________________
- ૨. નિશાળનું જીવન
નિશાળનું જીવન
નિશાળે બેસવાની ઘટના હજીયે યાદ છે. કવિતા ગાતા વિદ્યાર્થીઓની વચ્ચે કિનખાબની ડગલી પહેરી અને માથે ઝિંકથી ભરેલી ટોપી ઓઢી માસ્તરની આગેવાનીમાં નિશાળે ગયેલો. ત્યાં ગોળ, પતાસાં કે એવું કાંઈક વહેંચવામાં આવેલું, અને માસ્તરને ત્યાં લાડુ માટે પૂરતું સીધું આપવામાં આવેલું.
નિશાળની કેટલીક ખાસ બાબતો નોંધું છું, જેની અત્યાર લગી સ્મૃતિ ઉપર ઊંડી અસર છે અને જે નવયુગથી જૂના યુગને તેમજ શહેરી જીવનથી ગ્રામ્ય જીવનને જુદાં પાડે છે. લાકડાનું પાટિયું, ખડી અને વતરણું અક્ષરો ઘૂંટવા તેમજ સુધારવામાં વપરાતાં. આંક શીખવા અને મોંફાટ લેવા ઉપર બહુ ભાર અપાતો. તે એટલે સુધી કે નિશાળથી છૂટ્યા પછી પણ રાતે દુકાને વડીલો આંખમાં ઊંઘ ભરી હોય છતાં મોંપાઠ રોજ નિયમિત લેવડાવે અને આંકના સવાલો પૂછે. આગળ જતાં છોકરાઓ ટોળે વળે અને ગામનાં મોટેરાંઓ પણ એમાં ભળે. જેમ આંકમાંથી સવાલ પુછાય તેમ જાતજાતના હિસાબ અને પલાખાં પણ પુછાય. અત્યાક્ષરીની હરીફાઈની પેઠે એ સવાલો અને પલાખાંઓના ઝડપી તેમજ સાચા જવાબ આપવાની હરીફાઈ નિશાળમાં તેમજ રાતે બજારમાં ચાલે. આને લીધે હું ગણિતમાં અને હિસાબ-કિતાબમાં ઠીકઠીક તૈયાર થયેલો. ઉપલા વર્ગોમાં કયારેય મેં ગણિતમાં ઓછા ગુણ મેળવ્યા હોય એવું યાદ નથી. વારોવારિયું અને ચક્રવૃદ્ધિ વ્યાજ ગણતો ત્યારે વર્ગના બીજા સાથીઓ મારી જ પાટીમાં જોઈ લખી લેતા. શરૂઆતમાં ખડીથી અને પાછળથી શાહીથી કોપી લખવાની પણ હથોટી બેસી ગયેલી. એને લીધે મારા અક્ષરોનો વળાંક એટલો સારો થયેલો કે પિતાજી અને બીજા વડીલો મને બોલાવી ચોપડામાં નામું લખાવે અને મારી પાસે કાગળો પણ લખાવે. ચોપડીઓ સાચવવાની અને તેને શણગારવાની ટેવ નાનપણથી જ પડેલી. પહેલી ચોપડીમાં પાસ થયા પછી તે ચોપડી તેવી ને તેવી નવી જેવી સચવાયાનું આજે પણ યાદ છે. જ્યાં ત્યાંથી કપડાંના થાન ઉપરની છાપો મેળવવી અને પછી કાગળના કે કપડાનાં, હાથે સીવી પૂઠાં ચડાવવાં અને છાપો ચોડી દફતરમાં ચોપડીઓ એવી રીતે રાખવી કે મેલી ન થાય. આ ટેવો કોની દેખાદેખીથી પડી હશે તે યાદ નથી, પણ બરાબર પડેલી તે યાદ છે. આમ છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org