________________
૧૮ • મારું જીવનવૃત્ત
કેમ કે તે ન ખાવા પૂરતો જ હતો. એટલે ત્યાર પછી તમાકુ ખાનાર અનેક પંડિતોના પરિચયમાં આવ્યા છતાં અને કાશી જેવા સ્થાનમાં પાંચ પાંચ રૂપિયાની તોલાભાર અતિ સુગંધી તમાકુની ગોળીઓ મળવી સુલભ છતાં કદી એને મોંમાં ન નાંખી, પરંતુ તમાકુ તો વિષ્ણુની પેઠે નાના અવતારો લઈ ઉદ્ઘાર કરવા આવે છે. તમાકુદેવતા છીંકણીનું મોહિની રૂપ ધારણ કરી મારી પાછળ પડી. નિમિત્ત અજ્ઞાનમૂલક હતું. કાશીમાં ભણતો ત્યારે પગારદાર વાચક સાંજ પછી નિયમિત રીતે વાંચવા આવે. હું સાંજે પેટનું ટિફિનબૉક્સ ભરીને જ સાંભળવા બેસતો. અને ન્યાય જેવા વિષયનું સૂક્ષ્મ ચિંતન ઘી અને દૂધના બળે સારી રીતે થઈ શકે એવી પરાપૂર્વની ધારણાથી સાંજે થોડું ઘી પણ પી લેતો. એક બાજુ ચિંતન શરૂ થાય અને બીજી બાજુ ઊંઘદેવતા માથા ઉપર સવારી કરે. જો એ દેવતા ફાવે તો ભણવાનું જ ન બને. અને માણસનો પગાર નકામો જાય. એટલે પંડિતાઉ માર્ગ લીધો. છીંકણી સૂંથું અને ઊંઘનો ભાર કાંઈક હલકો થાય. આ રાહતે છીંકણીનો માર્ગ વધારે મોકળો કર્યો. છીંકણીથી થોડી વાર ઊંઘ દબાય, પણ પાછી એ તો બેવડા વેગથી ધસારો કરે એટલે છીંકણીનું અને સૂંઘવાનું એમ બંને પ્રમાણ વધતાં ચાલ્યાં. આ ઉપાય કૃત્રિમ હતો; પણ મેં બીજાની દેખાદેખીથી સાચા ઉપાય તરીકે જ એનું અવલંબન કરેલું. ન્યાય અને દર્શનશાસ્ત્રના અધ્યયને સાચો ઉપાય પૂરો પાડ્યો ન હતો. આગળ જતાં સમજાયું કે છીંકણી એ ઊંઘ ઉડાડવાનો પૂરો ઉપાય નથી. એનો ખરો ઉપાય તો હલકું અને પરિમિત ભોજન કરવું એ જ છે. આ સમજણ આવ્યા પછી પણ છીંકણીનો ચેપ ચાલુ હતો. એની પુષ્ટિ તો સાધુઓના પરિચયથી થઈ. એક-બે સ્નેહી અને ભલા સાધુઓએ સુગંધી મદ્રાસી છીંકણી આપી અને કહ્યું કે, પંડિતજી સૂંઘોને ! મફત જ મળી રહેશે. એ સુગંધી અને મફતિયા માલે પણ વ્યસનની પુષ્ટિમાં મદદ કરી. ઈ. સ. ૧૯૨૧માં અમદાવાદની કૉંગ્રેસની પ્રસિદ્ધ બેઠકના દિવસોમાં બીજા મિત્રોની પેઠે કાકા કાલેલકર પણ મારી પાસે અક્ષપાદના ન્યાયસૂત્રો વાંચતા. એમની સમક્ષ છીંકણી સૂંઘતાં શરમ તો ઘણી આવે, પણ ટેવને બળે સૂંઘાઈ જાય એટલે મનમાં છીંકણી પ્રત્યે અણગમો તો હતો જ. દરમિયાન એક રાતે છીંકણી કાંઈક વધારે સૂંઘતાં ચક્કર આવ્યાં. આથી ચિડાઈ મેં ડબ્બીને ખૂબ જોરથી ફેંકી દીધી, પણ એ મોહિની ખરે જ મોહિની હતી. તેથી વળી પાછી પાછળ પડી. પણ એની ઘૃણા તેમ જ પરિણામોનો વિચાર વધ્યે જ જતાં હતાં. છેવટે ૧૯૨૫માં બળવાન સંકલ્પે એનો ત્યાગ કરાવ્યો તે આજ સુધી કાયમ છે.
ખરી રીતે તમાકુ ખાવાના અનુભવેલા દુષ્પરિણામ પછી જ એના વિવિધ સેવનના પરિણામ વિષે વિચારો આવવા જોઈતા હતા, પણ અપક્વ માનસ અને એકાંગી શિક્ષણવાળા જીવનમાં એ આશા વધારે પડતી કહેવાય. તેથી જ એક વાર તમાકુના સેવન વિષે ભારે ભૂલ કરી બેઠો. હવે તો ઉંમર લગભગ પાંત્રીસની હતી. કાશીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org