Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
१७
અમૃતલાલભાઈ સ્વભાવે વૈજ્ઞાનિક હતા. સાચા વૈજ્ઞાનિકને ક્યારેય પોતાના એક સંશોધનથી તૃપ્તિ થતી નથી. પોતાના જ સંશોધનનું તે વધુ ને વધુ ગહન અને વિશદ સંશોધન કરતો જ રહે છે. અમૃતલાલભાઈ ઉપર જણાવ્યા મુજબ લોગસ્સ સૂત્ર ઉપર એક સંશોધિત ગ્રંથ આપી જ ચૂક્યા હતા, છતાંય જીવનનાં અંતિમ વરસોમાં પણ તે આ સૂત્રના ગૂઢાર્થને શોધતા હતા.
એ જ પ્રમાણે “લઘુશાંતિ”નું થોડુંક સંશોધન પણ તે પ્રબોધ ટીકામાં આપી ચૂક્યા હતા, છતાંય તેનું વિરાટ અને ગહન સંશોધન કરતા રહ્યા હતા. આ લોગસ્સ સૂત્રના ગૂઢાર્થની હસ્તપ્રત તૈયા૨ છે અને ઘણા વિદ્વાન શ્રમણોની તેને માન્યતા પણ વરી છે. નાની શાંતિનું સંશોધન હજી તેમની ડાયરીઓમાં અને ફાઈલોમાં છે. જ્યારે શ્રી અરિહંત ચેઈયાણં સૂત્રના ગૂઢાર્થની ફાઈલ તૈયાર છે.
વિરલ સમન્વય
વિસ્તૃત વટવૃક્ષ જેવા ઉન્નત, ધીર અને ગંભીર આ વડીલની છત્રછાયા નીચે વિશાળ કુટુંબ આનંદ કલ્લોલ કરતું હતું. દરેકના ક્ષેમકુશળની તેઓ ચિંતા કરતા હતા. બીજાની ઊણપો-ભૂલો માફ કરવામાં તેઓ ઉદારદિલ હતા. તેમની વત્સલતા, જ્ઞાનગોષ્ઠિ અને વિનોદમય વાણી સારાયે પરિવારને માટે ચિર-સ્મરણીય રહેશે. તેમના જીવનમાં સાદાઈ, સરળતા, સંયમ અને ચિત્તપ્રસન્નતાના સહજ ગુણો હતા. તેમના દેહનો મૂલ્યવાન શણગાર જ સાદાઈ હતી. તેમના ચહેરા પર સદાય સૌમ્યતા અને પ્રસન્નતા જોવા મળતી. શ્રી અને સરસ્વતીનો, વિદ્વત્તા અને વિનોદવૃત્તિનો, શ્રીમંતાઈ અને સાદાઈનો, ભૌતિક સિદ્ધિઓ અને નિરભિમાનતાનો તેમના જીવનમાં વિરલ સમન્વય હતો. ‘ત્યાગ કરીને ભોગવો' એ સિદ્ધાંત તેમણે ચરિતાર્થ કર્યો હતો. પુષ્પસમું સુકોમળ તેમનું હૃદય હતું. તેઓ કોઈનું દુઃખ જોઈ શકતા નહીં.
મદદ માટે આવે તેને ખાલી હાથે જવા દઈ શકતા નહીં. પોતાનાથી શક્ય બધું કરી છૂટે નહિ ત્યાં સુધી તેમને શાંતિ થતી નહિ. આવી રીતે સ્નેહસંબંધથી તેમની સાથે સંકળાયેલ અનેક વ્યક્તિઓ વિશે કદી જાણી શકાશે નહિ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.