Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
પ્રેરણા સૂર જ્ઞાન ત્રણ પ્રકારે પ્રાપ્ત થાય છે. ૧. અનુભવથી – અવલોકનો દ્વારા, ૨. તર્ક અર્થાત્ ચિન્તન દ્વારા, ૩. આંતરસ્કૂરણા દ્વારા અર્થાત્ આત્મ પ્રત્યક્ષ. અવલોકનો દ્વારા પ્રાપ્ત અર્થાત્ ચાક્ષુષ પ્રત્યક્ષ અથવા ઇન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન ક્યારેક ભ્રામક પણ હોઈ શકે છે. અર્થાત્ તે નિરપેક્ષ સત્ય (absolute truth) ન હોતાં, સાપેક્ષ સત્ય (relative truth) જ હોય છે. તો બીજી તરફ તર્ક/ચિન્તન દ્વારા પ્રાપ્ત જ્ઞાન બુદ્ધિનો વિષય છે અને તેની પણ મર્યાદા હોય છે. કેટલુંક અનુભવજ્ઞાન અને સઘળુંય આત્મપ્રત્યક્ષ જ્ઞાન ક્યારેય બુદ્ધિનો વિષય બની શકતું નથી. તે હંમેશા તર્ક/બુદ્ધિથી પર જ હોય છે.
તર્ક અર્થાત્ ચિન્તન દ્વારા પ્રસ્થાપિત સિદ્ધાંતો અનુભવ-અવલોકનોની કસોટીએ પાર ઊતરે પછી જ તે વિજ્ઞાનમાં સ્થાન પામે છે. જ્યારે આંતરસ્કૂરણા દ્વારા પ્રાપ્ત આત્મપ્રત્યક્ષ જ્ઞાનને આવી કોઈ ચકાસણીની આવશ્યકતા રહેતી નથી. અલબત્ત, આંતરસ્કુરણાથી પ્રાપ્ત જ્ઞાન, એ વ્યક્તિ માટે કે સમગ્ર સમાજ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ હોવા છતાં અને સમાજનો અધિકાંશ વર્ગ એને માન્યતા આપતો હોવા છતાં એ જ્ઞાનને વિજ્ઞાનમાં કોઈ સ્થાન હોતું નથી. પણ આટલા માત્રથી આંતરસ્કુરણાથી પ્રાપ્ત જ્ઞાનનું મહત્ત્વ જરાય ઘટતું નથી. તેમાંય જીવનના અંતિમ તબક્કામાં કે જીવનના કટોકટીભર્યા પ્રસંગોએ, જ્યાં વિજ્ઞાન પણ પોતાના હાથ હેઠા મૂકી દે છે એ તબક્કે આ આધ્યાત્મિક જ્ઞાન જ જીવનનું અમૃત બની રહે છે.
ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળના મહાન આધ્યાત્મિક પુરુષોએ પોતાની યોગસાધના ધ્યાનસાધના દ્વારા કરેલ કર્મોના ક્ષયથી, તેઓને પ્રાપ્ત જ્ઞાનનું શબ્દોમાં નિરૂપણ કરેલ છે અર્થાત્ આંતરસ્કુરણાથી પ્રાપ્ત આત્મપ્રત્યક્ષ જ્ઞાનને યથાશક્ય તેઓએ શાસ્ત્રોમાં બતાવેલ છે. અલબત્ત, તે પણ સંપૂર્ણ સત્ય ન હોતાં, માત્ર સત્યનો મર્યાદિત અંશ જ હોય છે. કારણ કે સંપૂર્ણ સત્ય તો ખુદ તીર્થંકર પરમાત્મા પણ કહી શકતા નથી કેમ કે તેઓનું આયુષ્ય મર્યાદિત હોય છે અર્થાત્ સમય અલ્પ હોય છે અને નિરૂપણ કરવાના પદાર્થો અનંતા હોય છે તથા વાણીમાં અનુક્રમથી જ પદાર્થોનું નિરૂપણ કરી શકાય છે.
જૈનદર્શનનાં ધર્મગ્રંથો/આગમોના પ્રણેતા, જેઓને કેવળજ્ઞાન સ્વરૂપ આત્મપ્રત્યક્ષ જ્ઞાન દ્વારા ત્રણે લોકના ત્રણે કાળના સર્વ દ્રવ્યોના બધા જ પર્યાયો/રૂપાંતરો(phases)નું હસ્તામલક્વત્ (હથેળીમાં રહેલ નિર્મળ જળની માફક) પ્રત્યક્ષ થયેલ છે, તે તીર્થંકર પરમાત્માઓ છે.
ભારતીય સંસ્કૃતિના પ્રાચીનતમ પ્રવાહ સ્વરૂપ જૈનદર્શનનાં આ પ્રાચીન ગ્રંથોમાં ઘણા ઘણા વૈજ્ઞાનિક સિદ્ધાંતો છુપાયેલા છે. આજના જમાનામાં, નવી પેઢી સમક્ષ આધુનિક ગણિત અને વૈજ્ઞાનિક સાધનો દ્વારા આ સિદ્ધાંતોનું નિરૂપણ કરવું અત્યાવશ્યક છે.
અલબત્ત, આ કાર્ય આપણે ધારીએ છીએ તેટલું સરળ નથી અને કોઈ પણ એક વ્યક્તિ એ માટે સમર્થ પણ બની શકે નહિ. આમ છતાં, આ ગ્રંથમાં મેં મારા પ્રાચીન જૈન આગમ તથા અન્ય ગ્રંથોના અધ્યયન દરમ્યાન પ્રાપ્ત વૈજ્ઞાનિક તથ્યોનું નિરૂપણ કરવાનું સાહસ કર્યું છે.
જૈન મુનિ હોવાના કારણે, અમારે ઘણાં બંધનો/મર્યાદાઓ છે. તેથી કોઈ પણ પ્રકારના પ્રયોગો અમે કરી શકતા નથી. આથી આ ગ્રંથમાં દર્શાવેલા નિયમોની પ્રાયોગિક ચકાસણી કરવામાં આવી નથી. કુદરતી ઘટનાઓ અને સામાજિક અનુભવોના પૃથક્કરણના આધારે આ નિયમોની તારવણી કરવામાં આવી છે એટલે વાચકોએ એ ધ્યાનમાં રાખવાનું છે કે અહીં
19
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org