________________
૧૦ - મનુષ્યભવની દુર્લભતામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[દશદેણંત લક્ષ્ય તરફ રાખેલા બાણ વડે ચક્રોના આંતરાથી પૂતળીની ડાબી આંખને વીંધે. જેવી રીતે આ અતિશય દુષ્કર છે તેવી રીતે મનુષ્યજન્મ દુર્લભ છે.
(૮) ચર્મ- અહીં ચર્મશબ્દથી મહાન સરોવરની ઉપર રહેલી ઘણી અને અતિશય ઘટ્ટ શેવાળ અભિપ્રેત છે. તેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે–પથ્થરના સમૂહ જેવા ઘટ્ટ શેવાળથી સર્વત્ર ઢંકાયેલા અને લાખયોજન પ્રમાણ વિશાળ સરોવરમાં કાચબો રહેતો હતો. સો સો વર્ષ વીતતાં ડોકને વિસ્તારતો હતો. હવે કોઈવાર કોઈક રીતે શેવાળમાં છિદ્ર પડ્યું. પૂનમની રાતે ડોકને વિસ્તારતા તેણે કોઈપણ રીતે છિદ્રથી ચંદ્રની જયોસ્નાથી સફેદ ગગનના સંપૂર્ણ આંગણાને જોયું. પણ પૂર્વે નહિ જોયેલા તેને જોઈને વિસ્મય પામેલો અને સ્નેહથી મૂઢહૃદયવાળો તે ત્યાંથી નીકળીને જાતે જ સ્વજનોની પાસે ગયો. તમે આવો. તમને અપૂર્વ બતાવું એમ કહીને સ્વજનોની સાથે જેટલામાં ત્યાં આવે છે તેટલામાં તે છિદ્રને જોતો નથી. સરોવર વિશાળ હતું અને પવનથી છિદ્ર પૂરાઈ ગયું હતું. બધી તરફ ભમતો પણ આ કાચબો તે છિદ્રને ક્યાંથી પામે ? પછી તે કરુણ પ્રલાપ કરવા લાગ્યો અને પોતાના સ્નેહને નિંદવા લાગ્યો. પશ્ચાત્તાપથી વ્યાપ્ત અને ઉદ્વિગ્ન બનેલો તે સર્વત્ર ભમવા લાગ્યો. આ પ્રમાણે સ્વજનના સ્નેહથી બંધાયેલા જીવો મનુષ્યજન્મને હારીને દુર્ગતિમાં જાય છે, અને ત્યાં વિલાપ કરે છે. કોઈપણ રીતે ફરી મનુષ્યજન્મ પ્રાપ્ત થતો નથી.
(૯) યુગ-યુગ ગાડાનું પ્રસિદ્ધ ઉપકરણ છે. યુગ એટલે ગાડાની ધોંસરી. તેને બે બળદોની ખાંધ ઉપર રાખીને બળદોને ગાડામાં જોડે છે.) તેનું ઉદાહરણ આ પ્રમાણે છેસમુદ્રના પશ્ચિમના છેડે સમિલા (= ધોંસરીમાં નાખવાની લાકડાની ખીલી) નાખી અને ધોંસરી પૂર્વના છેડે નાખી. અતિશય ભમતી પણ સમિલા શું ધોંસરીના છિદ્રમાં કોઈપણ રીતે પ્રવેશ કરે ? પ્રચંડ પવનથી ઉછળેલા તરંગોથી હડસાયેલી સમિલા કદાચ ધોંસરીના છિદ્રમાં પ્રવેશ કરે, પણ મનુષ્ય જન્મથી ભ્રષ્ટ થયેલો જીવ ફરી મનુષ્ય જન્મને પામતો નથી.
(૧૦) પરમાણુ- પરમાણુનું દૃષ્ટાંત આ પ્રમાણે છે- દેવે મોટા થાંભલાને તોડીને પરમાણુ જેટલા ટુકડા કર્યા. તે ટુકડાઓને નળીમાં નાખ્યા. મેરુપર્વતના શિખર ઉપર ચડીને ફૂંકીને તે ટુકડા દિશાઓમાં નાખ્યા. શું તે જ પુદ્ગલોથી ફરી થાંભલો કોઈ કરે ? જોકે દેવ આદિના સાંનિધ્યથી કોઈપણ રીતે સ્તંભ કરવા માટે સમર્થ થવાય, તો પણ જેમણે સુકૃત કર્યા નથી તેવા જીવોને મનુષ્ય જન્મ મળતો નથી.
આ પ્રમાણે મનુષ્યજન્મની દુર્લભતાને જણાવનારાં શાસ્ત્ર પ્રસિદ્ધ આ દશ દૃષ્ટાંતો છે. પ્રશ્ન- આ પ્રમાણે મનુષ્યજન્મ અતિ દુર્લભ છે એવું પ્રતિપાદન શા માટે કરવામાં આવે છે?
ઉત્તર- કારણને બરોબર સાંભળ. સર્વજીવો સર્વપ્રથમ અનંત પુદ્ગલપરાવર્ત સુધી સ્થાવરપણે અવ્યવહાર નિગોદમાં રહે છે. તેમાંથી પણ નીકળેલા જીવો અનંતકાળ સુધી