________________
ટીકાર્થ— [(૨) મિથ્યાત્વથી હણાયેલ મલિનબોધથી પાંચ આશ્રવોના કારણે કર્મબંધથી પૂર્ણ— જે જીવમાં મિથ્યાત્વ હોય તેનો બોધ (=જ્ઞાન) મિથ્યાત્વથી હણાયેલો કહેવાય. જ્યાં મિથ્યાત્વ હોય ત્યાં બોધ મલિન જ હોય. આથી મિથ્યાત્વી જીવમાં સમ્યજ્ઞાન ન હોય, કિંતુ મિથ્યાજ્ઞાન હોય. જ્યાં મિથ્યાજ્ઞાન હોય ત્યાં હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ આશ્રવો અવશ્ય હોય. જ્યાં મિથ્યાત્વસહિત આશ્રવો હોય ત્યાં કર્મબંધ ધણો થાય. આથી તે જીવ કર્મબંધથી પૂર્ણ હોય. જે જીવ રાગ-દ્વેષથી ઘેરાયેલો હોય=જે જીવમાં રાગ-દ્વેષ તીવ્ર હોય તે જીવમાં અવશ્ય મિથ્યાત્વ હોય. આથી અહીં રાગ-દ્વેષથી ઘેરાયેલો એમ કહ્યા પછી મિથ્યાત્વથી હણાયેલ મલિન બોધના કારણે કર્મબંધથી પૂર્ણ એમ કહ્યું છે.
(૩) આર્ત-રૌદ્રધ્યાનના ગાઢ ચિંતનવાળો એ કથનનો તાત્પર્યાર્થ એ છે કે એ જીવ સદા ગાઢ આર્ત-રૌદ્ર ધ્યાનમાં વર્તતો હોય.]
(૪) કાર્યાકાર્યનો નિર્ણય, ચિત્તના સંક્લેશનું જ્ઞાન અને ચિત્તની વિશુદ્ધિનું જ્ઞાન એ ત્રણથી મૂઢ– કાર્ય એટલે કરવા જેવું. અકાર્ય એટલે ન કરવા જેવું. જીવરક્ષા વગેરે કાર્ય છે અને જીવવધ વગેરે અકાર્ય છે. આ જીવ આવા કાર્ય-અકાર્યના નિર્ણયવાળો ન હોય. આથી કાર્યને પણ અકાર્ય માને અને અકાર્યને પણ કાર્ય માને.
૧. ધ્યાનના શુભધ્યાન અને અશુભધ્યાન એમ બે ભેદ છે. તેમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અશુભધ્યાન છે. ઋત એટલે દુઃખ. દુઃખના કારણે થતું ધ્યાન તે આર્તધ્યાન. આર્તધ્યાનના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે– (૧) અનિષ્ટવિયોગચિંતા– અનિષ્ટ વસ્તુનો સંયોગ થતાં તેના વિયોગની ચિંતા એ અનિષ્ટવિયોગચિંતા રૂપ આર્તધ્યાન છે. (૨) ઇષ્ટસંયોગચિંતા– ધન વગેરે ઇષ્ટ વસ્તુને મેળવવાની ચિંતા. (૩) વેદનાવિયોગચિંતા– રોગથી થતી વેદનાને દૂર કરવાની ચિંતા. (૪) નિદાન– ધર્મના ફળરૂપે આ લોકના કે પરલોકના સુખની ઇચ્છા રાખવી.
રૌદ્રધ્યાનના પણ ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે– (૧) હિંસાનુબંધી– હિંસા કરવાના એકાગ્રચિત્તે થતા વિચારો. (૨) અસત્યાનુબંધી– અસત્ય બોલવાના એકાગ્રચિત્તે થતા વિચારો. (૩) સ્નેયાનુબંધી– ચોરી કરવાના એકાગ્રચિત્તે થતા વિચારો. (૪) વિષયસંરક્ષણાનુબંધી ઇન્દ્રિયના મનગમતા વિષયોનું કે વિષયોના સાધનોનું રક્ષણ કરવાના એકાગ્રચિત્તે થતા વિચારો.
પ્રશમરતિ ૦ ૨૦