________________
૧૨૭
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૭ / સૂત્ર-૯ સેવન કરે છે તેઓને ધર્મના સેવનકાળમાં સૂત્ર-૩-૪ અને ૫માં કહ્યું એવા ફળની પ્રાપ્તિ તત્કાલ થાય છે અને સૂત્ર-કમાં કહ્યું “પરંપરા ફળની પ્રાપ્તિ થાય છે;” તેમાં પ્રથમ દેવભવની પ્રાપ્તિરૂપ સુગતિ પ્રાપ્ત થાય છે. તે દેવભવમાં તેઓને કેવું ઉત્તમ સુખ હોય છે તેનું વર્ણન સૂત્ર-૭માં કરેલ તે પ્રમાણે તે મહાત્માઓ દેવભવમાં પણ વિશિષ્ટ પ્રકારના ધર્મને સેવીને ધર્મને અનુકૂળ મહાસંચિત વીર્યવાળા થાય છે, તેથી ત્યાંથી અવ્યા પછી ઉત્તરમાં કેવા મનુષ્યભવને પામે છે ? તે પ્રસ્તુત સૂત્રમાં બતાવે છે –
તેવા જીવો વિશિષ્ટ દેશમાં જન્મે છે, જે દેશ વિશિષ્ટ ઉત્તમતાનું કારણ બને છે. વળી, તેવા જીવો સુષમાદુ:ષમાદિ આરામાં જન્મે છે, તેથી જ્યાં સુષમાદુઃષમાદિ આરો ન હોય તેવા ભરતાદિમાં જન્મતા નથી પરંતુ ભરતાદિમાં પણ સુષમાદુઃષમાદિ આરો હોય ત્યારે જ જન્મે છે અને શેષ કાળમાં ભરતાદિમાં જન્મતા નથી, પણ મહાવિદેહમાં જન્મે છે. વળી, ક્વચિત્ પાંચમા આરામાં ભરતાદિમાં જન્મે છે તેઓનું તેવા પ્રકારનું પુણ્ય કંઈક ન્યૂન છે.
વળી, ઉત્તમ ધર્મ સેવીને દેવભવમાંથી આવેલા તે મહાત્મા ફીત મહાકુલમાં જન્મે છે=જે કુળમાં પરિવાર સ્વજન આદિ ઉત્તમ પ્રકૃતિવાળા હોય, જે કુળની પરંપરામાં પ્રાયઃ સર્વ જીવો યોગમાર્ગની સાધના કરનારા હોય તેવા ઉચ્ચ કુળમાં જન્મે છે જેથી તે કુળની ઉત્તમ પ્રકૃતિ પણ તેમને મહાત્મા બનવામાં સહાયક બને છે.
વળી, તે કુળમાં પિતા, પિતામહની પરંપરા પણ અસદ્ આચારના કલંકથી રહિત હોય છે, તેથી પોતાના પૂર્વજોના સદાચારના સંસ્કારોની પ્રાપ્તિ સહજ રીતે થાય છે.
વળી, તે મહાત્માઓ દેવ-ગુરુ-સ્વજનાદિ સાથે ઉચિત પ્રવૃત્તિ કરાવે તેવા ઉચિત સદાચારો યુક્ત કુળમાં જન્મે છે, જેથી ત્યાં જન્મેલા મહાત્માને ઉત્કૃષ્ટ સદાચારની પ્રાપ્તિ તે કુળના કારણે થાય છે.
વળી, તે મહાત્માને એવું ઉત્તમ કુળ મળે છે જે ઉત્તમ કુળનાં દૃષ્ટાંતો શાસ્ત્રકારોએ આપેલાં હોય. જેમ તીર્થકર આદિમાં ઉત્તમ કુળનાં દષ્ટાંતો શાસ્ત્ર આપ્યાં છે તે ઉત્તમકુળમાં જ મહાત્માઓ જન્મે છે.
વળી, તે મહાત્મા જે કુળમાં જન્મે છે તે કુળમાં તેમનો જન્મ અનેક સ્વજન-પરજન આદિ પરિવારોના મનોરથોને પૂરનારો અને અત્યંત નિરવદ્ય જન્મ થાય છે.
આશય એ છે કે તેવો જીવ જે કુળમાં જાય તેના જન્મતા પૂર્વે જ તે કુળની બધા પ્રકારની વૃદ્ધિ થવા લાગે. જેમ વીર ભગવાન જન્મ્યા તેના પૂર્વે જ તેમના માતાપિતાની ધનધાન્યાદિની સર્વ પ્રકારે વૃદ્ધિ થઈ, તેથી સર્વ કુટુંબના મનોરથોને પૂર્ણ કરનાર ભગવાન થયા તેમ આ મહાત્મા પણ બધાના મનોરથોને પૂર્ણ કરનાર બને છે.
વળી, તેમનો જન્મ પણ શુભ ગ્રહ, શુભલગ્ન આદિ સર્વ વિશેષતાઓથી યુક્ત હોય છે, તેથી એકાંતથી સર્વ દોષ રહિત હોય છે, જેના કારણે શારીરિક આદિ સર્વ સુખોની પ્રાપ્તિ થાય છે. I૯૪પશા