________________
ગાથાર્થ– મુક્ત થયો છતો આત્મા અભાવ સ્વરૂપ બની જતો નથી—તેનો નાશ થઇ જતો નથી. તેનાં ચાર કારણો છે– (૧) સ્વલક્ષણ, (૨) સ્વતઃ અર્થસિદ્ધિ, (૩) ભાવાંતર સંક્રાંતિ, (૪) જિનાગમ પાઠ.
ટીકાર્થ (૧) સ્વલક્ષણ– જ્ઞાન-દર્શનનો ઉપયોગ જીવનું લક્ષણ છે. આ લક્ષણ સદા=મોક્ષમાં પણ વિદ્યમાન હોય છે. જ્યાં જે વસ્તુનું લક્ષણ હોય ત્યાં તે વસ્તુ અવશ્ય હોય છે. આત્માનું લક્ષણ મોક્ષમાં વિદ્યમાન હોવાથી આત્મા મોક્ષમાં વિદ્યમાન છે.
(૨) સ્વતઃ અર્થસિદ્ધિ પ્રશ્ન– જ્ઞાનદર્શનનો ઉપયોગ એ જીવનો સ્વભાવ છે એમાં શું કારણ છે ?
ઉત્તર– અમુક વસ્તુનો અમુક સ્વભાવ કેમ છે એ પ્રશ્ન જ અસ્થાને છે. દરેક પદાર્થનો સ્વભાવ સ્વતઃ સિદ્ધ હોય છે. તેમાં આમ કેમ એ દલીલ નકામી છે. અગ્નિનો ઉષ્ણ સ્વભાવ કેમ છે એ પ્રશ્ન કરી શકાય નહિ. તેમ આત્માનો જ્ઞાનદર્શનોપયોગ રૂપ સ્વભાવ કોઇ કારણથી ઉત્પન્ન થયો નથી. કિંતુ અનાદિ કાળથી સ્વતઃ સિદ્ધ છે.
(૩) ભાવાંતર સંક્રાન્તિ– જગતની કોઇ વસ્તુ સર્વથા કદી નાશ પામતી જ નથી, માત્ર એના ભાવમાં=પરિણામમાં સંક્રાન્તિ=ફેરફાર થયા કરે છે. અમદાવાદમાં રહેતો મનુષ્ય મુંબઇ જાય છે તો તેની અવસ્થાનું પરિવર્તન થાય છે. પણ તેનો સર્વથા નાશ થતો નથી. મનુષ્ય મૃત્યુ પામી દેવલોકમાં ઉત્પન્ન થાય છે તો તેનો સર્વથા નાશ થતો નથી, કિંતુ અવસ્થા બદલાય છે=મનુષ્યાવસ્થા મટી દેવાવસ્થા થાય છે. તેમ સિદ્ધજીવમાં સંસારની અવસ્થાનો નાશ થાય છે અને મુક્ત અવસ્થા પ્રગટે છે. આથી તેમાં અવસ્થાનું પરિવર્તન થાય છે, પણ તેનો સર્વથા નાશ=અભાવ થતો નથી.
આ વિષે દીપકનું પણ દૃષ્ટાંત છે. દીપક બુઝાઇ જાય છે ત્યારે દીપક સર્વથા નાશ પામતો નથી, કિંતુ પ્રકાશનો ત્યાગ કરીને અંધકારને પામે છે=પ્રકાશવાળી અવસ્થાને છોડીને અંધકારવાળી અવસ્થાને પામે છે.
(૪) જિનાગમ પાઠ=આપ્તપુરુષના વચનથી પણ મુક્તજીવ સત્ રૂપ છે. (આમ કદી અસત્ય કહે નહિ. આપ્તનું વચન અને અસત્ય એ ત્રિકાળમાં પણ ન બને.) (૨૯૦)
પ્રશમરતિ • ૨૩૬