Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
વિજય પ્રાપ્ત કર્યો છે, તેઓ ત્રણે જગતના 'Victors' વિજેતા ગણાય છે. દોષો ઉપરના એ વિજયનું નામ જ વીતરાગતા છે. વીતરાગતા ઉપરની શ્રદ્ધા એટલે દોષોના વિજય ઉપરની શ્રદ્ધા અર્થાત્ ‘ગતમાં જેમ દોષો છે, તેમ તે દોષો ઉપર વિજય મેળવનારાઓ પણ છે. એવી અખંડ ખાત્રી.
એ શ્રદ્ધા દોષોના વિજેતાઓ ઉપર ભક્તિરાગ ઉત્પન્ન કરે છે. દોષોના વિજેતાઓ ઉપરનો આ ભક્તિરાગ એક પ્રકારનો વેધક રસ છે. વેધક રસ જેમ ત્રાંબાને પણ સુવર્ણ બનાવવાની તાકાત ધરાવે છે, તેમ દોષોના વિજેતાઓ ઉપરનો ભક્તિરાગ જીવરૂપી તામ્રને શુદ્ધ કાંચનસમાનસર્વ દોષ રહિત અને સર્વગુણ સહિત-શિવ-સ્વરૂપ બનાવવાની શક્તિ ધરાવે છે. દોષરહિતતા અને ગુણસહિતતા સમ વ્યાપ્ત છે. જેમ અંધકારનો નાશ અને પ્રકાશનો ઉદ્ગમ એક સાથે જ થાય છે, તેમ દોષોનો વિજય અને ગુણોનો પ્રકર્ષ સમકાળે જ ઉદય પામે છે. વીતરાગ એ દોષોના વિજેતા છે, માટે જ ગુણોના પ્રકર્ષવાળા છે. એ રીતે વીતરાગ ઉપરની શ્રદ્ધામાં જેમ દોષોના વિજય ઉપરની શ્રદ્ધા વ્યક્ત થાય છે, તેમ ગુણોના પ્રકર્ષની શ્રદ્ધા પણ અભિવ્યક્ત થાય છે. એ ઉભય પરની શ્રદ્ધાથી જાગેલો ભક્તિરાગ જ્યારે તેના પ્રકર્ષપણાને પામે છે, ત્યારે આત્મા એક ક્ષણવારમાં વીતરાગ સમ બની જાય છે. નિર્ગથ -
શ્રી જૈનશાસનમાં શ્રદ્ધેય તરીકે પ્રથમ નંબરે જેમ વીતરાગ છે, તેમ બીજે નંબરે નિગ્રંથ છે. નિગ્રંથ એટલે વિતરાગ નહિ, છતાં વીતરાગ બનવાને સતત પ્રયત્નશીલ. ગ્રંથ એટલે ગાંઠ અથવા પરિગ્રહ. પરિગ્રહ શબ્દ મૂછના પર્યાય તરીકે ઓળખાય છે. આત્મા અને તેના ગુણો સિવાય જગતના કોઈપણ પદાર્થ ઉપર-મૂછના અત્યંત કારણભૂત સ્વશરીર ઉપર પણ મમત્વ કે રાગભાવ ધારણ કરવો નહિ, એ નિર્ગથતાની ટોચ છે. આત્મા અને તેના ગુણો ઉપરનો રાગ એ મૂર્છા કે મમત્વ સ્વરૂપ નથી, કિન્તુ સ્વભાવોન્મુખતારૂપ છે. તેથી તે દોષરૂપ નહિ પણ ગુણરૂપ છે. નિગ્રંથતા ઉપરની શ્રદ્ધા એ વીતરાગભાવ ઉપરની શ્રદ્ધાનો જ એક ફણગો છે. વીતરાગ દોષરહિત છે, તો નિગ્રંથ દોષરહિત હોવા છતાં દોષરહિત થવાનો પ્રયત્નશીલ છે. દોષના અભાવમાં દોષરહિત બની રહેવું, એ સહજ છે. દોષની હયાતિમાં દોષને આધીન ન થવું એ સહજ નથી, કિંતુ પરાક્રમસાધ્ય છે. દોષોના હલ્લાની સામે અડગ રહેવું અને દોષોને મૂળમાંથી ઉખેડી