Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
11
નાખવા માટે સતત મચ્યા રહેવું, એ જેનું સાધ્ય છે તે નિગ્રંથતા વીતરાગતાની સગીબહેન છે-બહેનપણી છે. એવી નિગ્રંથતાને વારેલા મહાપુરુષો પ્રત્યે શ્રદ્ધા Respect for the Spiritual Heroes (Masters)' વીતરાગતાની ભક્તિનું જ એક પ્રતીક છે. વીતરાગ ઉપરનો ભક્તિભાવ એ જેમ દોષોનો દાહક અને ગુણોનો ઉત્તેજક છે, તેમ નિગ્રંથ ઉપરનો ભક્તિભાવ પણ દોષદાહક અને ગુણોત્તેજક છે. શ્રુત-ચારિત્રધર્મ
શ્રી જૈનશાસનમાં શ્રદ્ધેય તરીકે પહેલો નંબર વીતરાગનો અને બીજો નંબર નિગ્રંથનો છે, તેમ ત્રીજો નંબર વીતરાગે કહેલા અને નિગ્રંથે પાળેલા શ્રુતધર્મ અને ચારિત્રધર્મનો આવે છે.
શ્રુતધર્મની શ્રદ્ધા એટલે વીતરાગના વચન સ્વરૂપ શાસ્ત્ર બતાવેલા પદાર્થો અને તત્ત્વો ઉપરનો વિશ્વાસ ‘જીવાદિક દ્રવ્યો અને મોક્ષાદિક તત્ત્વોનું નિરૂપણ શાસ્ત્રોમાં જે રીતે કર્યું છે, તે તેમજ છે' એવી અખંડ પ્રતીતિ. એ પ્રતીતિના યોગે જગતનો સ્વભાવ અને મોક્ષનું સ્વરૂપ જેવું છે, તેવું જાણવાની અને સમજવાની તક મળે છે અને તેના ફળ સ્વરૂપ ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે.
ચારિત્રધર્મ તેને કહેવાય છે કે જેમાં બીજાની પીડાનો પરિહાર હોય. જ્યાં સુધી જીવ બીજાને પીડા કરનારી પ્રવૃત્તિઓથી પ્રતિજ્ઞાપૂર્વક સર્વાંશે કે અમુક અંશે પણ મુક્ત થતો નથી, ત્યાં સુધી તે નિમિત્તે થતો કર્મબંધ અટકી શકતો નથી. અને કર્મબંધ અટકતો નથી ત્યાં સુધી તેના ફળસ્વરૂપ જન્મ-મરણ અને તજ્જનિત પીડાઓ અટકી શકતી નથી. સ્વપીડાનું ઉત્પત્તિસ્થાન જાણે કે અજાણે પરપીડામાં થવાતું નિમિત્ત છે. એ નિમિત્ત મનથી, વચનથી કે કાયાથી લેશ પણ થવાતું હોય, ત્યાં સુધી તન્નિમિત્તક કર્મબંધ ચાલુ રહે છે. એનાથી છૂટવાનો ઉપાય એક જ છે અને તે હિંસાદિ પાપસ્થાનોથી નિવૃત્ત થવું તે છે. પરપીડા એ પાપ છે અને પર ઉપકાર એ પુણ્ય છે, એ નિર્વિવાદ છે. પોતાને કોઈ પીડા આપે તો તે પાપી છે, એમ માનનારો બીજાને પીડા આપતી વખતે પોતે પાપ કરનારો નથી, એમ કઈ રીતે કહી શકે ? પોતાના ઉપર કોઈ ઉપકાર કરે તો તે પુણ્યનું કામ કરે છે એમ જો લાગે છે, તો તે નિયમ પોતાને માટે સાચો છે અને બીજાને માટે સાચો નથી, એમ કોણ કહી શકે ? વિશ્વના અવિચલ નિયમો અકાટ્ય હોય છે. કાંટામાંથી કાંટા ઉગે છે અને અનાજમાંથી અનાજ ઉગે છે. એ નિયમના અનુસારે જ પીડામાંથી પીડા અને ઉપકારમાંથી ઉપકાર ફલિત થાય છે.