________________
૧૩૧
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૧ છે, એમ અવાય છે. અને ઉદાર=અતિતીવ્ર ઔદાર્યવાળો માના પરિણામરૂપ આશય છે. અસાધારણ વિષયો છે=બીજા જીવોને ન મળ્યા હોય તેવા શાલિભદ્રની જેમ શબ્દાદિ વિષયો છે. અત્યંત અભિવૃંગરૂપ સંક્લેશથી રહિત વિષયો છે. પરના ઉપતાપથી રહિત એવા વિષયો છે. અમંગુલ અવસાતવાળા વિષયો છે=પથ્થભોજનની જેમ સુંદર પરિણામવાળા વિષયો છે. ll૧૧/૪૫૪ ભાવાર્થ
જે મહાત્માઓ પોતાની ભૂમિકા અનુસાર શુદ્ધધર્મને સેવીને દેવભવમાં જાય છે ત્યાં પણ ધર્મને અનુકૂળ વિશિષ્ટ શક્તિ સંચય કરીને મનુષ્યભવને પામે છે ત્યારે ઉત્તમ કુળ આદિમાં જન્મે છે અને ત્યાં તેવા પ્રકારનું સુંદર રૂપ આદિ પ્રાપ્ત થાય છે તે સૂત્ર-૧૦માં બતાવ્યું.
હવે તે મહાત્માઓની ધર્મને અનુકૂળ ઉત્તમ પ્રકૃતિ કેવી હોય છે ? તે બતાવે છે – તે મહાત્માઓએ પૂર્વભવમાં સમ્યગુ ધર્મ સેવેલો હોવાથી આ ભવમાં ગુણોના પક્ષપાતી બને છે. વળી, પ્રકૃતિથી જ અનુચિત આચારો પ્રત્યે તેઓને ભય વર્તે છે, તેથી પ્રાયઃ તે જીવો ઉચિત આચરણા કરનારા હોય છે. વળી, ભૂતકાળમાં સેવેલા ધર્મના કારણે પ્રાપ્ત થયેલા ઉત્તમ પુણ્યથી તેઓને કલ્યાણનું પ્રબળ કારણ બને તેવા કલ્યાણમિત્રનો યોગ થાય છે. વળી, પ્રકૃતિથી જ સદાચારવાળા ઉત્તમ પુરુષોની કથાનું શ્રવણ કરવામાં તેઓને રસ હોય છે, તેથી તે કથાઓનું શ્રવણ કરીને તેઓ મોક્ષમાર્ગને અનુકૂળ માર્ગાનુસારી બોધ પ્રાપ્ત કરે છે.
વળી, ગૃહસ્થ અવસ્થામાં હોય ત્યારે ધર્મ, અર્થ અને કામનાં સર્વ કૃત્યોને અનુકૂળ ઉચિત વસ્તુની તેઓને પ્રાપ્તિ થાય છે જે ઉચિત વસ્તુ કેવી છે ? તે બતાવે છે –
જીવોના હિતનું કારણ બને તેવી ત્રણે પુરુષાર્થની સામગ્રી તેઓને પ્રાપ્ત થાય છે. વળી, માતા-પિતા આદિને પરિતોષનું કારણ બને તેવી ત્રણે પુરુષાર્થની સામગ્રી પ્રાપ્ત થાય છે. વળી, તેઓની ઉત્તમ સામગ્રી ગુણાંતરની વૃદ્ધિનું કારણ બને છે. આથી જ આવા જીવો પ્રાપ્ત થયેલા ધન દ્વારા ઉત્તમ કૃત્યો કરીને સ્વપરનું કલ્યાણ કરે છે.
વળી, તેઓને પ્રાપ્ત થયેલી ઉત્તમ સામગ્રી ઘણા યોગ્ય જીવોને દૃષ્ટાંતરૂપ બને છે. અર્થાતું મહાત્માઓ તેઓનું દષ્ટાંત આપીને કહે છે કે આ જીવોએ ભૂતકાળમાં કેવો સુંદર ધર્મ કર્યો છે તેનું તેઓ સાક્ષાત્ દષ્ટાંત છે. જેથી વર્તમાનના ભવમાં પણ સર્વ ઉત્તમ સામગ્રીથી યુક્ત મનુષ્યભવ તેમને પ્રાપ્ત થયેલ હોવા છતાં ધર્મપ્રધાન થઈને તેઓ જીવે છે.
વળી, આવા મહાત્માઓ ઉદાર આશયવાળા હોય છે. તેઓને ભોગસામગ્રી પણ શાલિભદ્રની જેમ અન્ય સર્વ કરતાં અસાધારણ પ્રાપ્ત થઈ હોય છે. વળી, તે ભોગકાળમાં પણ તેઓને સંક્લેશ થતો નથી; કેમ કે તેમને ભોગમાં અત્યંત રાગ નથી પણ તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ છે. વળી, તેઓના ભોગો બીજા જીવોને ઉપતાપ કરનારા નથી; કેમ કે તેઓ દયાળુ સ્વભાવવાળા હોવાથી વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરનારા હોય છે.