________________
૨૦ • મારું જીવનવૃત્ત બધાં પહેરેલાં ઘરેણાં તેમ જ વધારાનાં બધાં પિતાજી વઢવાણ શહેર નાની ફઈને ત્યાં મૂકી આવેલા અને આજે જેમ સેફ ડિપોઝિટમાં જોખમ મૂકી હિન્દુ-મુસલમાનના હુલ્લડ પ્રસંગે લોકો શહેરમાં નિરાંત અનુભવે છે તેમ તેઓ એક જાતની નિરાંત અનુભવતા, પણ તે વખતનું સ્મરણીય દશ્ય તો એ યાદ આવે છે કે મુખી ધાડથી બચવાની જાતજાતની તૈયારીઓ ગામ પાસે કરાવતા. ગામની ચોમેર આવેલી કાંટાની વાડને મજબૂત અને ઊંચી કરાવે, છીંડાં પુરાવી જવા-આવવાનો ઝાંપો એક જ રાખે, સાંજે બે પુરવિયાઓ સાથે પોતે ગામની બહાર લટાર મારે, વારાફરતી રજપૂતોને ઝાંપે સુવડાવે, પણ અમે તો રોજ નિત્ય નવી ઊડતી સાચી-ખોટી ધાડ પડ્યાની અફવાઓ સાંભળવા તલપાપડ રહેતા અને સાંભળીને ખૂબ ડરી જતા. એ દિવસોમાં મહોબતસિંહ વગેરે ત્રણ સગા ભાઈઓ સાંજે કાઠિયાવાડી ગરાસિયાના ફાંકડા વેશમાં તલવાર-બંદૂકથી સજ્જ થઈ ગામ બહાર કાંઈક દૂર સુધી જતા. બીજાઓ સાથે હું પણ ડરતાં ડરતાં એમની પાછળ જોવા જતો કે મિયાંણા આવે તો આ શું કરે છે? ક્યારેક એ ભાઈઓ ઝાડે નિશાન બાંધી ગોળીથી વીંધતા. એ જોઈ મને બહુ મજા પડતી. નિશાન આંટવાના એ રસે મને તીર-કામઠું રાખવા પ્રેર્યો. છત્રીના સળિયાનું કામઠું અને ખપાટના તીરો કરી અમે ઝાડે લોટી કે નાળિયેર બાંધી આંટવાની રમત કરતા. પણ મારો ડર કદી ઓછો થયેલો નહિ. જ્યારે સાંભળ્યું કે ચોટીલાના પહાડમાં વાલિયો મરાયો ને મિયાંણા પકડાયા ત્યારે ડર ઓછો થયો. એ જ મહોબતસિંહે થોડાં વર્ષ પછી ચૂડાની સીમમાં ખાઈમાં ભરાઈ બેઠેલ મિયાણાઓને મારવામાં બહાદુરી તેમ જ બુદ્ધિનો પરિચય આપ્યો અને થાણદારની સાધારણ જગ્યાથી ઊંચે ચડી પોલીસખાતાના ઊંચા હોદ્દા સુધી ચડ્યો. હું જ્યારે કાશીથી પાછો ફરે ત્યારે ઘણી વાર એ મળે અને કેટલીક વાતો પૂછે.
આ લખું છું ત્યારે ડોશીમાએ તેમના અનુભવની કહેલ વાત અને તે વખતનું ગામડાનું સંગઠન યાદ આવે છે. ડોશીમા કહેતાં કે ચોથ ઉઘરાવવા ગાયકવાડી ઘોડા આવે. ક્યારેક ગામને લૂંટે તો વાણિયા, બ્રાહ્મણ અને રજપૂતો બધા તલવાર-બંદૂક કે લાકડી લઈ સામે થતા. મરે પણ ખરા અને મારે પણ ખરા. એમ કહી ઘરમાં પડેલ એક જૂની ઢબની બંદૂક અને કાટ ખાધેલ તલવારનું ઠોઠું બતાવતા, પણ આજે આ સ્થિતિ સાવ બદલાયેલી જોઉં છું. કેમ કે લૂંટફાટ વધતાં બચાવનાં કશા જ સાધન અને હિંમતને અભાવે બધા જ વાણિયાઓ ગામ છોડી શહેરમાં આવી ગયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org