના જીવન પરત્વે હું પોતે જે કાંઈ જોઈ અને વિચારી શકતો હોઉં તે જ લખવાનું પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિએ હું અહીં કેટલીક સહજ વૃત્તિઓ અને ટેવો વિષે કહેવા ઇચ્છું છું, જેથી આગલા જીવનની ઘટનાઓનો કાંઈક અંશે ખુલાસો થઈ શકે.
જાતમહેનત, કહ્યાગરાપણું, રમતગમત અને સાહસપ્રિયતા તેમ જ જિજ્ઞાસા અને બૌદ્ધિક ભૂખ મુખ્યપણે આ સહજવૃત્તિઓ જીવનમાં પહેલેથી કામ કરતી રહી છે.
જાતમહેનતમાં મને કદી કંટાળો કે ઊતરતાપણું નહિ લાગેલું. ખોરડા ઉપર નળિયાં ચડાવવાં હોય તો દોડીને જઉં. માટીની ભીંતની કે વંડી ચણાતી કે સુધારાતી હોય ત્યારે જાતમહેનતી પિતાજીને કે ઓડને ગારાના પિંડા આપું. વર્ષો લગી ચાલે તેટલું ઘાસ અને અનાજ ભરી રાખવાની પૈતૃક પ્રથા પ્રમાણે વખારોમાં ઘાસ ભરવાનું હોય ત્યારે ટેઢ-ચમારના વાસમાંથી આવતી ઘાસની ગાંસડીઓને તેમ જ ખેડૂતોને ત્યાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org