Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
१९
સમાધિમરણ ૭મી જાન્યુઆરી ૧૯૭૭ને શુક્રવારના સવારે ૬ વાગે હૃદયરોગનો સખત હુમલો થયો. તુરત ડૉક્ટર આવ્યા, સારવાર આપવામાં આવી. ૬-૪૫ વાગ્યે કાંઈક સ્વસ્થ થયા અને ડૉક્ટર પણ તેઓ હવે ભયમુક્ત છે એવું આશ્વાસન આપીને ઘરે ગયા. આવી રહેલા અંત કાળને તેઓ પારખી ગયા હતા. એટલે તેમણે બાકી રહેલા શેષ કાળમાં દેહનાં કષ્ટોથી નિર્લેપ રહીને ચિર-વિદાય લેવાની તૈયારી શરૂ કરી. બુઝાતો દીપક થોડી પળો માટે ઝળહળી રહ્યો. બધા કુટુંબીજનોને તેમણે બોલાવ્યા અને યાદ કરીને ખમાવ્યા. સંજોગવશાત્ સાધ્વીજી મહારાજનો લાભ મળ્યો. તેમણે વંદન કર્યું. તેમની પાસે માંગલિક સાંભળ્યું અને વ્રત પચ્ચક્ખાણ કર્યા. જિનપૂજા અને જ્ઞાનપૂજા કરી અને ધર્મશ્રવણ શરૂ કર્યું. નવકારમંત્ર ઉવ્વસગ્ગહર સંતિકર અને ભક્તામર પૂરાં થયાં એટલે તેમણે લઘુશાંતિ શરૂ કરવાનું કહ્યું. તેમાં ગાનારથી વીસરાઈ ગયેલી બીજી ગાથાની પંક્તિને પણ પોતે યાદ કરી આપી. વિષાદમય પળો પસાર થતી ગઈ. અને શાંતિની છેલ્લી ગાથાની પહેલી પંક્તિ “સર્વ મંગલ માંગલ્યમ્....” સાંભળીને તેમણે ૭-૪૫ વાગ્યે સદાયને માટે આંખ મીચી દીધી. થોડી પળો માટે તેમના ચહેરા પર કોઈ અનોખો અને દિવ્ય પ્રકાશ રેલાઈ રહ્યો.
અમૃતલાલભાઈ પૂર્ણ ખીલેલા લાલ ગુલાબ જેવું સુગંધી અને સુંદર જીવન જીવ્યા અને મૃત્યુને પણ ધન્યાતિધન્ય બનાવી ગયા.
પ્રસ્તુત પુસ્તકનું પ્રકાશન આજ તેમનો પુણ્યવંતો સંસ્પર્શ પામ્યા વિના પ્રકટ થાય છે. તેથી હૈયે વિષાદની ઘેરી લાગણી ઘૂંટાય છે. આ સાથે જ તેમના જીવનની છેલ્લી તીવ્રચ્છા આજ મોડે મોડે પણ સાકાર બને છે તેથી અલ્પાતિઅલ્પ આનંદ પણ થાય છે.
આ સિવાયનાં અમૃતલાલભાઈનાં બીજાં અધૂરાં સંશોધનો બનતી ત્વરાએ પ્રકાશિત કરવા માટે શાસન દેવતાઓ અમને બળ અને બુદ્ધિ આપે તેવી પ્રાર્થના સહ.
જે. એચ. દોશી
પ્રમુખ જૈન સાહિત્ય વિકાસ મંડળ
- ઈર્લા, મુંબઈ-પ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org