________________
૨૪૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮ | શ્લોક-૧ આ પ્રમાણે શ્રી મુનિચંદ્રસૂરિજી દ્વારા વિરચિત ધર્મબિન્દુ પ્રકરણની વૃત્તિમાં વિશેષથી ધર્મફલની વિધિ નામનો આઠમો અધ્યાય સમાપ્ત થયો. ભાવાર્થ:
સપ્લાનરૂપી અગ્નિ દ્વારા સર્વ કર્મોને બાળીને મુક્ત થયેલો જીવ શ્લોક-પમાં કહ્યું તેમ સિદ્ધશિલા ઉપર પરમપદને પ્રાપ્ત કરે છે અને તે સ્થાનને પ્રાપ્ત કર્યા પછી તે આત્મા શાશ્વતા ત્યાં જ રહે છે, પરંતુ સંસારી જીવોની જેમ અન્ય અન્ય ગતિમાં ગમન કરતા નથી.
વળી, સંસારી જીવોને શારીરિક અને માનસિક બાધાકૃત જે દુઃખો છે તે દુઃખોનો વિરહ સિદ્ધના જીવોને છે; કેમ કે શરીરની અને મનની બાધાની પ્રાપ્તિનાં કારણભૂત શરીર અને મનનો જ અભાવ છે. તેથી સંસારી જીવોને જે શારીરિક અને માનસિક યાતનાકૃત દુઃખ વર્તે છે તે કોઈ પ્રકારનું દુઃખ સિદ્ધના જીવોને નથી. તેથી સિદ્ધના જીવોને અત્યંત સુખ હોવાથી આત્યંતિક સુખ છે તેઓનું સુખ સદાકાળ રહેવાનું છે અને લેશ પણ દુ:ખના સંગ વગરનું સુખ હોવાથી એકાંતિક સુખ છે. જ્યારે સંસારવર્તી જીવોને જે કાંઈ સુખ પ્રાપ્ત થાય છે તે સદા રહેતું નથી. તેથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવોનું સુખ શ્રમ આદિ દુઃખથી આવિષ્ટ હોવાથી એકાંતે સુખ નથી અને સદા રહેનાર નહિ હોવાથી આત્યંતિક નથી, જ્યારે સિદ્ધના જીવોને આત્યંતિક અને એકાંતિક સુખ છે. વળી, તે સિદ્ધના જીવો મન-વચન અને કાયાના વ્યાપારથી રહિત છે, તેથી અયોગવાળા છે માટે યોગકૃત કદર્થના નથી.
વળી, તે સિદ્ધના જીવો યોગીઓમાં ઇન્દ્ર એવા તીર્થકરો અને ગણધરો આદિથી વંદ્ય છે; કેમ કે તે યોગીઓને પણ પ્રાપ્તવ્ય સિદ્ધનું સ્વરૂપ જ છે.
વળી, સિદ્ધના જીવો ત્રણ જગતના ઈશ્વર છે, કેમ કે દ્રવ્યથી લોકના સૌથી ઉપરના ભાગમાં રહેલા છે માટે સર્વ જીવો કરતાં શ્રેષ્ઠ સ્થાનમાં રહેલા છે અને ભાવથી સર્વ ઉપદ્રવ વગરની અવસ્થાવાળા છે તેથી સર્વ જીવો કરતાં શ્રેષ્ઠ છે. માટે ત્રણ જગતના જીવોના પરમેશ્વર છે અથવા ત્રણ જગતના જીવો તેમના જ્ઞાનની મર્યાદાનું ઉલ્લંઘન કરીને પ્રવર્તતા નથી તેથી ત્રણ જગતના પરમેશ્વર છે.
ધર્મસેવનનું અંતિમ ફળ એ જીવ માટે સિદ્ધ અવસ્થા છે, આનાથી ધર્મનું અન્ય કોઈ શ્રેષ્ઠ ફળ નથી. માટે પૂર્ણ સુખના અર્થી જીવે ધર્મનું પારમાર્થિક સ્વરૂપ પ્રસ્તુત ગ્રંથમાં બતાવ્યું તેને સર્વ ઉદ્યમથી સમ્યફ જાણવા યત્ન કરવો જોઈએ અને તેને જાણ્યા પછી તે સ્થિર પરિચિત કરવું જોઈએ અને સ્થિર પરિચિત કર્યા પછી અપ્રમાદ ભાવથી સ્વભૂમિકા અનુસાર તે ધર્મને સેવવો જોઈએ; જેથી સમ્યગુ સેવાયેલો ધર્મ ઉત્તર ઉત્તર વૃદ્ધિ પામીને ધર્મના અંતિમ ફળનું અવશ્ય કારણ બને છે. કા
ટીકાકારે પ્રસ્તુત ટીકા કયા પ્રયોજનથી લખી છે? તે સ્પષ્ટ કરે છે –